અનવર વલિયાણી
રબને રાજી રાખવા ઈબાદત સાથે સદ્કાર્યો પણ એટલા જ જરૂરી હોઈ, ભલાઈ ત્રણ રીતે કરી શકાય એક દ્રવ્યથી, બે શ્રમથી અને ત્રણ માનસથી. (1) નાણું, ખાદ્યસામગ્રી, કપડાં, શિષ્યવૃત્તિ વગેરે જીવનાવશ્યક વસ્તુઓના વિતરણથી, (2) જે હાથ પગથી થાય, માર્ગ અકસ્માતનો ભોગ બનેલાને રુગ્ણાલયમાં પહોંચાડવા, ચાલુ ટ્રેને મહિલા પર થતો બળાત્કાર અટકાવવો, ભરરસ્તે મહિલાને અગ્નિ ચાંપતા રાક્ષસનો સામનો કરવો, એકલતાથી પીડાતા માણસ જોડે બે ઘડી વાત કરવી, ઉનાળાની ભરબપોરે આગઝરતાં રસ્તા પર પગરખાં વગર ચાલતા બાળકને ઊંચકી લેવું.
દુ:ખોનું તો આભ ફાટ્યું છે, પરંતુ આપણે બધા મળીને થોડું સિવીએ તો પાછું સંધાઈ જાય. (3) સરકારી અધિકારીઓ, શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ વગેરેનાં સમાજલક્ષી સદ્કાર્યો માટે તેમની કદર કરી સન્માનવા, વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણો માટે થાબડવા, લેખક, કવિ, ચિત્રકારને પત્ર લખી બિરદાવવા વગેરે.
જનસેવા નિ:સ્વાર્થ અને કોઈ વળતર વગરનું માત્ર અલ્લાહની ખુશી માટેનું કાર્ય છે. તેના પરમ આનંદ અને ગહન તૃપ્તિ અનેરાં છે. તે હૃદય અને આત્માને સ્પર્શે છે. જીવતરમાં જીવ ઉમેરાય છે. જીવન અર્થપૂર્ણ લાગે છે. પીડિત વ્યક્તિ માટે કંઈ લાભ વગર કરેલ ઉપકાર મનને અવર્ણનીય શાંતિની અનુભૂતિ કરાવે છે. આ ભાવના તનાવથી મુક્તિ અપાવે છે, તેથી સ્વાસ્થપ્રદ થવાય છે. આયુષ્ય વધી શકે છે.
પરોપકારમાં હંમેશાં જીવ લાગેલો હોય ત્યારે નકારાત્મક વિચારો અને કાર્યો માટે અવકાશ નહિવત્ હોય છે. ભાઈચારો વધે છે અને સહૃદયી મિત્રોમાં ગણનાપાત્ર વધારો થાય છે. સેવક પ્રત્યે સદ્ભાવનાં ઝરણાં વહે છે. લોકો દીર્ઘ સમય પર્યંત યાદ કરે છે. તેને બિરદાવે છે અને સમાજ માટે આદર્શોનો માપદંડ બની જાય છે. આ કાર્ય આપણા અનુકૂળ દિવસે અને સમયે થઈ શકે છે. આમ જનસેવા નિ:સ્વાર્થ અને અલ્લાહની ખુશી માટેનું કાર્ય હોઈ, સમાજ તમારાથી ઘણી અપેક્ષાઓ સેવે છે. તેને સહાય આપવા સદા તત્પર રહેવું ઘટે.
* * *
પ્રેરણાસ્ત્રોત:
ઈસ્લામના આખરી પયગમ્બર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ લોકોને હંમેશાં માન આપી સહકાર આપતા. લોકોનું માન જાળવવામાં તેઓ પૈસાદાર કે ગરીબનો કોઈ ભેદભાવ રાખતા નહીં. પયગમ્બર (સ.અ.વ.) પોતાની હાજરીમાં, લોકો એકબીજાનો પૂરેપૂરો આદર જાળવે તેવો આગ્રહ રાખતા.
એક દિવસની વાત છે. પયગમ્બર (સ.અ.વ.) મસ્જિદમાં બેઠા હતા. તેઓ ત્યાં બેઠેલા લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક માલદાર માણસ કિંમતી કપડાં પહેરીને મસ્જિદમાં દાખલ થયો અને પયગમ્બર (સ.) સામે- આવીને બેસી ગયો. થોડી વાર પછી, ત્યાં એક ગરીબ માણસ આવ્યો. તેણે જૂના કપડાં પહેર્યા હતાં. તે આવીને દૌલતમંદ માણસ પાસે બેસી ગયો. શ્રીમંત માણસને આ ગમ્યું નહીં. તેણે મોઢું બગાડીને પોતાના કપડાં સંકોરી લીધા.
શ્રીમંત માણસનું આ વર્તન જોઈને પયગમ્બર (સ.અ.વ.) નારાજ થયા. તેઓએ શ્રીમંત માણસને પૂછ્યું- `આ ગરીબ માણસ તારી પાસે બેઠો, તેથી તેં તારાં કપડાં શા માટે સંકોરી લીધા? શું તને ડર છે કે આ ગરીબ માણસ તારી પાસે બેસશે, તો તારા પૈસા તેની પાસે ચાલ્યા જશે કે પછી તેની ગરીબાઈ તને લાગી જશે.!'
શ્રીમંત માણસ સ્વભાવે નરમ પ્રકૃત્તિનો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે તરત જ પયગમ્બરે ઈસ્લામને અરજ કરી `અય અલ્લાહના નબી (સ.અ.વ.) મારાથી આ ભૂલ થઈ ગઈ છે. હું તેની માફી માગું છું અને ભૂલના પ્રાયશ્ચિત્તરૂપે મારી દૌલતમાંથી અડધી દૌલત, મારા આ મુસ્લિમ ભાઈને ભેટ આપવા માગું છું.'
શ્રીમંત માણસની આ વાત સાંભળી પયગમ્બર (સ.અ.વ.) તે ગરીબ માણસને પૂછ્યું- `આ બાબતમાં તારે શું કહેવાનું છે?'
ગરીબ માણસે જવાબ આપ્યો- `અય અલ્લાહના નબી, તેને હું માફ કરું છું. તેની દૌલત હું લેવા માગતો નથી, કારણ કે મહેનત મજૂરી કરીને મને જે રોજી મળે છે તેનાથી મને સંતોષ છે. હું કોઈપણ પ્રકારના કામકાજ કે મહેનત કર્યા વગર શ્રીમંત બનવા માગતો નથી.'
-નાનો હોય કે મોટો, તવંગર હોય કે મુફલિસ. અલ્લાહના રસૂલનો સૌ સાથે આવો વિનમ્ર વ્યવહાર હતો. આપણે માત્ર બોધપાઠ નહીં, પરંતુ આ ઉપર અમલ કરવો રહ્યો.
* * *
દરિયાનાં મોતી:
પયગમ્બર (સ.અ.વ.) ફરમાવ્યું: `દુનિયા અને આખેરતની ભલાઈ ઈલ્મ (જ્ઞાન)ની સાથે છે.'
પથ્થર કી લકિર
આ કોલમને નિયમિત વાંચતા એક વાચકે ઉર્દૂ ભાષાની એક હદીસને ગુજરાતી લીપીમાં લખી મોકલી છે તે હિદાયત આપનારી બની રહેવા પામશે:
જબ ભી આપકે દિલ મેં ગુનાહ કા ખ્યાલ આયે તો યાદ કર લેના કી એક દિન આપકો અલ્લાહ કે પાસ પેશ હોના હૈ ઔર અપને આમાલ કા હિસાબ દેના હૈ!