થાણે: થાણેમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને તેની 73 વર્ષની દાદી સાથે બેહૂદું વર્તન કરવાના કેસમાં વિશેષ અદાલતે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. પુરાવા અવિશ્ર્વસનીય અને પ્રક્રિયામાં છબરડાની નોંધ કોર્ટે કરી હતી.
સ્પેશિયલ જજ જી. ટી. પવારે સોમવારે દિનેશ શાંતારામ હુલે ઉર્ફે ઘુલેને નિર્દોષ જાહેર કર્યો હતો. તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 354 (વિનયભંગ), 452 (ઘરમાં ઘૂસણખોરી) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
ફરિયાદ પક્ષ અનુસાર ત્રીજી ઑક્ટોબર, 2021ની રાતે હુલે બાળકીના ઘરમાં ઘૂસ્યો હતો. દાદીનો વિનયભંગ કર્યા પછી તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બચાવ પક્ષ અનુસાર પાણી લીકેજને લઈ જૂના વિવાદને પગલે આરોપી વિરુદ્ધ ખોટા આરોપ લગાવાયા હતા.
ટ્રાયલમાં છબરડા હોવાનું નોંધી જજે નિરીક્ષણ કર્યું હતું કે ટ્રાયલ દરમિયાન મૃત પામેલા તપાસ અધિકારીની તપાસ નહીં થવાથી બચાવ પક્ષ પ્રત્યે તીવ્ર પૂર્વગ્રહ સર્જાયો છે.
બાળકીએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ આપેલી જુબાની અને પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં વિસંગતિ હોવાનું જણાવીને કોર્ટે બાળકીને શીખવવામાં આવ્યું હોય તેમ જણાય છે, એવી નોંધ કરી હતી.
(પીટીઆઈ)