Fri Apr 17 2026

Logo

‘તારક’ વિના સુનું આકાશ...

2026-03-06 08:56:00
Author: Mumbaisamachar Team
Article Image

 સ્ટાર-યાર-કલાકારઃ

સંજય છેલ 


હાસ્યમાં દંશ ના હોવો જોઈએ એવું હું નથી માનતો. સમાજમાં ભ્રષ્ટાચાર વધી જાય તો હાસ્યનો ડંખ મારવો જ જોઈએ.
----------------
જો દુકાનવાળા લેખકોને મફતમાં કરિયાણું કે દવા નથી આપતા તો લેખક મફતમાં નાટક શું કામ આપે? નાટક ભજવતાં પહેલાં પુરસ્કાર મોકલવો ને પરવાનગી પણ લેવી.
----------------
આપણાં વિવેચકો સ્થૂળ હાસ્યને ઉતારી પાડે છે ,  પણ એય એક કળા છે. તમે લખી નથી શકતા એટલે કહો છો કે એ ‘સ્થૂળ’ કે ‘નકામું’ છે? કોમિક સહેલું નથી. મારા ટીકાકારો લઘુમતીમાં છે ત્યાં સુધી હું સલામત છું.
------------------
નાટકો લખીને મારે બધાનું ધ્યાન ખેચવું હતું. કોઈક રીતે જણાવવું હતું કે ‘હું કૈંક છું.’ ખરેખર તો હું મારી લઘુતાગ્રંથિના કોચલામાંથી બહાર આવવા માંગતો હતો.
------------------
મારાથી ગરીબી, મોંઘવારી, દંભ, પાખંડ વગેરે સહન નથી થતા ને એની સામે લડવા માટે મારી પાસે નેતાઓ જેવી તાકાત નથી એટલે હું કલમથી આક્રમણ કરીશ.
------------------
નાટકોમાં મને ‘આનંદ’ મળે છે, હાસ્ય લેખમાં ‘સુખ’ મળે છે.
..................
તારકભાઇ...

તમને ગયાને 9-9 વરસ થયા ને આમેય તમે બેરંગ ગુજરાતી લેખનનો આઠમો રંગ હતા. તમે ભાર વિના લખ્યું, ભાર વિના જીવ્યા કારણ કે તમે હળવું લખ્યું. તમારી અમાપ લોકપ્રિયતાએ પણ તમારી કલમ પર ગ્રહણ નહોતું લગાડ્યું. જોકે તમે આવું બધું સારું સારું વાંચત તો કહેત, ‘છોડને, એરીક બેન્ટલી કે પી. જી. વૂડહાઉસ વાંચ!’

આજે સતત 18-18 વરસથી ચાલતી સુપરહિટ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના કારણે લોકો તમને ઓળખે છે. તમે મુંબઇના ‘કોસ્મોપોલિટન’ પાત્રોને નેશનલ લેવલ પર લઇ ગયા! પણ લોકોને એ નથી ખબર તમે પ્રવીણ જોષી, કાંતિ મડિયા, અરવિંદ ઠકકર, સરિતાબેન જોશી માટે કેટલાં સુંદર નાટકો લખ્યાં! 

પ્રવીણ જોશીના ‘મોસમ છલકે’ નાટકમાં પ્રણયની ઉત્કટતાનાં ‘ઓર્ગેઝમ’ માટે ‘રસ- સમાધિ’ જેવો શબ્દ પ્રયોજેલો! તમે ‘પ્લાસ્ટિક સ્માઇલ’ કે ‘ફટકિયા મોતી’ જેવી ગંભીર એકાંકીઓય લખેલી? એ અદ્ભુત નાટકો વિશે ભલે ગુજરાતીમાં વિદ્વાનો વિવેચકો કદી કશું નહીં જ લખે, પણ તમે પ્રેક્ષકોમાં હૃદયસ્થ રહીને રાજ કરેલું ને સદા કરશો.

હાસ્યલેખો અગાઉ રંગમંચ પર તમે મુંબઇમાં આઇ.એન.ટી. જેવી માતબર સંસ્થા માટે નાટકો લખતા ભજવતા. ત્યારે સ્ટેજ પર જો કોઇ પાત્રનું ધોતિયું ઉતરી જાય તો એને ચાલુ નાટકે ધોતિયું પહેરાવતાં ને ત્યારે ‘ઓન ધ સ્પોટ‘ ત્વરિત નવી જ રમૂજી સંવાદો બોલીને તમે દર્શકોને હસાવતા. આમેય તમે તો ઘણીવાર ગુજરાતી પ્રજાનાં દંભનાં  ધોતિયા ઉતાર્યા ને પછી વ્હાલથી પાછા પહેરાવ્યાં પણ..! 

