Sat Jun 20 2026

Logo

તમિલનાડું સરકાર દારૂના રસિયાઓ પર મહેરબાન! રેવન્યુ વધારવા હવે સરકારી દુકાનો પર મળશે વિદેશી દારૂ

2026-06-20 16:35:52
Author: Devayat Khatana
Article Image

ચેન્નાઈ: તમિલનાડુમાં તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં પહેલી જ વખતમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ મુખ્ય પ્રધાનના પદ પર બેસનારા થલપતિ વિજય હવે દારૂના રસિયાઓ પર મહેરબાન થવાની તૈયારીમાં છે. તેનું કારણ કઈક એવું છે કે રાજ્યના રેવન્યુને વધારવા અને લોકોને સારી ગુણવતાનો દારૂ મળી રહે તે માટે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને તામિલનાડુના બજારમાં પ્રવેશ આપવાની યોજના ઘડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. એક કારણ એવું પણ છે કે છેલ્લા અનેક વર્ષોથી દારૂના વ્યવસાય પર માત્ર લોકલ કંપનીઓનો જ દબદબો જ રહ્યો છે, જેને સરકાર તોડીને પોતાની તિજોરી ભરવા મથી રહી છે. 

મળતી વિગતો અનુસાર, TVK સરકાર દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ દારૂ પર મળતા ટેક્સની આવકમાં મોટો વધારો કરવાનો અને સ્થાનિક ગ્રાહકોને ઉત્તમ વિકલ્પો આપવાનો છે. અત્યાર સુધી એવા અનેક અહેવાલો સામે આવ્યા છે કે તામિલનાડુમાં વિદેશી બ્રાન્ડ્સ ઉપલબ્ધ ન હોવાને કારણે રાજ્યના નાગરિકો પાડોશી રાજ્યોમાંથી દારૂ ખરીદીને લાવતા હતા. 

મીડિયા અહેવાલ અનુસાર,  અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ પ્રવૃત્તિને કારણે સરકારને છેલ્લા ઘણા સમયથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું, કારણ કે પ્રીમિયમ બ્રાન્ડ્સ મેળવવા માટે લોકો ખાસ બેંગલુરુ અને પુડૂચેરી સુધી લાંબુ થવું પડતું હતું. વિજય સરકાર આ જ કરોડો રૂપિયાના રેવન્યુનું નુકસાન અટકાવવા અને ગ્રાહકોના અનુભવને સુધારવા આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

તો બીજી તરફ હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો તામિલનાડુમાં દારૂના બજાર પર લોકલ બ્રાન્ડ્સનું પ્રભુત્વ ઘણું વધારે છે, કારણ કે ત્યાંની સરકારી દુકાનો પર આંતરરાષ્ટ્રીય વિદેશી બ્રાન્ડનો દારૂ મળતો નથી. જો કે ભારતમાં બનતી વ્હિસ્કી અને અન્ય દારૂ મળી રહે છે, પરંતુ વિદેશથી આયાત કરાયેલો અને મોંઘો દારૂ આ સરકારી આઉટલેટ્સ પર ઉપલબ્ધ હોતો નથી અને તે માટે સામાન્ય રીતે ગ્રાહકોએ પબ કે લક્ઝરી હોટેલમાં જવું પડતું હોય છે. સરકાર હવે આ તફાવતને સંપૂર્ણપણે નાબૂદ કરવા માંગે છે. આ માટે તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરકારી દુકાનોની આખી સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં ખરીદીનું વાતાવરણ વધુ સુધારવામાં આવશે.

જો કે મહત્વનું છે કે, સરકારે તાજેતરમાં જ નિયમોનું ઉલ્લંઘન કરતી અથવા અયોગ્ય સ્થળોએ આવેલી 717 સરકારી દારૂની દુકાનો પર તાળા લગાવી દીધા છે, જેનાથી સરકારને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી છે, અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે જ હવે પ્રીમિયમ દારૂની સપ્લાય વધારવાનો નિર્ણય લેવાયો છે. જો કે, એક તરફ વિજય સરકાર આવક વધારવા માટે લોકોને વિદેશી બ્રાન્ડ્સ આપી રહી છે, તો બીજી તરફ દારૂના વેચાણ અને વિતરણના નિયમોમાં ભારે કડકાઈ પણ લાવી રહી છે.