(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદે સાથે જવાના નિર્ણયનો બચાવ કરતાં પરભણીના બળવાખોર સાંસદ સંજય જાધવે કહ્યું હતું કે હિન્દુત્વની વિચારધારાથી દૂર જવું, પાર્ટીના નેતાઓ દ્વારા નવા વિચારોને અવરોધવા અને 2019માં એમવીએ સરકારનો પ્રયોગ જ પાર્ટીના ભંગાણ માટે જવાબદાર છે. પરભણીના સાંસદે કહ્યું હતું કે એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાવાનો નિર્ણય એટલા માટે લીધો કેમ કે પાર્ટી પોતાના મૂળ હિન્દુત્વની વિચારધારાથી દૂર જઈ રહી હતી અને લોકોને પણ આવું જ લાગી રહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે 2019માં પાર્ટી દ્વારા કરવામાં આવેલા એમવીએના પ્રયોગથી પતનની શરૂઆત થઈ હતી. કાર્યકર્તાઓ અંગરથી ભાંગી પડ્યા હતા. હિન્દુત્વના પાયા પર ઊભેલી પાર્ટીએ પોતાના મૂળ છોડી દીધા. એમવીએના પ્રયોગે અમારા પતનની શરૂઆત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે 2022માં એકનાથ શિંદે પાર્ટીમાં ભંગાણ બપાડીને અલગ થઈ ગયા બાદ પાર્ટીના નેતૃત્વ દ્વારા તેમની સામે મોટા આંદોલનો છેડવામાં નિષ્ફળ ગઈ હતી.
પાર્ટીના નેતા સંજય રાઉતની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે પાર્ટીની છબીને અનેક વખત નુકસાન પહોંચાડ્યું હતું. નેતૃત્વએ નક્કી કરવું જોઈએ કે કોઈ એક નનેતાને કેટલું મહત્ત્વ આપવું જોઈએ. કેટલીક વખત રાઉત પાર્ટીને યોગ્ય રીતે સાથ આપે છે અને અન્ય વખતે તઓ પાર્ટીની છબીને નુકસાન પહોંચાડે છે. તેઓ લાંબા સમયતી જનપ્રતિનિધિ છે, પરંતુ સાંસદ માટે અપશબ્દોનો ઉપયોગ કરવો લોકશાહી માટે જોખમ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સંજય રાઉત ક્યારેય શિવસેના (યુબીટી)ના ચૂંટાયેલા નેતાઓના ફોન ઉપાડતા નથી તો સામાન્ય લોકોની તો વાત જ ક્યાં રહી.