Tue Jun 23 2026

Logo

કચ્છને મળ્યું ત્રીજું એરપોર્ટ: મુંદરાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે ફ્લાઇટ શરૂ

2026-06-23 17:48:20
Author: Devayat Khatana
Article Image

ChatGTP Ai Generated Image


ભુજ-કંડલા પછી કચ્છમાં ત્રીજું એરપોર્ટ કાર્યરત: મુંદરાથી સીધી ફ્લાઇટ સેવા શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:
કચ્છના બંદરીય મુંદરા અને સમગ્ર કચ્છવાસીઓ માટે હવાઈ કનેક્ટિવિટીના ક્ષેત્રે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી મુખ્યત્વે ચાર્ટર્ડ અને ખાનગી વિમાનોની અવરજવર માટે જ મર્યાદિત રહેલા અદાણી મુંદરા એરપોર્ટ પરથી હવે કાયમી ધોરણે નિયમિત પેસેન્જર ફ્લાઇટ સેવાનો સત્તાવાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 

‘સ્ટાર એર’ એરલાઇન્સ સાથેની ભાગીદારી હેઠળ આજથી મુંબઈ અને ગોવાને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઇટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે અદાણી સમૂહના જીત અદાણી, રક્ષિત શાહ તેમ જ કચ્છના સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં રિબિન અને કેક કાપીને નવી સેવાઓને લીલી ઝંડી બતાવાઈ હતી.

ભુજ અને કંડલા પછી જિલ્લાને ત્રીજું એરપોર્ટ મળ્યું છે, જે કચ્છવાસીઓ માટે મોટા સમાચાર છે. સ્ટાર એર દ્વારા શરૂ કરાયેલી આ નવી સેવાની મદદથી મુંદરા હવે દેશના કુલ ૮ અગત્યના શહેરો સાથે 'ડાયરેક્ટ કનેક્ટિવિટી'થી જોડાઈ ગયું છે. હવેથી મુસાફરો મુંદરા એરપોર્ટ પરથી મુંબઈ અને ગોવા ઉપરાંત ગાઝિયાબાદ-દિલ્હી એનસીઆર, સુરત, બેલગાવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ માટે સીધી ફ્લાઇટનો લાભ મેળવી શકશે. 
આ વ્યાપક હવાઈ જોડાણના કારણે કચ્છના પ્રવાસન, વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળશે. માત્ર થોડા જ કલાકોમાં દેશના આર્થિક અને પ્રવાસન કેન્દ્રો સુધી પહોંચી શકાતું હોવાથી વેપારીઓ અને પ્રવાસીઓનો સમય બચશે.

મુંદરા એરપોર્ટને વૈશ્વિક કક્ષાની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ૧,૯૦૦ મીટર લાંબો વિશાળ રનવે તૈયાર કરાયો છે, જે મધ્યમ કદના પેસેન્જર વિમાનો અને કાર્ગો ફ્લાઇટ્સના સરળ લેન્ડિંગ તેમ જ ટેક-ઓફ માટે સક્ષમ છે. 

મુસાફરોની સુવિધા માટે ટર્મિનલ બિલ્ડિંગમાં વિશાળ પાર્કિંગ એરિયા, મલ્ટીપલ ચેક-ઇન કાઉન્ટર્સ, આધુનિક આરામદાયક લાઉન્જ અને ફૂડ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વ્હિલચેર આસિસ્ટન્સ અને સમર્પિત ડ્રોપ-ઓફ ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

નોંધનીય છે કે, ભારતના સૌથી મોટા ખાનગી બંદર એવા ‘મુંદરા અદાણી પોર્ટ’ અને તેની આસપાસ ફેલાયેલા વિશાળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે આ સીધી ફ્લાઇટ સેવા ગેમ-ચેન્જર સાબિત થશે. 

દેશ-વિદેશના રોકાણકારો અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ માટે હવે મુંદરા સુધીની યાત્રા અત્યંત સરળ બની જશે, જે ઉદ્યોગોના વિકાસમાં મદદરૂપ થશે. કચ્છ જિલ્લામાં ભુજ અને કંડલા બાદ હવે મુંદરા ત્રીજું મોટું એર કનેક્ટિવિટી હબ બનીને ઉભર્યું છે, જે સરહદી જિલ્લાના આર્થિક સામ્રાજ્યને નવી ઊંચાઈ પર લઈ જશે.

આજે પહેલા દિવસે મુંબઈથી મુંદ્રા માટે પહેલી ફ્લાઈટ ફુલ હતી. પ્રવાસીઓએ નવા એરપોર્ટનું સ્વાગત કરતા કહ્યું હતું કે પહેલા તેમને ફ્લાઈટ પકડવા માટે ભુજ અથવા કંડલા એરપોર્ટ જવું પડતું હતું, પરંતુ હવે મુંદ્રા, માંડવી અને ગાંધીધામ જેવા શહેરમાંથી ઝડપથી કનેક્ટિવિટી મળશે, જેનાથી પરોક્ષ રીતે લોકોની રોજગારીની પણ તકો વધશે. વેપાર-ધંધામાં પણ ફાયદો થવાની શક્યતા રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)