Sat Sep 05 2026

Logo

TMKOC Alert: ડોમિનોઝ આઉટલેટ્સ પર કાર્યવાહી બાદ હવે 'તારક મહેતા...'માં ઉઠ્યો ફૂડ સેફ્ટીનો મુદ્દો, વીડિયો થયો વાઈરલ...

2026-08-15 15:39:59
Author: Darshana Visaria
TMKOC Alert: ડોમિનોઝ આઉટલેટ્સ પર કાર્યવાહી બાદ હવે 'તારક મહેતા...'માં ઉઠ્યો ફૂડ સેફ્ટીનો મુદ્દો, વીડિયો થયો વાઈરલ...

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચતુ વિચારો એ પહેલાં તમને જાણ કરી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પણ હવે મેકર્સ ફૂડ સેફ્ટી મુદ્દે જાગરૂક્તા લાવવાનો ટ્રેક હાલમાં મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા અસ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

એફડીએએ ખાદ્ય સુરક્ષા અને હાઈજિનના નિયમોના ભંગ બદલ મુંબઈના અનેક જાણીતા આઉટલેટ્સના બિઝનેસ લાયસન્સ રદ્દ કરી દીધા છે. આ બધા વચ્ચે ટેલિવિઝનના સૌથી લોકપ્રિય પારિવારિક શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં પણ ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને નકલી બ્રાન્ડ્સ સામે જાગૃતિ લાવતો એક ખાસ ટ્રેક દર્શાવવામાં આવ્યો છે. ચાલો જોઈએ શું છે આ નવો ટ્રેક...

શોમાં દર્શાવવામાં આવેલી નવી કહાની માધવી અને ભીડેના ઘરગથ્થુ અથાણાં-પાપડના વ્યવસાય સાથે જોડાયેલી છે. ઓર્ડર ડિલિવર કર્યા બાદ માધવીની એક સોનાની બંગડી ગાયબ થઈ જાય છે અને શંકા જાય છે કે તે અથાણાંની બોટલમાં તો નથી પડી ગઈ ને? આ ગેરસમજ વચ્ચે એફડીએની ટીમ તપાસ માટે પહોંચે છે અને માધવીનું ફૂડ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony SAB (@sonysab)

જોકે, આગળની તપાસમાં મોટો ઘટસ્ફોટ થાય છે કે જે પ્રોડક્ટને લઈને વિવાદ થયો હતો તે માધવીની અસલી પ્રોડક્ટ નહોતી, પરંતુ એક નકલી કંપની તેમની બ્રાન્ડના નામે હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો વેચી રહી હતી. 

શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, ખોરાક એવી બાબત છે જેના પર દરેક પરિવાર આંખ મીંચીને ભરોસો કરે છે. અમે અમારા શો દ્વારા રોજિંદા જીવન સાથે જોડાયેલા મુદ્દાઓને હળવાશથી રજૂ કરીએ છીએ જેથી પરિવારોમાં તેના પર ચર્ચા થાય. આ કહાની દર્શકોને યાદ અપાવે છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેના પ્રત્યે સતર્ક રહીએ, ફૂડ લેબલ ધ્યાનથી તપાસીએ અને અસલી જેવી દેખાતી નકલી બ્રાન્ડ્સથી સાવધાન રહીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ દિવસોમાં આઈએએસ ઓફિસર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ ફૂડ એન્ડ બેવરેજ ઈન્ડસ્ટ્રીમાં સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા અને અસ્વચ્છતા રાખનારા મોટા રેસ્ટોરન્ટ્સ, આઈસ્ક્રીમ પાર્લર, મિલ્ક ડેરીઓ, સરકારી કેન્ટીનો અને ફાઈવ-સ્ટાર હોટેલો સુધીના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. જુબિલિઅન્ટ ફૂડવર્ક્સ દ્વારા સંચાલિત જાણીતી પિઝા ચેઈન ડોમિનોઝ સામે પણ કાર્યવાહી થતાં સમગ્ર ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી ગયો છે.