Tue Aug 18 2026

Logo

દારૂને મુદ્દે થયેલા વિવાદમાં મજૂરની હત્યા કરનારા બે ભાઈને જનમટીપ...

2026-03-21 17:07:00
Author: Yogesh C. Patel
Article Image

થાણે: મીરા રોડમાં દારૂ પીવાને મામલે થયેલા વિવાદમાં સાથી મજૂરની હત્યા કરવાના નવ વર્ષ જૂના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે બે ભાઈને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
એડિશનલ સેશન્સ જજ આર. એસ. ભાકરેએ 18 માર્ચે આપેલા ચુકાદામાં આરોપી અશોક લાલજિતકુમાર ચૌરસિયા (39) અને તેના મોટા ભાઈ કમલેશકુમાર (53)ને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 34 (સમાન ઇરાદો) હેઠળ કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટે બન્ને ભાઈને જનમટીપ અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ઘટના મીરા રોડ પરિસરમાં આવેલા એક ગાર્ડનમાં 20 મે, 2017ની રાતે બની હતી. આરોપીઓ, મૃતક રાજેન્દ્ર ઉર્ફે રાજન મેશ્રામ અને તેમનો સાથી બિરુ નેટમ દારૂ પીવા બેઠા હતા.
ફરિયાદ પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે બિરુએ વધુ દારૂ મગાવવાનું અશોકને કહ્યું હતું, જેને પગલે તેમની વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. વિવાદ વકરતાં આરોપીઓએ લાકડા વડે રાજેન્દ્રને ફટકાર્યો હતો. માથામાં ગંભીર ઇજાને કારણે રાજેન્દ્રનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં બિરુ પણ ઘવાયો હતો.

ખટલા દરમિયાન ઘટનાની માહિતી આપનાર અને જખમી સાક્ષીદાર જુબાની માટે હાજર રહ્યા ન હોવાથી કોર્ટે સાંયોગિક પુરાવા, તબીબી અહેવાલો અને ફોરેન્સિક તારણો પર આધાર રાખ્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે મૃત્યુનું સંભવિત કારણ માથાની ઇજા (અકુદરતી) છે. પીએમ રિપોર્ટમાં જે ઇજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માત્ર લાકડાના ટુકડાથી સંભવિત છે. આ ઇજાઓ મૃત્યુ નિપજાવવા પૂરતી છે. એ સિવાય આરોપીઓ તેમનાં કપડાં પર લાગેલાં ડાઘ અંગે કોઈ ખુલાસો કરી શક્યા નહોતા.

આરોપીઓને પણ ઇજા થઈ હતી, પરંતુ એ કઈ રીતે ઘવાયા તે અંગે કોઈ સ્પષ્ટતા આપી શક્યા નહોતા. ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં સફળ થયો હોવાનું નિષ્કર્ષ કોર્ટે કાઢ્યું હતું. (પીટીઆઈ)