(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદમાં આઈપીએલ મેચો પર રમાતા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. આ મામલાની તપાસ દરમિયાન આ રેકેટ દેશભરમાં થયેલી રૂ. 324.8 કરોડની નાણાકીય લેવડદેવડવાળી 542 સાયબર ફ્રોડની ફરિયાદો સાથે સીધું જોડાયેલું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મોટા કૌભાંડ બહાર આવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો અને સટ્ટાબાજીની કમાણી અને શંકાસ્પદ છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાતા 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ'ના મોટા નેટવર્કને શોધવા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર એસએમસીએ શહેરના નિકોલ વિસ્તારમાં એક પરિસરમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી આઈપીએલ સીઝન દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનું સેટઅપ ચલાવવાના આરોપસર વિજય કરડાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી એક ટેબ્લેટ, ત્રણ મોબાઈલ ફોન, ટીવી સેટ, સેટ-ટોપ બોક્સ, ઈલેક્ટ્રોનિક એસેસરીઝ, રોકડ રકમ અને એક વાહન જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલી આ તમામ અસ્કયામતોની કુલ કિંમત આશરે રૂ. 15.73 લાખ હોવાનો અંદાજ છે.
આ કૌભાંડ અંગે પોલીસે મુખ્ય સૂત્રધાર રાજવીરસિંહ સહિત કુલ 47 આરોપીઓ વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં વિજય કરડાણી, આકાશ નાયક, અનિલ કોટક, પ્રતીક મારડિયા, અશ્વિન મેંદપરા, જય કનેરિયા, હિરેન કથિરિયા, નવનીત ખાંભલા, જય અઘેરા અને મીત કાલરીયાનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ આરોપીઓ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો કરવા માટે અન્ય નિર્દોષ વ્યક્તિઓના નામે ખોલવામાં આવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા. આ પ્રકારના 'મ્યુલ એકાઉન્ટ્સ'નો ઉપયોગ મુખ્યત્વે સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવનારાઓની અસલી ઓળખ છુપાવવા માટે કરવામાં આવતો હતો. પોલીસે જ્યારે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલા વોટ્સએપ ગ્રૂપ્સની તપાસ કરી, ત્યારે તેમાંથી આવા 2188 બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા આ ખાતાઓની ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે આ પૈકીના 354 ખાતા જુદા જુદા રાજ્યોની પોલીસ અને એજન્સીઓ દ્વારા અગાઉથી જ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા, જેનો સબંધ દેશની 542 સાયબર ફ્રોડની ફરિયાદો સાથે હોવાનું ખૂલ્યું હતું.