Sun May 31 2026

Logo

શ્વાસનાં જ્ઞાન-વિજ્ઞાન ને અજ્ઞાન તમને શ્વાસ લેતાં આવડે છે?

2026-05-31 10:01:00
Author: Bharat Ghelani
Article Image

આપણી કાયાને ધબકતી રાખે- ચેતનવંતી રાખે એ શ્વાસ- ઉચ્છ્વાસ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

ક્લોઝ અપ - ભરત ઘેલાણી

થોડા સમય પહેલાં એક ટીવી ચૅનલ પર શરૂ થયેલી એક ટીવી સિરિયલ (‘યાદેં’)માં એની  કથા વાર્તા  એક મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હૉસ્પિટલના ડૉક્ટર્સ - દર્દીઓની સારવાર એમની વેદના-સંવેદનાની આસપાસ ગુંથાયેલી છે... કોઈ વિકટ કેસ આવે પછી દર્દીને કઈ રીતે ઉગારવો એની કટોકટી સર્જાય ત્યારે હૉસ્પિટલના એક વરિષ્ઠ તબીબ એના જુનિયર્સની હિંમત ટકાવી રાખવા વારંવાર સલાહ રૂપે એક જ વાત કહે છે: 

‘જબ તક શ્વાસ હૈ તબ તક ચાન્સ હૈ...!’ 

બીજી તરફ, જાણીતા કવિ પ્રણવ પંડ્યા એક નિયમિત કૉલમ લખે છે જેનું નામ છે : ‘શ્વાસનું રિ-ચાર્જ. નામ રૂપકડું છે- પહેલી નજરે ધ્યાન ખેંચે એવું છે, કારણ કે અહીં આપણી જિંદગીને ધબકતી રાખતા એવા મહામૂલા માત્ર શ્વાસની જ વાત નથી થઈ- એના રિ-ચાર્જની પણ વાત થઈ છે એટલે કે શ્વાસને પુન: ચેતનવંતા કરવાની વાત થઈ છે...

આમ હૉસ્પિટલ હોય-દાકતર હોય કે કવિ, એમની વાતમાં ‘શ્વાસ’ નામની વાતને મહત્ત્વ આપવામાં આવ્યું છે... 

આમ તો નિરંતર ચાલતી શ્વાસની ક્રિયા-પ્રક્રિયા પર આપણે નહીંવત ધ્યાન આપતા, પણ જીવલેણ કોવિડ ત્રાટક્યો પછી એ કપરા કાળમાં પેલી ‘શ્વાસ’ નામની જણસ ખૂબ અગત્યની થઈ ગઈ છે. ‘શ્વાસ’ અને ‘પ્રાણવાયુ’-આ બે શબ્દ આપણા માટે મહા મોંઘેરા થઈ ગયા છે.

માના ગર્ભમાંથી શિશુ બહાર આવે ત્યારે એને કોઈએ શ્વાસ કેમ લેવો એ શીખવવુ નથી પડતું. ગર્ભાશયમાંય એના શ્વાસ ચાલતા જ હોય છે. એ એની જન્મજાત ક્રિયા-પ્રક્રિયા છે જે એની આવરદા પૂરી થાય ત્યાં સુધી અવિરત ચાલે, સિવાય કે એના શ્વસનતંત્રમાં કોઈ ઊણપ સર્જાય ત્યારે એ ક્રિયા ખોરવાઈ ન જાય એ માટે જોઈતા ઉપાય યોજવા પડે.

શ્વાસ તો આપોઆપ લેવાતો રહે છે, પણ એ પૂરતું નથી. આપણા ઋષિમુનિઓથી લઈને અત્યારના બ્રીધિંગ એક્સ્પર્ટની શીખ મુજબ જો તમે ખરી રીતે-સાચા પ્રકારે શ્વાસ-ઉચ્છ્વાસની ક્રિયા- પ્રક્રિયા કરો તો આ અવનિ પર ધાર્યું નહીં હોય એથી લાંબું આયખુ ભોગવી શકશો.

બ્રીધિંગ- શ્વસનક્રિયા વિશે તો જાણીતા નાટ્યકારોથી લઈને કવિ-ચિંતકોએ પણ એમની શૈલીમાં સચોટ વાત કરી છે. શેક્સપિયરે શ્વાસની વાત એ રીતે રજૂ કરી હતી કે ‘કોણ શ્વાસ કઈ રીતે લે છે તેના પરથી એનાં મનની વાત -લાગણી પારખી શકાય છે!’ કવિ થોમસ હૂડે તો એમના એક કાવ્યમાં એમ પણ કહ્યું કે અસ્તવ્યસ્ત શ્વાસથી નિરાશ પ્રેમીને ઓળખી કાઢવો સહેલો છે. એનું આવું ‘ઇરેગ્યુલર બ્રીધિંગ’ લાંબું ચાલે તો એ મોતને નોતરે છે.. એવી ચેતવણી પણ કવિ હૂડે કાવ્યની એક પંક્તિમાં આપી હતી...!

