અમદાવાદઃ અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે થોડા સમય માટે દોડભાગ થઈ ગઈ હતી અને સ્ટાફ કામે લાગ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે અહીંથી ચાર મહિનાનું એક બાળક ગૂમ થઈ ગયું હતું. સ્ટાફ જ્યારે રૂટિન ચેકઅપ કરવા માટે આવ્યો ત્યારે તેમના ધ્યાનમાં આ વાત કરી.
હૉસ્પિટલના સ્ટાફે પિંક એલર્ટ આપી બહાર જવાના તમામ રસ્તાઓ બધ કરી દીધા અને સમગ્ર હૉસ્પિટલ અને પ્રાંગણની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી. જોકે બાળક કે તેના માતા-પિતાનો કોઈ પત્તો ન મળતા હૉસ્પિટલના સ્ટાફે ગમે તેમ કરી તેમના એક સંબંધીનો સંપર્ક મેળવ્યો. ત્યારે તેમને જાણવા મળ્યું કે માતા-પિતા જ પોતાનું બાળક લઈ નીકળી ગયા છે.
ઉત્તર ગુજરાતના સિદ્ધપુરથી આવેલા બાળકને હૃદયની તકલીફને કારણે દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલના સિનિયર ડોક્ટરે બાળકના પિતા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાની બે નાની દીકરીઓને ઘરે એકલી મૂકી આવ્યા હતા. તેમની ચિંતા થતા તેઓ પરત ફર્યા હતા.
તેમને હૉસ્પિટલના સ્ટાફને જાણ કરવાની હોય છે તેવા નિયમની ખબર ન હતી. હવે આ દીકરીઓની યોગ્ય વ્યવસ્થા કરી તેઓ પાછા આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. ડોક્ટરે તેમને ફરી આવી બાળકની સારવાર ચાલુ રાખવાની ખાસ સલાહ આપી હતી.