Thu Jun 18 2026

Logo

રોહિત-કોહલીને યાદ કરીને ભાવુક થયો સેમસન, કહી આ વાત

2026-03-02 09:33:00
Author: MayurKumar Patel
Article Image

કોલકાતાઃ આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપમાં ગઈકાલે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવી સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સંજુ સેમસને 50 બોલમાં અણનમ 97 રનની ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝે મેચ જીતવા આપેલા 196 રનના લક્ષ્યાંકને ભારતે 19.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. જે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો સફળ રન ચેઝ હતો.

મેચ બાદ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર લેતી વખતે સેમસન ભાવુક થયો હતો. તેણે કહ્યું, જ્યારથી ક્રિકેટ રમવાનં શરૂ કર્યું છે ત્યારેથી દેશ માટે રમવાનું સપનું જોયું. હું આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. મારા કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, મેં ખુદને સવાલ કર્યો કે શું હું સફળ થઈ શકીશ? પરંતુ મેં વિશ્વાસ નહોતો ગુમાવ્યો. 

સેમસને જણાવ્યું કે, તેણે સીનિયર ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યું છે. આશરે 10 વર્ષથી રાષ્ટ્રીય ટીમની આસપાસ રહ્યો છું અને આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને નજીકથી જોયા છે. આ પરાંત તેણે કહ્યું, હું ભલે 50-60 મેચ જ રમ્યો  હોઉ પરંતુ 100 મેચ ડગઆઉટથી જોઈ છે. મોટા ખેલાડીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે મેચ ખતમ કરે છે તે જોઈને ઘણું શીખવાનું મળ્યું.

2025 બાદ સેમસનનું ફોર્મ સાધારણ રહ્યું છે. તેણે છેલ્લી 13 મેચમાં માત્ર 180 રન બનાવ્યા છે અને સરેરાશ 13.84ની છે. પાવરપ્લેમાં તે માત્ર બે વખત જ ટકી શક્યો છે. ગિલની વાપસી બાદ બેટિંગક્રમમાં તેને નીચે મુકવામાં આવ્યો હતો અને બાદમાં ટીમથી બહાર કરાયો હતો. પરંતુ મહત્ત્વના મુકાબલામાં તેણે આલોચકોને સણસણતો જવાબ આપ્યો અને ટી20 વર્લ્ડ કપના ઈતિહાસની શ્રેષ્ઠ ઈનિંગ પૈકીની એક રમી હતી. હવે સેમિ ફાઈનલમાં ભારતનો મુકાબલો 5 માર્ચે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે થશે.

તેણે કહ્યું, ગત મેચ અલગ હતી. ત્યાં અમે પ્રથમ બેટિંગ કરતા હતા તેથી શરૂઆતથી જ આક્રમક રમત રમવાની હતી. પરંતુ આ મુકાબલામાં વિકેટો પડતી હતી, તેથી ભાગીદારી બનાવવા પર ધ્યાન આપ્યું અને એક એક બોલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં કંઈ ખાસ કરવાનું વિચાર્યું નહોતું પરંતુ મારી જવાબદારી નીભાવવાની કોશિશ કરી. આ મારા જીવનના સૌથી મોટા દિવસ પૈકીનો એક છે.