આવા નાટ્યલેખક-કવિ-ચિંતકોની વાત બાજુ પર રાખીએ તો બ્રીધિંગના એક્સપર્ટ- શ્વાસના પારખુ નિષ્ણાત એમનાં સંશોધન-તારણના આધારે કહે છે કે શ્વાસ-ઉચ્છવાસ તેમજ પ્રાણાયામની ખરી રીતથી હૃદયરોગ-દમ-બ્લડપ્રેશર-ડિપ્રેશન-અનિંદ્રા ઇત્યાદિ જેવા રોગનો સફળતાપૂર્વક સામનો કરીને એના પર અંકુશ મેળવી શકાય છે.

છેલ્લાં ત્રણ-ચાર દાયકાથી ધરતીનું હવામાન વણસી રહ્યું છે. પ્રદૂષણ ઝડપભેર વધી રહીને હવા-વાતાવરણમાં રહેલા પ્રાણવાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટાડી રહ્યું છે. ડૉ. રૉબર્ટ ફ્રાઇડ જેવાં બ્રીધિંગ એક્સપર્ટ કહે છે કે એક સમયે વાતાવરણ-હવામાં 38% ઑક્સિજન રહેતો હતો જે આજે ઘટીને 21% પર પહોંચી ગયો છે, જ્યારે હવામાં આજે નાઇટ્રોજનનું પ્રમાણ ભયજનક રીતે 78% સુધી પહોંચી ગયું છે.

બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે ફેફસાં-હૃદયમાં પ્રાણવાયુ પહોંચાડવા માટે વધુ ને વધુ શ્રમ કરવો પડે છે. કોરોના વાયરસના તીવ્ર આક્રમણે આપણાં ફેફસાંની દશા બદતર કરી નાખી છે અને અધૂરામાં પૂરું કે આપણાં મહાનગરોમાં આજે એટલાં બધાં જૂની ઈમારતોનાં ‘રિડેવલપમેન્ટ’નાં કામ ચાલી રહ્યાં છે કે એનાંથી વધી ગયેલા પ્રદૂષણને લીધે આપણને હવામાંથી જોઈતો ઑક્સિજન મેળવવા માટે પણ રીતસર હવાતિયાં મારવા પડે છે.

આપણા ઋષિ અને ગુરુઓ કે વૈદિક વિદ્યાના જાણકારો જરૂર દૂરંદેશી હશે એટલે આજ જેવી સ્થિતિ- પરિસ્થિતિ ન સર્જાય એ માટે સદીઓ પૂર્વે આપણા ૠષિમુનિઓ શ્વાસના નિયમન માટે પ્રાણાયામ અને મેડિટેશન-ધ્યાન ધરવાની રીત શિષ્યોને વિશેષ શીખડાવતા. ચીનમાં તો જૈૈન ધર્મના ગુરુઓ મેડિટેશન -પ્રાણાયામ ઉપરાંત શ્વાસ લેવાની ખરી પદ્ધતિ માટે બ્રીધિંગની 112 જેટલી રીતની પણ શિષ્યોને રીતસર તાલીમ આપતા.  વિખ્યાત વિચારક ઓશો રજનીશ તો ત્યાં સુઘી કહેતા કે ‘જ્યાં સુધી તમે શ્વાસ-ઉચ્છ્વાસની આખી કુદરતી રમત -પ્રક્રિયા સારી રીતે જાણી-સમજી ન લો ત્યાં સુધી તમે ધ્યાનના ક્ષેત્રમાં પ્રવેશી પણ શકતા નથી. હકીકતમાં શ્વાસ એ તમારી હયાતી એટલે કે જાગૃતિ અને નિંદ્રા વચ્ચેનો સેતુ છે.’

