Tue Aug 18 2026

Logo

કવર સ્ટોરીઃ હાશ, હવે તીન દેવિયાંની ટક્કર ટળી...

2026-08-14 08:55:00
Author: Hema Shastri
Article Image

 

હેમા શાસ્ત્રી

કિયારા અડવાણીની બે ભાષામાં (અંગ્રેજી અને કન્નડ) સાથે ફિલ્માંકન કરવામાં આવ્યું છે એ ‘ટોક્સિક: અ લવ સ્ટોરી ફોર ગ્રોન અપ્સ’ ફિલ્મ અગાઉ 19 માર્ચ, 2026ના દિવસે રિલીઝ થવાની હતી. જોકે, એ જ દિવસે રણવીર સિંહની ‘ધુરંધર 2’ રિલીઝ થવાની હોવાથી એની સાથેની સીધી ટક્કર ટાળવા નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. રિલીઝ મોકૂફીનું સત્તાવાર કારણ યુએસ - ઈરાન યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવાનું આપવામાં આવ્યું હતું. અંતે આ ફિલ્મ 26 ઓગસ્ટના દિવસે પ્રદર્શિત થઈ રહી છે.     

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટક્કરના ટેન્શનની અનોખી મજા છે. એમાં મુખ્યત્વે બે કલાકાર બોક્સ ઓફિસ પર એકબીજાનો મુકાબલો કરતા હોય છે. ક્યારેક એકને જ્વલંત સફળતા મળે ને બીજો ઊંધે માથે પટકાય. ક્યારેક બંને સફળ થાય તો ક્યારેક બંને તરફથી પીઠ ફેરવી લેવામાં આવે એવુંય બને. સાથે કે આસપાસ રિલીઝ થતી અન્ય ફિલ્મ બળુકી લાગતી હોય અને એ પ્રેક્ષકો ખેંચી જશે એવો જો ડર કે શંકા હોય તો રિલીઝની તારીખ આઘી ઠેલવામાં આવે છે.

 રસપ્રદ વાત એ છે કે માર્ચ મહિનામાં ‘ધુરંધર 2’ સાથે ટક્કર ટાળવા ‘ટોક્સિક’ની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી અને હવે ‘ટોક્સિક’ સાથે મુકાબલો ટાળવા માટે બે અભિનેત્રીની ફિલ્મની રિલીઝ આઘી ઠેલવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી એક ફિલ્મ છે શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ અને બીજી છે તમન્ના ભાટિયાની ‘વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’.

મહારાષ્ટ્રનાં તમાશા સમ્રાજ્ઞી વિઠાબાઈ નારાયણગાવકરના જીવન અને કવન પર આધારિત ‘ઈઠા’ ચોથી ડિસેમ્બરે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, એ જ દિવસે પ્રભાસની ‘ફૌજી’ અને અનીસ બઝમીની અક્ષય કુમાર-વિદ્યા બાલનની કોમેડી ફિલ્મ (ટાઈટલ હજી નક્કી નથી) પણ રિલીઝ થવાની છે. બીજી વાર પણ ટક્કર ટાળવામાં આવશે? એ તો ત્યારે જ ખબર પડશે.

બીજી તરફ્, તમન્ના ભાટિયાની હોરર ફિલ્મ ‘વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’ના પ્રદર્શનની નવી તારીખ 25 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. એ દિવસે રાજેશ માપુસ્કર (‘ફેરારી કી સવારી’ અને પ્રિયંકા ચોપડા નિર્મિત મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ના દિગ્દર્શક)ની એનિમેટેડ ફેન્ટસી ફિલ્મ ‘ચિરંજીવી હનુમાન: ધ ઈટર્નલ’ પણ રિલીઝ થવાની છે. તમન્ના ભાટિયાની ફિલ્મને કોઈ સીધો સંઘર્ષ નહીં હોવાથી એની ફિલ્મ તો એ જ દિવસે રિલીઝ થશે.

ટક્કર ટાળવાની બાબતમાં એક મજેદાર વાત એ પણ છે કે રિયલ લાઈફના પતિ - પત્નીનો બોક્સ ઓફિસ મુકાબલો પણ ટળી ગયો છે. વાત એમ છે કે તમન્નાની ફિલ્મ ‘વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’નો હીરો છે સિદ્ધાર્થ મલ્હોત્રા. ‘મુંબઈ સમાચાર’ના સિને પ્રેમી વાચકો તો જાણતા જ હશે કે ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જેની ફલશ્રુતિ લગ્નમાં થઈ હતી. આમ પતિ-પત્નીની બોક્સ ઓફિસ ટક્કર પણ ટળી ગઈ છે. 

