Tue Jun 23 2026

Logo

ડ્રગ્સના ગુના સાથે સંકળાયેલા પોલીસોને બરતરફ કર્યા: ફડણવીસ

2026-06-23 17:59:51
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડ્રગ્સના ગુના સાથે સંકળાયેલા પોલીસોને સસ્પેન્ડ નહીં, બરતરફ કરવામાં આવ્યા છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપુર્વક કહ્યું હતું કે સરકારે ડ્રગ્સના દૂષણ પર પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન સભાગૃહને સંબોધતાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર ડ્રગ્સ વિરોધી યંત્રણાનું સક્ષમીકરણ કરી રહી છે અને આવા પ્રકારના સંકટોના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને સમર્પિત એકમોનું વિસ્તરણ કરી રહી છે. 

મુખ્ય પ્રધાને એવી પણ માહિતી આપી હતી કે દેશમાં ડ્રગ્સ રેકેટના સૌથી મોટા માસ્ટરમાઈન્ડ સલીમ ડોલાને અરેસ્ટ કરીને દેશમાં લાવવામાં આવ્યો છે. સત્તાવાળાઓ પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર ડોલાએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાંમાં એમડી ડ્રગ્સના ઉત્પાદનના એકમો સ્થાપ્યા હતા અને 4000 કિલો સિન્થેટિક ડ્રગ્સ વેચ્યું હતું. મોટા ભાગનું નેટવર્ક હવે ખતમ કરી નાખવાનું છે અને આ ડ્રગ્સ સામેની લડાઈમાં મોટી સફળતા છે. 

તેમણે કહ્યું હતું કે અત્યારે સાત ડ્રગ્સ વિરોધી એકમો સક્રિય છે અને તેમને વિકેન્દ્રીત કરીને રાજ્યમાં વિસ્તરણ કરવામાં આવશે. આને માટે વધારાનો મેનપાવર તૈયાર કરવામાં આવે છે. સરકાર ભ્રષ્ટાચાર વિરોધી અને નક્સલવાદ વિરોધી સેલમાં કામ કરવા માટે આપવામાં આવતી ઈન્સેટિવની વ્યવસ્થા ડ્રગ્સ વિરોધી કાર્યવાહી માટે પણ આપવા પર વિચાર કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યની 3000 સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના જોખમો વિશે જણાવવા અને તેમાંથી બહાર નીકળવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.