અનવર વલિયાણી
દુનિયાના સીમાડા કદી કલ્પના પણ નહોતી કરી એટલા નાના થઈ ગયા છે. વાચક મિત્રોને વિદિત હશે કે વિશ્ર્વના દરેક રાષ્ટ્રોની સાપ્તાહિક રજા, વિકલી હૉલીડે રવિવારે હોય છે, જ્યારે ઈસ્લામિક રાષ્ટ્રો; દેશો જેમ કે- આરબ અમીરાત,- સઉદી,- ગલ્ફ,- દુબઈ- ઈરાક,- ઈરાન,- અફઘાનિસ્તાન,- પાકિસ્તાન- બાંગ્લાદેશ વગેરે જેવા સંપૂર્ણ ઈસ્લામિક રાષ્ટ્રો અને તેના રાજ્યોની અઠવાડિક જાહેર રજા જુમ્મા, શુક્રવારની હોય છે.
-જુમ્મા, શુક્રવારનું મહત્ત્વ, તેની અહેમિયત ઈસ્લામિક શરિયત અર્થાત્ તેના નિયમો, કાયદા-કાનૂનો અને ધાર્મિક દૃષ્ટિ મુજબ પણ ઘણું બુલંદ, ઊંચું આંકવામાં આવ્યું છે જે આપણે આ લેખના આગળના બે ભાગોમાં જાણકારી મેળવી ગયા છીએ. ઉપરાંત આ દિવસે અઠવાડિયાની સૌથી મોટી નમાઝને ‘નમાઝે જુમ્મા’ તરીકે ઓળખવામાં આવે છે અને એની બરકતો અને લાભો અનેક છે.
બપોરે એક વાગ્યાની આસપાસ અદા કરવામાં આવતી નમાઝે જુમ્મા અદા કર્યા બાદ મુસ્લિમ મહોલ્લાઓની રોનક જ કંઈ ઓર હોય છે. સારા પકવાનોની જયાફત માણી મુસ્લિમ કુટુમ્બો સગાં-સંબંધીઓને હળવા-મળવા સાથે સહપરિવાર ફરવા જાય છે. સમગ્ર વાતાવરણ ઈદ જેવી ખુશીનું સર્જાય છે. સારાં કાર્યો ‘નમાઝે જુમ્મા’ બાદ જ ઉકેલવામાં આવે છે.
* જુમ્માના દિવસે જે કામોને ફરજરૂપ ઠેરવવામાં આવ્યા છે તે પર અમલ કરવાની મોમીનો દિલો જાનથી કોશિશ કરતા હોય છે. શરિયતે ઈસ્લામમાં મોમીન માટે આ દિવસે જે ફરજોની તાંકીદ કરવામાં આવી છે તે આ મુજબ છે: ગુસ્લે જુમ્મા કરે અર્થાત્ નાહીધોઈ, સારાં કપડાં પહેરી સ્વચ્છ થાય. આ તાકીદ ભરેલી સુન્નત છે. અર્થાત્ પવિત્ર આચરણ, સુકૃત્ય છે.
* પયગંબરે ઈસ્લામ હઝરત મુહંમ્મદ રસૂલે ખુદા સલ્લલ્લાહો અલૈયહિવસલ્લમે હઝરત અમીરૂલ મોઅમેનીન અલૈયહિ સલ્લામને ફરમાવ્યું, ‘અય અલી! જુમ્માના ગુસ્લથી વધારે મોટી કોઈ સુન્નત, આચરણ નથી.’
* નખ અને મૂછ કાપો, કેમકે એ માટેની બહુ જ ફઝીલત, કૃપા વારીદ થઈ છે. તેમ કરવાથી રોજીમાં વધારો થાય છે અને પછીના બીજા જુમ્મા સુધી ગુનાઓથી પાક કરે છે.
* ખૂશ્બુ લગાડો અને પાક-સાફ પોશાક પહેરો.
* સદકો આપો (હાજતમંદોને મદદરૂપ થાવ) કેમ કે રિવાયતમાં છે કે શબે જુમ્મા અને રોજે જુમ્માના સદકો, દાન આપવો તે બીજા દિવસોમાં સદકો આપવા કરતા હજારગણું બહેતર છે.
