નાગપુર: નાગપુરમાં મદરેસાની ટીચરના મિત્રએ સગીર પર જાતીય હુમલાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી મદરેસામાંથી 10 સગીરને છોડાવ્યા હતા. નાગપુરના તેજબાગ ખાતે આવેલી મદરેસામાં 10 સગીર હતા, જે મોટા ભાગે મધ્ય પ્રદેશ અને બિહારથી આવ્યા હતા. તેમને અરેબિક અને ઉર્દૂ શીખવવામાં આવતી, એમ સક્કરદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રમેશ ખુણેએ જણાવ્યું હતું.
બિહારનો વતની 26 વર્ષનો આરોપી મદરેસાની ટીચરનો મિત્ર છે. તે સમયાંતરે મદરેસામાં આવતો હતો. 19 જૂનની પરોઢિયે સૂતેલા 16 વર્ષના છોકરા પર તેણે જાતીય હુમલાનો કથિત પ્રયાસ કર્યો હતો. ઊંઘમાંથી જાગી ગયેલા સગીરે આરોપીની ચુંગાલમાંથી પોતાને છોડાવ્યો હતો અને તેની સાથે બનેલી ઘટનાની જાણ બીજી સવારે ટીચરને કરી હતી. આ બાબતે ટીચરે આરોપીને પૂછ્યું હતું અને પછી તેને મદરેસામાંથી કાઢી મૂક્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ સગીર અભ્યાસ અર્થે સપ્તાહ પહેલાં જ મદરેસામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ પગલાં લેવાનું શરૂ કર્યું હતું. પોલીસે 21 જૂને આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરાર આરોપીની પોલીસ શોધ ચલાવી રહી છે. મદરેસામાંથી છોડાવાયેલા 10 સગીરને બાળસુધારગૃહમાં રાખવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સ્ટેટ માઈનોરિટી કમિશનના ચૅરમૅન પ્યારે ખાને જણાવ્યું હતું કે આ અત્યંત ગંભીર મામલો છે. અમે નાગપુરના જૉઈન્ટ પોલીસ કમિશનરને કડક પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અમે પોલીસને તપાસ કરીને ખરેખર શું બન્યું હતું તે શોધી કાઢવાનું જણાવ્યું છે. છોડાવાયેલા સગીર બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને અમુક નાગપુરના હોવાનું જણાયું છે.
સગીરોને અત્યંત નાના અને ખરાબ સ્થિતિવાળા રૂમમાં રાખવામાં આવ્યા હતા. સરકારની આધુનિક મદરેસા યોજનાનો દુરુપયોગ કરાયો હતો અને અમુક અધિકારીઓની આમા સંડોવણી છે. સરકાર આર્થિક સહાય આપે પછી મદરેસામાં બાળકોને યોગ્ય રીતે રખાય છે કે નહીં તે અધિકારીએ તપાસવું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)