ઈજાગ્રસ્ત નીતીશ રેડ્ડીના સ્થાને મુંબઈના સૂર્યાંશનો આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડની ટૂર માટેની ટીમમાં સમાવેશ
નવી દિલ્હીઃ શુક્રવારથી આયરલૅન્ડમાં ભારતની બે મૅચની ટી-20 સિરીઝ શરૂ થશે અને એના ત્રણ જ દિવસ પહેલાં ટીમને મોટો ઝટકો લાગ્યો છે જેમાં પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ડાબી સાથળની ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો છે અને તેના સ્થાને મૂળ મુંબઈના પેસ બોલિંગ ઑલરાઉન્ડર સૂર્યાંશ શેડગે (Suryansh Shedge)ને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં (વૈભવ) સૂર્યવંશીની સાથે હવે સૂર્યાંશ (શેડગે)નું આગમન થઈ રહ્યું છે.
નીતીશ રેડ્ડીને ડૉક્ટરે ચાર અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે અને તે ઇંગ્લૅન્ડના પ્રવાસે પણ નહીં જઈ શકે એટલે પાંચ ટી-20વાળી એ ટૂરની ટીમમાં પણ સૂર્યાંશનો સમાવેશ કરાયો છે.
ભારત વતી 10 ટેસ્ટ, છ વન-ડે અને ચાર ટી-20 રમી ચૂકેલા નીતીશ રેડ્ડી (Nitish Reddy)ને 20મી જૂને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે બાદ સાથળમાં દુખાવો વધી ગયો હતો. ડૉક્ટરે તેને ક્વૉડ્રિસેપ્સ (સાથળના ચાર મજબૂત સ્નાયુઓ)માં દુખાવો હોવાનું નિદાન કરીને તેને મેદાનથી દૂર રહીને રિહૅબિલિટેશનની સલાહ આપી છે.
સૂર્યાંશ શેડગે વિશે જાણો
રાઇટ-આર્મ પેસ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન સૂર્યાંશ શેડગે 23 વર્ષનો છે. તેની ડોમેસ્ટિક કરીઅર સાધારણ રહી છે. તેણે મુંબઈ વતી આઠ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 510 બૉલમાં 439 રન બનાવ્યા છે. તેને ત્રણ જ ઇનિંગ્સમાં બોલિંગ મળી છે જેમાં તેણે એક વિકેટ લીધી છે. લિસ્ટ-એ પ્રકારની 15 મૅચમાં તેણે 258 રન બનાવ્યા છે અને 11 વિકેટ લીધી છે. આઇપીએલ સહિતની તમામ ટી-20 મૅચોમાં તેણે 199 બૉલમાં 356 રન બનાવ્યા છે અને 13 વિકેટ લીધી છે. આઇપીએલમાં પંજાબ કિંગ્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા બાદ તેને 12 મૅચ રમવાનો મોકો આપ્યો છે જેમાં તે 10 ઇનિંગ્સમાં 165 રન બનાવી શક્યો છે. ત્રણ વખત તે અણનમ હતો.
સૂર્યાંશ કેમ નીતીશના સ્થાને ટીમમાં?
(1) સૂર્યાંશ શેડગેએ તાજેતરમાં શ્રીલંકામાં ઇન્ડિયા-એ વતી ટ્રાઇ સિરીઝમાં સારું રમ્યો હતો. ભારતે આ સિરીઝની ટ્રોફી જીતી લીધી હતી. મિડલ-ઑર્ડરમાં તેણે પાંચ મૅચમાં કુલ 147 રન બનાવ્યા હતા તેમ જ સારી બોલિંગ પણ કરીને બે વિકેટ પણ લીધી હતી.
(2) 2024-'25ની સીઝનમાં સૂર્યાંશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 251.92ના અફલાતૂન સ્ટ્રાઇક-રેટથી 131 રન બનાવ્યા હતા.
(3) સૂર્યાંશ બૅટિંગમાં નીચલા ક્રમે ટીમને મૅચ જિતાડી શકે એવી ક્ષમતા ધરાવે છે.