ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભામાં પૂર્વ ડીએમકે સરકારના ભ્રષ્ટાચારની ફાઇલ જાહેર કરવાના મુદ્દે રાજકીય સંગ્રામ છેડાયો છે. વિધાનસભામાં ભ્રષ્ટાચાર સંબંધિત ફાઈલ્સને લઈ ચાલી રહેલા રાજકીય ધમાસણ વચ્ચે વિપક્ષ નેતા ઉધયનિધિ સ્ટાલિને મુખ્ય પ્રધાન વિજય પર આકરા પ્રહાર કર્યા હતા. ઉદયનિધિએ સીએમ વિજયને પૂર્વ ડીએમકે સરકાર સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારની ફાઈલો જાહેર કરવા તેમ જ કડક કાર્યવાહી કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
ઉદયનિધિએ એ પણ પૂછ્યું કે શું મુખ્ય પ્રધાન ભ્રષ્ટાચારના પુરાવા જાહેર કરવા માટે પોતાના જ્યોતિષ દ્વારા તારીખ નક્કી કરવાની રાહ જોઈ રહ્યા છે? તમિલનાડુ વિધાનસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને મુખ્યપ્રધાન વિજયના જૂના નિવેદનનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ યોગ્ય સમયે ભૂતપૂર્વ ડીએમકે શાસનના ભ્રષ્ટાચાર સંબંધિત ફાઇલોનો ખુલાસો કરશે. ઉદયનિધિએ મુખ્યપ્રધાન વિજયના વલણની ટીકા કરતા કહ્યું કે વિધાનસભા સિનેમા નિવેદનબાજીનું સ્થળ નથી. એસેમ્બલીમાં સિનેમાની જેમ ડાયલોગ ન બોલો.
મુખ્ય પ્રધાન કેમ અચકાઈ રહ્યા છે?
ઉદયનિધિએ ભ્રષ્ટાચારની ફાઈલો જાહેર કરવામાં થયેલા વિલંબ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકાર પાસે પોતાના આરોપોનું સમર્થન કરવા માટે પૂરતા પુરાવા નથી. હું તેમને આગ્રહ કરું છું કે તેઓ ફાઇલો તાત્કાલિક ખોલે અને ભ્રષ્ટાચારના નક્કર પુરાવા હોય તો કાર્યવાહી કરે. મુખ્ય પ્રધાન ફાઇલો જાહેર કરવામાં કેમ અચકાઈ રહ્યા છે? શું તેઓ પોતાના જ્યોતિષ દ્વારા તારીખ નક્કી કરવાની રાહ જોઈ રહ્યા છે ?
જોકે, મુખ્ય પ્રધાન વિજયે ગૃહમાં ઉદયનિધિની ટિપ્પણીઓનો સીધો જવાબ ન આપ્યો, પરંતુ રાજ્યના શાળા શિક્ષણ પ્રધાને સરકારનો બચાવ કરવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે વિજય પારદર્શિતા માટે પ્રતિબદ્ધ છે અને ભ્રષ્ટાચારની ફાઇલોને યોગ્ય સમયે જાહેર કરશે.
મુખ્ય પ્રધાન વિજયે શું કહ્યું હતું?
નોંધનીય છે કે ગત બુધવારે મુખ્ય પ્રધાન વિજયે કહ્યું હતું કે તેમની પાસે ત્રણ સરકારી વિભાગોમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફાઇલ છે અને તેમણે ડીએમકેના પૂર્વ પ્રધાનો અને ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે તેઓ તેમને ફાઇલ ખોલવા માટે મજબૂર ન કરે. વિજયે કહ્યું કે તેઓ યોગ્ય સમયે આ ફાઈલ્સને જાહેર કરશે, ત્યાર બાદ વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને આ ફાઇલને જાહેર કરવાની માંગણી કરી હતી
આ ઘટનાક્રમ બાદ ડીએમકે અને ટીવીકેના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને કાર્યવાહી ફરી શરૂ થયા બાદ ફરીથી હોબાળો કર્યો હતો.