Wed Aug 19 2026

Logo

આજે આટલું જ: તમે યાદ આવ્યાં

2026-08-09 09:05:00
Author: Shobhit Desai
Article Image

 

 

 

- શોભિત દેસાઈ

 

ખાદ્યતેલ, દૂધ અને રોજિંદી ખાવાપીવાની વસ્તુઓને ઝેરી મિલાવટથી મુક્ત કરવા/રાખવા માટે અમે ‘મુંબઈ સમાચાર’ના પરિવારજન સરકારને FDA COMMISSIONER  શ્રી તુકારામ મુંઢેને ત્રણ વરસ સુધી અહીં જ સ્થાયી રાખવાની અરજ કરીએ છીએ. 

 

હરીન્દ્ર દવેનું આ અદ્ભુત અદ્ભુત અદ્ભુત ગીત સ્મરણમંજુષાની કોતરણીથી લઈને એની ઉપરના હાથી દાંતની સજાવટ અને એની અંદરના ભવ્ય ખાલીખમની જે અનલિમિટેડ ટૂર કરાવે છે એની વાત તો બાજુ પર જ રાખીએ. સૈફ પાલનપુરીનો માશાલ્લાહ શેર પણ બાજુ પર જ રાખી દઈએ કે 

 

ભૂલાયેલી ગલીઓ, બંધ દરવાજાઓ યાદ આવ્યા 

ઘણા દિવસે ઘરે બેસી રખડવામાં મજા આવી

 

મને આજે આ બંને ઉપકરણો યાદ આવી રહ્યા છે સાવ જુદા જ સંદર્ભમાં અને એના માટે પ્રેમાનંદ કે અન્ય મહાન મહાકાવ્યનાં ગાન કરનાર કથાકારોનો સહારો લેવો પડશે મારે - એક વખત એક તદ્દન પ્રમાણિક, બિલકુલ ઓનેસ્ટ ગવર્નમેન્ટ ઓફિસર હતો. બધા જ ગોબરા રાજકીય પક્ષોના કેટલાક ઝળહળાટ ઝાકઝમાળ ચહેરાઓને બાદ કરતાં ખંધા-ખાઈ બદેલા-લાંચિયા ક્ધિનાખોર નેતાઓને પણ માત્ર પોતાની પ્રામાણિકતાના તેજથી નમાવનાર સરકારી અમલદારો પણ ભારત દેશે જોયા છે. દાદરની ચાલમાં રહેતો ગોવિંદ રાઘો ખૈરનાર કંઈ આટલી જલદી ભૂલી જાઓ એવા તો તમે નથી જ નથી. બીએમસી જેવી ભ્રષ્ટાચારની ગંગોત્રી (હસમુખ ગાંધી)ને બે-ત્રણ વરસ તો કરી નાખી સીધીદોર એણે અથવા તો ખૈરનાર જાય ત્યાં સુધી થોડા ઘણા સીધાદોર થવાની અદાકારી મૂકી હતી બીએમસીએ. હવે જ્યારે પણ ઈલેકશન આવે છે ત્યારે અમે તો અચૂક યાદ કરીને મસ્તક નમાવીએ જ છીએ એમના અમૂર્તિમંત સ્વરૂપને. એ ટી એન સેશનના માથે વિશાળ ટાલ નહોતી, પ્રમાણિકતાની આખી પૃથ્વી હતી જેણે ઈલેકશનમાંથી સદાકાળનું અવાજનું પ્રદૂષણ નેસ્તનાબૂદ (ચવાઈને ચુથ્થો થઈ ગયેલો શબ્દ: ગાંધી હસમુખ) કરી નાખ્યું. અતિબાહોશ, મૌનવ્રત ધારણ કરીને બહુ મોટું કામ કરતા વડા પ્રધાન નરસિંમ્હા રાવ પણ પીડિત હતા પણ બાબરી તૂટવા દેવા માફક મૌન સહમતી આપતાં કદાચ સેશનને. છેલ્લો અતિ પ્રામાણિક અફસર મેં દીઠો પહેલા મ્હાડા ચીફ અને પછી બીએમસી કમિશનર સુબોધકુમાર... બિલ્ડરોના ગજવામાં જતા ચોરીના લખલૂંટ પૈસા બધા એણે બીએમસી, સોરી, હવે એમસીજીબીની તિજોરી તરફ વાળ્યા. એ ઔર વાત છે કે લાંચિયા, અતિ ભ્રષ્ટ અધિકારીઓએ લાંચમાં ‘વધુ છુપાવીને લેવી પડે છે’ કહીને બમણો વધારો કરી નાખ્યો. પણ અત્યારની મેયર રિતુ તાવડેએ ગેરકાયદે ફેરિયામુક્તિની અગાઉ ન થઈ હોય એવી શરૂઆત તો કરી હતી. અત્યારે એ કશમકશ ક્યાં છે એ વિષે હું અજાણ છું. 

