Sat Sep 05 2026

Logo

વૈશ્વિક અનિશ્ચિતતા છતાં એપ્રિલથી 14 જૂન સુધી નિકાસ 15 ટકા વધીઃ ગોયલ

2026-06-22 20:15:30
Author: Ramesh Gohil
વૈશ્વિક અનિશ્ચિતતા છતાં એપ્રિલથી 14 જૂન સુધી નિકાસ 15 ટકા વધીઃ ગોયલ

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાનું વાતાવરણ હોવા છતાં વર્તમાન નાણાકીય વર્ષમાં ગત પહેલી એપ્રિલથી 14મી જૂન દરમિયાન દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં 15 ટકા જેટલો વધારો થયો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. 
નોંધનીય બાબત એ છે કે વાણિજ્ય મંત્રાલય જૂન મહિનાના નિકાસ અને આયતના પ્રાથમિક આંકડાઓની સત્તાવાર જાહેરાત 15મી જુલાઈએ કરશે. 

ગત નાણાકીય વર્ષ 2025-26માં અમેરિકાએ ભારતથી થતી આયાત સામે 50 ટકાજ ટૅરિફ લાદી હોવા છતાં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. તેમ જ હાલમાં પણ ગત એપ્રિલ, મે અને 14મી જૂન સુધીની નિકાસમાં અંદાજે 15 ટકા જેટલો વધારો થયો હોવાનું ગોયલે તાજેતરમાં મુંબઈ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. 

ગત મે મહિનામાં દેશની નિકાસ 18 ટકા વધીને છ મહિનાની ઊંચી 45.2 અબજ ડૉલરની સપાટીએ રહી હતી અને વેપાર ખાધ વધીને 28.21 અબજ ડૉલરના સ્તરે રહી હતી. તેમ જ ગત એપ્રિલ અને મે મહિનામાં નિકાસ 16.09 ટકા વધીને 88.91 અબજ ડૉલર અને આયાત 15.14 ટકા વધીને 145.35 અબજ ડૉલરના સ્તરે રહેતાં વેપાર ખાધ 56.44 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

વધુમાં તેમણે આ બેઠક દરમિયાન ર્ચાર્ટડ એકાઉન્ટન્ટોને ભારતને વિકસિત ભારત બનાવવા માટે સહભાગી થવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ભારતની વિકસિત ભારત બનવાની શરૂઆત ક્યાંથી થઈ ? ઉત્તર મુંબઈથી આથી આપણે આપણા વિસ્તારને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.