અમદાવાદઃ ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં કિવી કૅપ્ટન મિચલ સૅન્ટનરે ટૉસ જીતવામાં સફળતા મેળવી, પણ ભારતીય મૂળના લેફ્ટ-આર્મ સ્પિનર રચિન રવીન્દ્રને મોડો મોરચા પર લાવીને ભૂલ કરી જેનો તેને પસ્તાવો થતો જ હશે, કારણકે રચિને આઠમી ઓવરમાં પહેલી જ વખત મોરચા પર આવવા મળ્યું ત્યાર બાદ પહેલા જ બૉલમાં અભિષેક શર્મા (બાવન રન, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ને આઉટ કરી દીધો હતો.
18 બૉલમાં 50 રન બનાવનાર અભિષેકે જો રચિન (Rachin)નો એ બૉલ છોડ્યો હોત તો અમ્પાયરે વાઇડ જાહેર કર્યો હોત, પણ અભિષેકે (Abhishek) એ બૉલને છેડવા જતાં વિકેટકીપર ટિમ સિફર્ટના હાથમાં આસાન કૅચ આપી દીધો હતો.
જોકે અભિષેકે સૅમસન સાથે 98 રનની યાદગાર ઓપનિંગ પાર્ટનરશિપ કરીને અને એક લાખથી પણ વધુ પ્રેક્ષકોને તેમ જ આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ બીજા મહાનુભાવોને મોજ કરાવીને વિકેટ ગુમાવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સપરિવાર અમદાવાદના સ્ટેડિયમમાં આવ્યા હતા.
11 ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 137 રન હતો. સૅમસન 50 રને અને વનડાઉન પ્લેયર ઇશાન કિશન 27 રને રમી રહ્યો હતો. સૅમસને ત્રણ સિક્સર અને ચાર ફોર ફટકારી હતી.