* કુટુંબીજનો અને બાળકો માટે સારી અને નવી વસ્તુઓની ખરીદી કરો, તેઓને રાજી રાખો. જેથી જુમ્માનો દિવસ આવવાથી તેઓ ખુશ થાય.
- દુન્યવી કામોને પડતાં મૂકી દો.
- સારા-નરસા,
- લાભ-નુકસાન કાર્યો કોયડા- પ્રશ્નોને અલ્લાહના હવાલે મૂકી ધાર્મિક જ્ઞાન હાંસલ કરવામાં, મેળવવામાં મશ્ગુલ રહો.
- જુમ્માનો દિવસ સૈરસપાટા, હલકા લોકો સાથે ગપ્પા મારવા, લોકોના ઐબ જોવા, ખડખડાટ હસવા, નકામાં કામો, જે કામો-કાર્યોનું વર્ણન પણ કરી શકાય નહીં તેવાં કાર્યોમાં વિતાવો નહીં.
- સારા વિચાર
- સારો વ્યવહાર જુમ્માની બરકત, ઉત્કર્ષ, બઢતી અને સૌભાગ્ય અખંડ રાખે છે. આ એક નિર્વિવાદ સત્ય છે અને તે કયામત સુધી મિથ્યા થવાનું નથી.
પ્રેરણાસ્ત્રોત :
જુમ્માના રોજ 1,000 વખત સલવાત પઢો
- હઝરત ઈમામ બાકીર અલૈયહિ સલ્લામથી રિવાયત, પરંપરા, પ્રણાલી રહી છે કે, જુમ્માના દિવસે મારી નજીક બીજી કોઈ ઈબાદત, પ્રાર્થના, સ્તુતિ રહી નથી કે જે પયગંબર હઝરત મુહંમ્મદ (સલ) અને આલે મુહમ્મદ (સલ) પર સલવાત પઢવાથી વિશેષ હોય.
યાદ રહે: જો કોઈ ઈબાદત ગુજાર બંદો એક હજાર વખત સલવાત પઢી શકે નહીં તો તેનાથી થાય તેટલી સલવાત પઢે-તેનું રટણ કરે.
- રિવાયતમાં છે કે જે શખ્સ જુમ્માના દિવસે 100 વખત સલવાત, 100 વખત અસ્તગફેરૂલ્લાહ રબ્બી વ અતુબો અલૈય હે અને 100 વખત સુરહ તૌહીદ પઢે તો તે અવશ્ય ગમે તે મુશ્કેલીઓમાંથી હેમખેમ પાર ઊતરી જશે.
ધર્મજ્ઞાન :
મા-બાપ ઈતેકાલ, અવસાન થયાં હોઈ તો તેમની અને બીજા મોમિનોની કબ્રની ઝિયાસ્ત, દર્શન કરો.
- પયગંબર હઝરત મુહમ્મદ સાહેબની હિદાયત ધર્મની સાચી સમજ આપતા તેમના એક સાથી-સંગાથી કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓની જુમ્માના દિવસે ઝિયારત, દર્શન કરો, કારણ કે તેમની ઝિયારત માટે કોણ કોણ આવે છે અને તે જાણીને તે રાજી થાય છે.’
દરિયાનાં મોતી
* દુઆ કબૂલ થવાનો સમય જુમ્માના દિવસના અંતિમ ભાગથી સૂર્યાસ્ત સુધીનો છે. તેથી એ સભ્યે દુઆઓ વિશેષ પ્રમાણમાં કરવી જોઈએ, નેક ઈચ્છાઓ સાકાર થાય તે માટે અલ્લાહને આજીજી કરવી જોઈએ.સૃષ્ટિનો સર્જનહાર અલ્લાહ સૌને જુમ્મા નસીબ કરે, સીફા, તંદુરસ્ત સાથે આફત-બલાથી બચાવે, બરકતો પ્રદાન કરે. આમીન, તથાસ્તુ. (સંપૂર્ણ)
* * *
સાપ્તાહિક સંદેશ
જો તમે નિયમિત નમાઝ પઢતા હશો તો તમારા ફેફસાં ઓછી ઊર્જા વાપરી વધારે ઓક્સિજન પ્રાપ્ત કરશે, હૃદય મજબૂત થશે અને પ્રત્યેક શ્ર્વાસે વધારે રકત ભ્રમણ કરશે.