મુંબઈઃ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળથી પસાર થતા થાણે-બોરીવલી રોડ અંડરપાસ પ્રોજેક્ટનું કામ હાલમાં ઘોડબંદરના મુલ્લાબાગ વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા હાથ ધરવામાં આવ્યો છે જેથી થાણેથી બોરીવલી માત્ર થોડી મિનિટોમાં પહોંચી શકાય
આ કામકાજ માટે થાણે ટ્રાફિક પોલીસે મુલ્લાબાગ વિસ્તારમાં ટ્રાફિક ફેરફારો લાગુ કર્યા છે. આ ટ્રાફિક ફેરફારો શનિવાર 16 મે, 2026 થી 15 મે, 2027 સુધી એટલે કે એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યા છે. થાણે પોલીસ ટ્રાફિક વિભાગે આ ટ્રાફિક ફેરફાર માટે એક સૂચના જારી કરી છે.
એક વર્ષ માટે લાગુ થયેલા આ ફેરફાર મુજબ મુલ્લા બાગમાં હિલક્રેસ્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સથી નીલકંઠ ગ્રીન હાઉસિંગ કોમ્પ્લેક્સ તરફ જતા વાહનોને સત્ય-શંકર સોસાયટી પાસે પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. અહીં વાહનો નીલકંઠ ગ્રીન હાઉસિંગ કોમ્પ્લેક્સથી વિરુદ્ધ દિશામાં જશે.
થાણે શહેરના ઘોડબંદર રોડથી હજારો ભારે અને હળવા વાહનો ગુજરાત, વસઈ-વિરાર, બોરીવલી, મીરા-ભાયંદર થઈને ઘોડબંદર ઘાટ રોડ તરફ જાય છે. ઘાટ રોડ પરની લેન સાંકડી હોવાથી વાહનચાલકોને નિયમિત રીતે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. .