વોશિંગ્ટન ડી.સી.: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા તેના વ્યૂહાત્મક લક્ષ્યો પૂર્ણ કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે 32 દિવસના સૈન્ય ઓપરેશન બાદ ઈરાન હવે ખતરો રહ્યો નથી અને અમેરિકી દળોએ ઝડપી, નિર્ણાયક અને જબરદસ્ત વિજય મેળવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાનની સૈન્ય શક્તિ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને ભારે નુકસાન થયું છે, જેના કારણે હવે યુદ્ધનો મુશ્કેલ તબક્કો પૂરો થઈ ગયો છે.
જોકે, આ સંબોધન દરમિયાન ટ્રમ્પે એક મોટો દાવો કરતા જણાવ્યું હતું કે ઈરાનના રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવામાં ન આવે, ત્યાં સુધી અમેરિકા કોઈ પણ પ્રકારની સંધિ કે યુદ્ધવિરામ સ્વીકારશે નહીં. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા હવે મધ્ય પૂર્વના તેલ પર નિર્ભર નથી અને આગામી ૨-૩ અઠવાડિયા સુધી ઈરાન પર અત્યંત આકરા પ્રહારો ચાલુ રાખવામાં આવશે.
જો કે બીજી તરફ ઈરાને ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને ફગાવી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા આ દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાવવામાં આવ્યો છે. ઇરાને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ રોકવા માટે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી. આ દરમિયાન, ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના સહયોગી ખાડી દેશો પર મિસાઈલ હુમલા કર્યા હોવાના અહેવાલ છે, જ્યારે તેહરાનમાં પણ મોટા વિસ્ફોટો સંભળાયા છે. ઈરાને અમેરિકાની માંગણીઓને તર્ક વગરની ગણાવીને યુદ્ધ ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા.
આ સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન દ્વારા અમેરિકી જનતાને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે ઈરાનને સામાન્ય અમેરિકન નાગરિકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી. પેઝેશ્કિયન અમેરિકી જનતાને પ્રશ્ન કર્યો હતો કે શું આ પશ્ચિમ એશિયાનો સંઘર્ષ ખરેખર અમેરિકા ફર્સ્ટની નીતિને અનુરૂપ છે? તેમણે અમેરિકા પર ઈઝરાયલના પ્રભાવ હેઠળ યુદ્ધમાં જોડાવાનો અને યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે ઈરાનને ખતરા તરીકે રજૂ કરવું એ વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે.