Sat Aug 29 2026

Logo

1 કરોડથી વધુ નહીં હોય સ્વિટ્ઝરલેન્ડની વસ્તી? જનતા કરશે નિર્ણય

2026-06-14 14:27:43
Author: Mumbai Samachar Team
1 કરોડથી વધુ નહીં હોય સ્વિટ્ઝરલેન્ડની વસ્તી? જનતા કરશે નિર્ણય

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડમાં રવિવારે એક મહત્વનો જનમત સંગ્રહ (રેફરેન્ડમ) યોજાઈ રહ્યો છે. આનાથી લોકો એ નક્કી કરશે કે દેશની વસ્તીને 2050 સુધીમાં 1 કરોડથી વધુ વધવા દેવી જોઈએ કે નહીં. આ પ્રસ્તાવને કારણે દેશમાં ઈમિગ્રેશન એટલે કે વિદેશથી આવીને વસતા લોકો અંગે એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવને દક્ષિણપંથી 'સ્વિસ પીપલ્સ પાર્ટી'નું સમર્થન છે. પાર્ટીનું કહેવું છે કે ઝડપથી વધતી વસ્તીને કારણે ઘરોની અછત, ટ્રેનોમાં ભીડ, આરોગ્ય સેવાઓ પર દબાણ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ વધી રહી છે. તેથી વસ્તી પર મર્યાદા (સીમા) અંકુશ મૂકવો જરૂરી છે.

બીજી તરફ સરકાર, અન્ય રાજકીય પક્ષો, વ્યાપારી સંગઠનો અને ટ્રેડ યુનિયનો આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી હોસ્પિટલો, હોટલો અને ઘણા ઉદ્યોગોમાં કર્મચારીઓની અછત સર્જાશે. સાથે જ યુરોપિયન યુનિયન (EU) સાથે સ્વિટ્ઝર્લેન્ડના સંબંધો પણ બગડી શકે છે.

24 વર્ષમાં વસ્તી 18 લાખ વધી

સ્વિટ્ઝર્લેન્ડની વસ્તી વર્ષ 2002માં 73 લાખ હતી, જે હવે વધીને 91 લાખ થઈ ગઈ છે. દેશની કુલ વસ્તીમાં 27% લોકો એવા છે જેઓ વિદેશમાં જન્મ્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રત્યક્ષ લોકશાહી (ડાયરેક્ટ ડેમોક્રેસી)ની વ્યવસ્થા છે, જ્યાં 1 લાખ સહીઓ એકઠી કરીને કોઈપણ મુદ્દા પર મતદાન કરાવી શકાય છે.

તાજેતરના સર્વેક્ષણ (સર્વે) મુજબ, મુકાબલો ખૂબ જ રસાકસીભર્યો છે. આશરે 52% લોકો આ પ્રસ્તાવની વિરુદ્ધમાં છે, જ્યારે 45% લોકો તેના સમર્થનમાં છે. મોટી સંખ્યામાં મતદારો હજી પણ કોઈ નિર્ણય લઈ શક્યા નથી. પ્રસ્તાવ અનુસાર, જો વસ્તી 95 લાખ સુધી પહોંચશે, તો સરકારે તેને કાબૂમાં લેવા માટેના પગલાં ભરવા પડશે. આમાં શરણાર્થીઓની સંખ્યા ઓછી કરવી અને વિદેશી કર્મચારીઓના પરિવારોને સ્વિટ્ઝર્લેન્ડ બોલાવવાના અધિકારને મર્યાદિત કરવાનો સમાવેશ થઈ શકે છે.

1 કરોડ વસ્તીથી શું નુકસાન?

જો વસ્તી 1 કરોડ સુધી પહોંચી જશે, તો સ્વિટ્ઝર્લેન્ડે કેટલાક આંતરરાષ્ટ્રીય કરારો રદ કરવા પડી શકે છે. આમાં યુરોપિયન યુનિયન સાથે લોકોની મુક્ત અવરજવર (ફ્રી મૂવમેન્ટ) ના કરારનો પણ સમાવેશ થાય છે. વ્યાપારી સંગઠનોનું કહેવું છે કે આનાથી દેશને મોટું નુકસાન થશે, કારણ કે યુરોપિયન યુનિયન એ સ્વિટ્ઝર્લેન્ડનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. હોટલ, હોસ્પિટલ અને ઘરડાઘર (ઓલ્ડ એજ કેર સેન્ટર) મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓ પર નિર્ભર છે. હોટલ ક્ષેત્રમાં કામ કરતા લગભગ અડધા કર્મચારીઓ પરપ્રાંતીય છે.

વિરોધ કરનારાઓનું કહેવું છે કે સ્વિટ્ઝર્લેન્ડની 20% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની છે. આવી સ્થિતિમાં દેશને યુવા કામદારો અને ટેક્સ ચૂકવનારા લોકોની જરૂર છે. તેથી તેમનું માનવું છે કે વસ્તી પર મર્યાદા મૂકવાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થઈ શકે છે.