થાણે: નાલાસોપારામાં 2020માં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા રેલવેના કર્મચારીની માતાને 38.13 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ ધ થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો. ખાસ કરીને ટ્રિબ્યુનલે મૃતકનો કસૂર હતો, એવો દાવો નકારી કાઢ્યો હતો અને જુવેનાઈલ બાઈકસવારની બેદરકારીથી અકસ્માત થયો હોવાનું નોંધ્યું હતું.ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ આપેલા આદેશમાં બાઈકની વીમા કંપનીને પહેલાં દાવેદારને વળતરની રકમ ચૂકવવા અને પછી વીમા પૉલિસીની શરતોનો ભંગ કરવા બદલ વાહનમાલિક પાસેથી રકમ વસૂલ કરવાના નિેર્દેશ આપ્યા હતા, કારણ કે અકસ્માત માટે જવાબદાર સગીર લાઈસન્સ વિના જ બાઈક ચલાવતો હતો.
પિટિશન અનુસાર મુંબઈમાં સેન્ટ્રલ રેલવે લોકો વર્કશૉપમાં ખલાશી તરીકે ધીરજ શરદ પવાર (25) કામ કરતો હતો. ધીરજ 8 જૂન, 2020ના રોજ યોગ્ય રીતે અને મધ્યમ ગતિથી સ્કૂટર ચલાવી નાલાસોપારા રેલવે સ્ટેશન તરફ જતો હતો ત્યારે પાછળથી પુરપાટ વેગે આવેલી બાઈકે તેના સ્કૂટરને ટક્કર મારી હતી.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ધીરજને નાલાસોપારાના પબ્લિક હેલ્થ કૅર સેન્ટરમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તુલિંજ પોલીસે ઘટના બાદ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જોકે તપાસમાં પોલીસે બાઈકચાલક સગીર વયનો હોવાનું ઓળખી કાઢ્યું હતું.
સગીરે જાન્યુઆરી, 2021માં ભિવંડીના જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ પોતે કસૂરવાર હોવાનું કબૂલ કર્યું હતું અને પાંચ હજાર રૂપિયાનો દંડ ભર્યો હતો.મૃતકની માતાએ વળતર માટે ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. અકસ્માત માટે જવાબદાર વાહનનો માલિક હાજર ન રહેતાં એકતરફી સુનાવણી કરાઈ હતી. (પીટીઆઈ)