સ્થાનિકમાં ચાંદી રૂ. 5828 ચમકી, સોનું રૂ. 2340 ઝળક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ અંગેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાના નિર્દેશો સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ રહેતાં લંડન ખાતે સોના અને ચાંદીની ત્રણ સત્રની મંદીને બે્રક લાગી હતી અને ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2330થી 2340નો સુધારો અને ચાંદીમાં કિલોદીઠ રૂ. 5828નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5828ની તેજી સાથે રૂ. 2,37,701ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2330 વધીને રૂ. 1,46,720 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2340 વધીને રૂ. 1,47,310ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.2 ટકા ઉછળીને આૈંસદીઠ 4208.58 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4226.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.3 ટકા વધીને આૈંસદીઠ 66.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલમાં તેજી પશ્ચાત્ નીકળેલી વેચવાલીને કારણે જોવા મળેલો રોકડ પ્રવાહ સોના તરફ ફંટાયો હોવાથી ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાનું અગ્રણી વિશ્લેષક રોસ નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વે તંગ નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી હજુ સોનામાં ટર્ન એરાઉન્ડ અથવા તો વલણ બદલાયું છે તેવું કહેવું વહેલાસરનું ગણાશે.
નોંધનીય બાબત એ છે કે આજે અમેરિકા અને ઈરાનના ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ સ્વિટ્ઝર્લેન્ડ ખાતે વાટાઘાટોનો પહેલો રાઉન્ડ પૂરો કર્યો હોવાનું ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઈરાન પ્રેસ ટીવીને જણાવતા ઉમેર્યું હતું કે વાટાઘાટોમાં ગત એપ્રિલમાં 60 દિવસના યુદ્ધ વિરામ અંગે સમજૂતી થઈ હોવાનું જણાવતા વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.
વધુમાં મોર્ગન સ્ટેન્લીએ એક નોટ્સમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ખરીદી વધવાની સાથે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ફુગાવાલક્ષી ચિંતા હળવી થતાં વર્ષ 2026ના બીજા છ માસિકગાળામાં સોનાના ભાવ આૈંસદીઠ 5200 ડૉલરની સપાટી સુધી પહોંચે તેવો અંદાજ અમે જાળવી રાખીએ છીએ.
અમેરિકી ફેડરલ રિઝર્વ ડિસેમ્બર અંત આસપાસ વ્યાજદરમાં વધારો કરે તેવી 89 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આજે મૂકી રહ્યાના અહેવાલ હતા.