Sat May 30 2026

Logo

મુન્દ્રા કોકેઈન કેસમાં મોટો ખુલાસો: 7 દેશના 23 પોર્ટ વટાવીને ભારતમાં ઘૂસ્યું હતું ₹1150 કરોડના ડ્રગ્સવાળું શિપ

2026-05-30 11:53:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ  ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના મુન્દ્રા બંદર નજીકથી ઝડપાયેલા રૂા. ૧,૧૫૦ કરોડના કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનું એક અત્યંત જટિલ અને સુનિયોજિત નેટવર્ક સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, જપ્ત કરાયેલા 'એમવી યુરોપ' નામના મહાકાય કાર્ગો જહાજે ભારત પહોંચતા પહેલાં ૧૯૬ દિવસ સુધી સમુદ્રી મુસાફરી કરી હતી. આ લાંબી સફર દરમિયાન જહાજ દક્ષિણ અમેરિકાથી લઈને એશિયા સુધીના ૭ દેશોના ૨૩ બંદરો અને વિવિધ એન્કરેજ પોઇન્ટ્સ પર કુલ ૪૦ વખત થોભ્યું હતું.

એટીએસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, કોકેનનો આ જથ્થો ગયા વર્ષે મે મહિનામાં બ્રાઝિલના સાઓ વિસેંટે બંદરે જહાજના મોટરરૂમમાં અત્યંત ગુપ્ત રીતે છુપાવવામાં આવ્યો હતો. ત્યાંથી નીકળ્યા બાદ આ જહાજ આર્જેન્ટિના, ઉરુગ્વે, પનામા કેનાલ, બહામાસ, ડોમિનિકન રિપબ્લિક અને અમેરિકાના પૂર્વ કિનારાના અનેક બંદરો પર રોકાયું હતું. દક્ષિણ એશિયા તરફ આગળ વધતા આ જહાજ ગત ૧૯ મેના રોજ મુંબઈના જેએનપીટી પોર્ટ અને ૨૨ મેના રોજ પાકિસ્તાનના પોર્ટ કાસિમ ખાતે રોકાઈને આખરે ૨૬ મેના રોજ મુંદરા દરિયાકાંઠે પહોંચ્યું હતું. 

મુન્દ્રા નજીક એન્કરેજ વિસ્તારમાં બે દિવસ હોલ્ડ કરી આ જથ્થો સ્થાનિક બોટમાં ટ્રાન્સફર કરવાનો હતો, પરંતુ એજન્સીઓની વોચના કારણે આ નાપાક યોજના નિષ્ફળ રહી હતી. ૨૫ અને ૨૬ મેની મધરાતે કોસ્ટગાર્ડને જોઈ જહાજના ક્રૂ મેમ્બર્સે કોકેઈનની બેગો દરિયામાં ફેંકી દીધી હતી, જેમાંથી તપાસ દરમિયાન ૧૧૫ પેકેટ (૧૧૫ કિલોગ્રામ) કોકેઈન ભરેલી ૫ બેગ રિકવર કરાઈ હતી.

એજન્સીઓને આશંકા છે કે ભારત માત્ર એક 'ટ્રાન્ઝિટ પોઈન્ટ' હતું. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની મોડસ ઓપરેન્ડી મુજબ, ભારતમાં આ જથ્થો થોડો સમય સંગ્રહિત કરી, તેના નાના પેકેટો બનાવી એર કાર્ગો મારફતે અન્ય દેશોમાં મોકલવાની પેરવી હતી. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, મૂળ કન્સાઇનમેન્ટમાંથી એક પેકેટ ગાયબ છે. 

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, જહાજના જ કેટલાક ક્રૂ મેમ્બર્સે સરળતાથી નાણાં કમાવવાની લાલચે સફર દરમિયાન રસ્તામાં જ આ પેકેટ વેચી દીધું હોઈ શકે છે. હાલ એટીએસ દ્વારા આ નાણાકીય વ્યવહારો અને સમગ્ર આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનની કડીઓ મેળવવા માટે સઘન તપાસ ચલાવાઈ રહી છે.