વાચકોને એ પણ યાદ હશે કે રિયલ લાઈફના અન્ય યુગલ વિકી કૌશલ અને કટરિના કૈફના કેસમાં બોક્સ ઓફિસ ટક્કર ટાળી નહોતી શકાઈ. કટરિનાની બે ફિલ્મ ‘ટાઈગર 3’ (દિવાળી 2023) અને ‘મેરી ક્રિસમસ’ (જાન્યુઆરી 2024)ની વચ્ચે વિકી કૌશલની ‘સેમ બહાદુર’ (1 ડિસેમ્બર 2023) રિલીઝ થઈ હતી. એ સમયે વિકીએ હસતા હસતા કહ્યું હતું કે પત્નીની બે ફિલ્મ વચ્ચે પોતે સેન્ડવિચ થઈ ગયો.

કિયારા અડવાણી ‘ટોક્સિક’ ફિલ્મને પોતાની અભિનય યાત્રાનો નવો પડાવ માને છે. જોકે, યશના ડબલ રોલવાળી ફિલ્મમાં કિયારાના ભાગે કેટલો અને કેવો પરફોર્મન્સ આવ્યો હશે એ તો કેવળ અટકળનો વિષય છે પણ ‘રોલ બડા હોના ચાહિએ લંબા નહીં’ વ્યાખ્યામાં શ્રદ્ધા ધરાવતી કિયારા નાદિયા (નવી ફિલ્મના પાત્રનું નામ)ના રોલ બાબતે અત્યંત ઉત્સાહિત છે. ઈન્ટરવ્યૂમાં તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે ‘આ ફિલ્મ મારી કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. મારું માનવું છે કે આ ફિલ્મ પછી ‘ટોક્સિક’ પહેલાની કિયારા અને પછીની કિયારા એવા બે અલગ રૂપમાં તમે મને મૂલવી શકશો.’

ભારતીય ચિત્રપટ સૃષ્ટિમાં કેટલાક વખતથી પેન ઈન્ડિયા ફિલ્મ્સનો અખતરો ચાલી રહ્યો છે. પ્રાદેશિક ભાષાનું લેબલ હટાવી ફિલ્મ ભારતભરના અને વિદેશમાં વસતા વિવિધભાષી ભારતીય દર્શકો ફિલ્મને માણી શકે એ માટે ફિલ્મ જે ભાષામાં બની હોય એ ઉપરાંત અન્ય ભાષાઓમાં ડબ પણ કરવામાં આવે છે. આ અખતરાથી બહોળો પ્રેક્ષકવર્ગ મળે છે. હોલિવૂડની ફિલ્મો સુધ્ધાં આવો પ્રયાસ કરતું હોવાથી જયપુર, જાલંધર, જલપાઈગુડી અને જામનગરનો સ્થાનિક ભાષા જ સમજતો સિનેપ્રેમી પણ એ ફિલ્મ માણી શકે છે. ‘ટોક્સિક’ પણ સાઉથની ભાષા અને હિન્દીમાં ડબ કરી રજૂ કરવામાં આવશે. 

જોકે, આની એક વિશેષતા એ છે કે આ ફિલ્મ એકસાથે બે ભાષા (અંગ્રેજી અને ક્ધનડ)માં ફિલ્માવવામાં આવી છે. યશ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (‘કેજીએફ: ચેપ્ટર 1’ અને ‘કેજીએફ: ચેપ્ટર 2’ વિશે જાણતા જ હશો) સાથે સંકળાયેલો કલાકાર હોવાથી અને કેજીએફની બે ફિલ્મ પછી યશની આ પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી હોવાથી ક્ધનડનો આગ્રહ સમજી શકાય છે. બંને કેજીએફ ફિલ્મોને વિદેશમાં સારી સફળતા મળી હોવાથી ‘ટોક્સિક’ની ફરતે આશાવાદ વીંટળાયેલો હોય એ સ્વાભાવિક છે. નિતેશ તિવારીની ‘રામાયણ’માં યશ રાવણનો રોલ કરી રહ્યો હોવાથી સિને પ્રેમીઓમાં એના માટે કુતૂહલ જાગ્યું હોય એ સ્વાભાવિક છે.