વૈશ્વિક સ્તરે ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેમાં હાલ અલ નિનો’ (El Nino)નો ખતરો સૌથી વધુ ચિંતાજનક બન્યો છે. પ્રશાંત મહાસાગરમાં સતત મજબૂત થઈ રહેલા અલ નિનોના કારણે ભારતમાં ગ શેરડીના પાક અને ખાંડ ઉદ્યોગ પર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે અને ભાવ વધારાનું જોખમ તોળાઈ રહ્યું છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...
ઈન્ડસ્ટ્રી નિષ્ણાતોના મતે, જો એલ નિનોની અસર લાંબી ચાલશે તો ભારત આગામી કેટલાક વર્ષો સુધી વૈશ્વિક ખાંડ નિકાસ બજારમાંથી સંપૂર્ણપણે બહાર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વમાં ખાંડનો બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. અલ નિનો એક એવી ભૌગોલિક ઘટના છે જેમાં પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. આ હલચલ ભલે ભારતથી દૂર થતી હોય, પરંતુ તેની સીધી નકારાત્મક અસર ભારતના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડે છે.
ભારતમાં વર્ષ દરમિયાન થતા કુલ વરસાદના 75 ટકા હિસ્સો આ ચોમાસામાંથી આવે છે. શેરડીના પાકને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. જો વરસાદ નબળો રહેશે, તો શેરડીની ઉપજ પર સીધી અસર પડશે અને દેશમાં ખાંડનું એકંદર ઉત્પાદન ઘટી જશે. ભારતીય હવામાન વિભાગે પણ આ વર્ષે નબળા ચોમાસાની આગાહી કરી છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે.
એક અંદાજઅનુસાર, આ સિઝનમાં ભારતનું ખાંડનું ઉત્પાદન દેશની આંતરિક જરૂરિયાત કરતાં પણ ઓછું રહેવાની ભીતિ સેવાઈ છે. આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટીને આશરે 2.79 કરોડ મીટ્રિક ટન રહેવાનો અંદાજ છે, જેની સામે દેશમાં દર વર્ષે અંદાજે 2.85 કરોડ મીટ્રિક ટન ખાંડનો વપરાશ થાય છે. સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને મોંઘવારી કાબૂમાં રહે તે માટે ભારત સરકારે ખાંડની નિકાસ પર 30મી સપ્ટેમ્બર, 2026 સુધી પહેલાંથી જ પ્રતિબંધ લગાવી રાખ્યો છે.
ખાંડની ઉપલબ્ધતા ઘટવાનું બીજું એક મુખ્ય કારણ સરકારની ગ્રીન એનર્જી પોલિસી પણ છે. ભારત સરકાર શેરડીમાંથી ઇથેનોલ બનાવવા પર ખૂબ ભાર આપી રહી છે. શેરડીના રસનો મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદન તરફ ડાયવર્ટ થવાને કારણે ખાંડ બનાવવા માટે ઓછી શેરડી બચી રહી છે. એક તરફ ઈથેનોલનું દબાણ અને બીજી તરફ અલ નિનોના કારણે નબળા વરસાદની આશંકા આ બેવડા મારના લીધે આગામી મહિનાઓમાં ખાંડના ભાવ પર દબાણ વધી શકે છે. આગામી સમયમાં ખાંડનો પુરવઠો કેવો રહેશે, તેનો સંપૂર્ણ આધાર હવે ચોમાસાના આગમન અને તેની સક્રિયતા પર નિર્ભર છે.