ગુજરાતીમાં તમારા પહેલાં પણ સરસ હાસ્ય લખાતું ને પછી પણ લખાશે, પણ તમે ગુજરાતી ‘હ્યુમર‘નાં ધોતિયાનો પનો સ્હેજ મોટો કરેલો... બેશક!

મિસ્ટર તારક જુનુભાઇ મહેતા, તમારો એક માત્ર શત્રુ હતો: ‘બોરડમ!’-કંટાળો. લખાણમાં કે લાઇફમાં કશું બોરિંગ ના હોવું જોઇએ એની તમને પાક્કી પરખ હતી. છેક 1990માં મેં બીતાંબીતાં મારી કાલીઘેલી એકાંકી તમને દેખાડેલી ત્યારે મૂછમાં હસીને કહેલું, ‘સારું છે, 

પણ ઇસ્ત્રી મારવાની જરૂર છે. કપડાં સારા હોય તોયે કરચલી તો ના જ ચાલેને?’ તમે કાચાં લખાણને ‘ઇસ્ત્રી ટાઇટ’ કરવું એ શીખવેલું , પણ ખરેખર તો તમે ‘ઇસ્ત્રી ટાઇટ’ રહેતાં ને વિદ્વત્તાનાં વેહમમાં જીવતા વિવેચકો લેખકો વચ્ચે નિખાલસ ને ફ્રેંક માણસ હતા એટલે જ મણીભાઇ નભુભાઇ દ્વિવેદી કે મહાત્મા ગાંધી પછી જો કોઇ સૌથી વધુ ઇમાનદાર આત્મકથા ગુજરાતીમાં લખાઇ હોય તો એ તમારી ‘એકશન રિપ્લે’ છે. કેટલી ઇમાનદારીથી તમે જાત ને જીવન વિશે બધું જ લખી નાખ્યું!  

તારકભાઇ, તમે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ એક લોકભોગ્ય હાસ્યશ્રેણી લખેલી પણ તેમ થતાં સામાજિક, રાજકીય પ્રસંગો વ્યંગબાણ મારતાં. શરૂઆતમાં એમાં સરકારો કે સાધુબાવાઓ પર રીતસર ચાબખાં મારેલા. ત્યારના ભગવાન રજનીશે ‘વસ્ત્રો ત્યાગવાની’ વાત કરેલી ત્યારે ટપુડાની ‘કપડાં વિના નગ્ન ફરવાની જીદ’ પર શું કાતિલ કટાક્ષ કરેલા. આજે બાવાબાપુ પર બિંદાસ લખવાની કેટલામાં હિંમત છે?

તમારું ‘ઊંધાં ચશ્માં’ની એ ચાલીનું વર્ણન, જેઠાલાલ-ચંપકલાલ-ટપુડા જેવાં પાત્રો...એ બધું કોઇ મોડર્ન પરીકથાની જેમ અમને અલગ જ ખુશખુશાલ દુનિયામાં લઈ જતા ને બધાં જ દુ:ખ ભુલાઈ જતા. એમાંયે જ્યારે તારક મહેતાનું કાર્ટૂન દેખાતું ત્યારે અમને થતું કે ‘શું ખરેખર ‘તારક મહેતા’ કોઈ જીવતા-જાગતા માણસ હશે?’ વરસો સુધી તારક મહેતા, મિકી માઉસ જેવા કાલ્પનિક પાત્ર જ લાગતા.

છેલ્લે તમે મુંબઇમાં એક કોકટેલ પાર્ટીમાં મળેલાં. પાર્ટીમાં બધા તમારી આસપાસ સતત ગોળ ગોળ ફરી રહ્યાં હતાં અને તમે સ્થિર વ્હીલચેર પર સ્થિરભાવે આસપાસનો માહોલ નિરખી રહ્યા હતા ત્યારે મેં તમને પૂછેલું: ‘કંટાળી ગયા?’

‘યાર, ઘોંઘાટ બહુ છે!’ તમે કહેલું.
હા ઘોંઘાટ. તમે સુગાળવા સાહિત્યજગતમાં 1 માર્ચ 2017ના રોજ ઘૂઘવતો ઘોંઘાટ મૂકીને જતા રહ્યા છો. પ્રેક્ષકો વાચકોના હાસ્યનો, તાળીઓનો ઘોંઘાટ! તમે ઘરેઘરે પહોંચીને મોટા લેખક એટલે બન્યા કે તમારામાં છેક સુધી એક નાનકડો ‘ટપુડો’ વસતો હતો. તમે મૃત્યુ બાદ, દેહદાન ભલે કર્યું, પણ તમારી ‘સેન્સ ઓફ હ્યુમર’ કોને આપીને ગયા?!