 

પ...ણ, પણ એક ગજબનો કમિશનર આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગનો - તુકારામ મુંઢે. મારું ચાલે તો 72  પોઈન્ટ બોલ્ડ ફોન્ટમાં એનું નામ છાપું. અહીંયા એ વર્તમાનકાળ હોવાથી આખાય આર્ટિકલની સ્પેસમાં એટલું જ લખું: તુકારામ મુંઢેની જય. એના કસીદા એટલા માટે ગાઉં કે આ એકમાત્ર માણસને લીધે ઘરોમાં ચોખ્ખા દૂધ અને શુદ્ધ પનીર તેમ જ રંગોની મિલાવટ વગરનાં ફળ અને બનાવટી આટાને સ્થાને દણા પિસાયેલા લોટ  મેળવવા માંડ્યાં છે મુંબઈકર. રેઈડ પાડવામાં આ બંદો એવડો નીડર છે કે એ નેતાઓની માલિકીના પીઠાં અને રેસ્ટોરંટો, સીસીઆઈ અને એમઆઈજી જેવી આકાઓની મહેરબાનીથી ચાલતી ક્લબોની કેન્ટીનો અને ભભકાભેર ખાણીપીણીની જગ્યાઓ અને 70 વખત વડા તળી ચૂકેલું તેલ વાપરતા વડાપાંઉની લારીવાળા અને ઝેરી ઈંજેકશનોથી ઉગાડેલા શાકભાજી વેચવાવાળાઓ પોતાનો કરોડોનો સામાન, દૂર જઈ ગટરમાં પધરાવી રહ્યા છે, જેની ઉપર સંપૂર્ણ બનાવટી દૂધ વેચનારાઓ પોતાના દૂધનો અભિષેક કરી રહ્યા છે. અને માણસને હાઈ કોર્ટમાં જજે કહ્યું કે ભાઈ? કેમ આમ? માત્ર ખાનગી જગ્યાઓએ દરોડા? ગવર્મેન્ટની જગ્યા પર દરોડા પાડતાં કશુંક ફાટે છે? તરત જ બીજા દિવસે હાઈ કોર્ટની કેન્ટીનો પર જ દરોડા. લે --- લેતી જા. એક કેન્ટીન બંધ અને બેને નોટિસ ‘ક્યારે તાળું લગાડો છો?’ એ પૂછતી. 21 વરસની નોકરીમાં 25 વાર કે 25 વરસની નોકરીમાં 21 વાર તો ટ્રાન્સફર થઈ છે સંત તુકારામ મુંઢેની. ફેક્ટ ચેક કરવાની ઈચ્છા થાય તો કરી લેવી. પ્રવીણ જોશી ‘સપનાના વાવતેર’માં કહે છે એમ ‘એનો હિસાબ હું નથી રાખતો. એનો હિસાબ અનાથાશ્રમવાળા રાખે છે.’ મારા અતિ આદરણીય શૈલ ચતુર્વેદીની એક અલૌકિક શ્રીમદ્ કવિતા સંત શ્રીયુત તુકારામ મુંઢેને... 

 

બાત ઉન દિનો કી હૈ

જબ હમ ખાઉ ડિપાર્ટમેન્ટ મેં કમાઉ પોસ્ટ પર થે

લેકિન અપની ડ્યૂટી કો કુછ ઝ્યાદા હી વફાદાર થે...

રિશ્વત નહીં લેતે થે. 

એક દિન

હમારે નીચેવાળે બાબુને હમ સે કહા: ‘આપ ઝરા સે,

ઢીલે હો જાયેં તો મેરી બેટી કે હાથ પીલે હો જાયેં...’

મૈને કહા: ક્યા તુમ્હારી બેટી કે હાથ પીલે કરને કે 

લીયે મૈં મેરા મૂંહ કાલા કર દૂં?!’

હમારે નીચેવાલે બાબુને હમસે કહા: ‘હુઝુર!

યે ખાઉ ડિપાર્ટમેન્ટ હૈ... યહાં કા ઉસુલ હૈ ખાઓ

ઔર ખાને દો 

ઔર હર ઉપરવાલા નીચેવાલે સે કહતા હે: 

આને દો... આને દો... આને દો...’

 

મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસનો ખૂબ ખૂબ આભાર. આવા ઓફિસર લાવવા અને અત્યાર સુધી એમનો વાળ વાંકો ન થાય એ જોવા બદલ અને ભગવાન, અલ્લાહ, જીસસ, નાનક, સૌ ઈષ્ટદેવોને આગોતરા પાયલાગણ આને ટકી રહે એવા આશીર્વાદ આપવા બદલ...

 

આજે આટલું જ.