Tue Jun 23 2026

Logo

‘વેલકમ ટુ ધ જંગલ’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, 18 ફેરફાર સાથે ફિલ્મ રિલીઝ થશે

2026-06-22 19:37:43
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ભારતમાં દર શુક્રવારે એક નવી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર હોય છે, પરંતુ વર્ષમાં માત્ર ત્રણથી ચાર જ ફિલ્મો એવી હોય છે કે, જેની કમાણી કરોડો રૂપિયામાં હોય છે. બોલિવુડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'વેલકમ'નો ત્રીજો ભાગ એટલે કે 'વેલકમ ટુ ધ જંગલ' (Welcome To The Jungle) હવે સિનેમા ઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં એક બે નહીં પરંતુ 30થી પણ વધારે કલાકારોએ કામ કર્યું છે, જેમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ અને અરશદ વારસી જેવા કલાકારોના નામ પણ સામેલ છે. પરંતુ સમાચાર એ છે કે, આ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે. 

‘વેલકમ ટુ ધ જંગલ’ને U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા આ ફિલ્મને કેટલાક સુધારા સાથે U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં કુલ 18 નાના-મોટા ફેરફારો અને કટ્સ સૂચવ્યા છે. આમાં ખાસ કરીને બે મુખ્ય અભિનેત્રીઓ દિશા પાટની અને જેક્લિનના દ્રશ્યો કટ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો અથવા સીન્સમાં બંને અભિનેત્રીઓના બિકીની લુકવાળા આશરે 10 સેકન્ડના સેન્સ્યુઅલ બોડી મૂવમેન્ટ્સ અને સીન્સને બોર્ડ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે.

2 કલાક 44 મિનિટની હશે ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાં જ્યાં પણ 'કાશ્મીર'નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેનો સંદર્ભ બદલવામાં આવ્યો છે. ફિલ્મના કેટલાક વલ્ગર અને ડબલ મિનિંગ ધરાવતા ડાયલોગ્સને પણ મ્યુટ અથવા રિપ્લેસ કરવામાં આવ્યા છે. CBFC વેબસાઇટ અનુસાર, આ તમામ ફેરફારો બાદ 'વેલકમ ટુ ધ જંગલ'નો ફાઇનલ રનટાઇમ 164.50 મિનિટ (2 કલાક 44 મિનિટ) રાખવામાં આવ્યો છે.

આ ડાયલોગ્સમાં ફેરફાર કરવામાં આવ્યો

સેન્સર બોર્ડની સૂચના બાદ ફિલ્મની ટીમે કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ્સ બદલ્યા છે, ‘કાલા પેદા હુઆ હૈ’ ડાયલોગને બદલીને હવે ‘સાદા પેદા હુઆ હૈ’ કરવામાં આવ્યો. ‘યાદ કરો કુરબાની, મુહ મેં ભર લો પાની’ ની જગ્યાએ હવે ‘સુનો સુનાતા હૂં કહાની’ સાંભળવા મળશે. એક વાંધાજનક ડાયલોગ ‘દેશ કી ટટ્ટી’ ને સંપૂર્ણપણે બદલીને ‘ઇજ્જત લે લો’ કરવામાં આવ્યો છે.

શું છે ફિલ્મની વાર્તા અને ક્યારે થશે રિલીઝ?

આ વખતે 'વેલકમ ટુ ધ જંગલ'ની ક્રેઝી દુનિયામાં દર્શકોને એક અનોખી કહાણી જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી લાઈન મુજબ, એક અબજોપતિ બિઝનેસમેન ટેક્સ અથવા નકલી નુકસાન બતાવવા માટે જાણીજોઈને એક ફ્લોપ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરે છે. આ માટે તે ઇન્ડસ્ટ્રીના સૌથી અવિશ્વસનીય અને બિનઅનુભવી લોકોની ટીમ તૈયાર કરે છે, જેમાં એક ફ્લોપ સુપરસ્ટાર અને બે બિનઅનુભવી ડાયરેક્ટર્સ જોવા મળશે. આ ફિલ્મ બોક્સ ઓફિસ કર કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે. આ કોમેડી ફિલ્મ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.