 આજે પણ કોરોના જેવી બીમારીમાં શરીરની અને એમાંય ખાસ કરીને ફેફસાં જેવાં અગત્યના અંગની પ્રતિકાર શક્તિ વધારવા શ્વાસના સાયન્સને ખાસ સમજી લેવું જરૂરી છે. બધા જાણે છે કે આપણે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા નિરંતર કરતા રહીએ છીએ-મોટાભાગે અભાનપણે. સામાન્ય સંજોગમાં માણસ પ્રતિ મિનિટે 18થી 20- 25 શ્વાસ લે છે, પણ જો આપણે આ શ્વાસ લેવાની ક્રિયા-પ્રક્રિયા સભાનપણે ઘટાડીને 8થી 10 શ્વાસ સુધી કરી શકીયે તો શરીરને ઘસારો ઓછો પહોંચે અને જેમ જેમ આ ક્રિયાની આપણી પ્રૅક્ટિસ વધે- અભ્યાસ વધે એ સાથે આપણા શ્વાસ ઊંડા થાય -ધીમા પડે, પરિણામે મન અંદરનો કોલાહલ ઘટે છે પછી આપણું મન- ચિત્ત આપોઆપ હળવાશ અનુભવશે, કારણ કે મનને શ્વાસ સાથે સીધો સંબંધ છે, જેમકે એક ઉદાહરણ તરીકે તમે કોઈ પર ઉશ્કેરાઈ જાઓ તો શ્વાસ કેવો અચાનક ઝડપથી ચાલવા માંડે છે...!

અલબત્ત, શ્વાસને ઇરાદાપૂર્વક ધીરા પાડવાની ક્રિયા-પ્રક્રિયા આડેધડ ન થાય. એ ફાયદા કરતાં નુકસાનકારક વધુ થઈ શકે. યોગશિક્ષક જેવાં જાણકારનું માર્ગદર્શન લેવું જોઈએ.

શ્વાસની વાત નીકળે એટલે પ્રાણાયામ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. પ્રાણાયામની એક સર્વમાન્ય અને સરળ પરિભાષા એ છે કે ધીરે ધીરે શ્વાસ સહજ રીતે અંદર લેવો પછી એ જ સહજતાથી શક્ય હોય ત્યાં સુધી અંદર રોકવો પછી એટલી જ સહજતાથી જ બહાર કાઢવો. માત્ર એક જ વાક્યમાં આ વાત કરવી હોય તો શ્વાસોચ્છ્વાસની ગતિનું નિયમન એટલે પ્રાણાયામ, પરંતુ શરૂઆતમાં સભાનપણે એ શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં આપણે જબરજસ્તી સામેલ નહીં થવાનું. આ આખીયે ક્રિયા-પ્રક્રિયા કુદરતી હોવી જોઈએ.

જોકે, આગળ જતાં તમે જેમ જેમ શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં સભાન રીતે માહેર થશો પછી શ્વાસ-ઉચ્છ્વાસ પર કઈ રીતે સભાનપણે નિયંત્રણ મેળવવું એનો ખ્યાલ આવતો જશે. અચાનક કોઈ ઘટના બને ત્યારે એની સર્વપ્રથમ પ્રતિક્રિયા આપણા શ્વાસ આપે છે. ન ગમતી ઘટના હશે તો આપણા શ્વાસ ઝડપથી ચાલવા માંડશે- આપણે તણાવમાં આવી જશું, પણ જો સભાનપણે શ્વાસ પર નિયમન રાખતાં આવડી ગયું હશે તો અવસર યોગ્ય પ્રતિક્રિયા આપીને આપણા આરોગ્ય પરની આડ-અસર ટાળી શકીશું.

અહીં પ્રાણાયામ-ક્રિયાના ત્રણ તબક્કા પણ ક્યા ક્યા શબ્દથી ઓળખાય છે એ પણ ટૂંકમાં જાણી લઈએ. શ્વાસ શરીરમાં અંદર ખેંચવાની ક્રિયા ‘પૂરક’ તરીકે-શરીર અંદર શ્વાસ રોકી રાખવાની ક્રિયાને ‘કુંભક’ અને એ જ શ્વાસને શરીરની બહાર કાઢવાની ક્રિયા ‘રેચક’ તરીકે ઓળખાય છે.

આમ તો પ્રાણાયામ કરવાની અલગ અલગ અનેક રીત છે. એનું એક અલાયદું શાસ્ત્ર છે- વિજ્ઞાન છે, જેને આપણે અહીં સ્થળસંકોચને લીધે ટાળવું પડશે. આમ છતાં, પ્રાણાયામના ઉત્સાહીઓએ વિશેષ જાણી લેવું જરૂરી છે કે શ્વાસનો આ વ્યાયામ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી અચૂક ટાળવો , કારણ કે આ બન્ને વેળા વાતાવરણ-હવા વધૂ પ્રદૂષિત હોય છે.

-અને છેલ્લે, એટલું જ ઉમેરવાનું કે આ કોરોના પછીના કાળમાં આપણે શ્વાસ અને પ્રાણાયામ વિશે વિશેષ સભાનતા કેળવીને આ યુગની સૌથી કપરી કસોટીમાંથી પાર ઊતરવાનું છે.