Sat May 02 2026

Logo

થાણે-ભિવંડી મેટ્રો પ્રોજેક્ટ: જાન્યુ. 2027 સુધીમાં શરૂ થશે મેટ્રો સેવા, ટ્રાફિકમાંથી મળશે મુક્તિ

2026-04-13 19:09:25
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂરજોશમાં ચાલી રહ્યો છે. હાલમાં થાણે અને ભીવંડી વચ્ચે કામ ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે, અને જાન્યુઆરી 2027 સુધીમાં મેટ્રો સેવા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે.

દહિસર-કાશીગાંવ મેટ્રોના પ્રારંભ પછી થાણે શહેરમાંથી પસાર થતી બીજી મેટ્રો લાઇન પર કામ ઝડપથી શરૂ થયું છે. થાણે અને ભિવંડીને જોડતી મેટ્રો લાઇન 5 (ઓરેન્જ લાઇન) ઘણા વર્ષોથી નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટ માટે નક્કી કરાયેલી નવી સમયમર્યાદા અનુસાર, થાણે-ભિવંડી મેટ્રો આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અને જાન્યુઆરી 2027 સુધીમાં શરૂ થવાની ધારણા છે.

થોડા દિવસો પહેલા જ, દહિસર-કાશીગાંવ મેટ્રોનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. થાણે શહેર અને હાર્બર લાઇન કોરિડોર પર આ પહેલી મેટ્રો લાઇન છે. પહેલા દિવસથી જ, મેટ્રોને મુસાફરો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સાંજે કાશીગાંવ મેટ્રો સ્ટેશન પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. હાલમાં, થાણે અને ભિવંડી વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને બસો પર આધાર રાખવો પડે છે. આ બસો ઘણીવાર અડધા કલાક સુધી મોડી પડે છે, જેના કારણે મુસાફરોને ઘણી અગવડ પડે છે.

વધુમાં, સાંજે ટ્રાફિક જામના કારણે મુસાફરો ઘણીવાર કલાકો સુધી બસોમાં ફસાયેલા રહે છે. ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો દિવા રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે. જોકે, આ ટ્રેનોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ઘણા વર્ષોથી, લોકો થાણે અને ભિવંડી વચ્ચે સીધી મેટ્રો લિંકની માંગ કરી રહ્યા છે.

એમએમઆરડીએ દ્વારા 2017માં મેટ્રો લાઇન 5 પ્રોજેક્ટને લીલીઝંડી મળી હતી. 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા પછી 2020 માં બાંધકામ શરૂ થયું. જોકે, છ વર્ષ પછી કામ અધૂરું રહ્યું છે. આ વિલંબને કારણે મુસાફરોમાં અસંતોષ ફેલાયો છે. જ્યારે પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારે બીજા તબક્કાનું બાંધકામ, જે કલ્યાણ સુધી વિસ્તરશે, તે શરૂ પણ થયું નથી. પરિણામે, લોકોને સમગ્ર મેટ્રો લાઇન 5 સંપૂર્ણપણે કાર્યરત થવા માટે ઘણા વર્ષો રાહ જોવી પડશે.