અમદાવાદઃ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી બન્ને ટીમ ભારત અને ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓ તેમ જ તેમને સપોર્ટ કરી રહેલા તેમના દેશના ભૂતપૂર્વ ખેલાડીઓ માઇન્ડગેમમાં ખૂબ હળવા છે એટલે આજની ફાઇનલ પહેલાં (સામાન્ય રીતે ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાની ટીમની બાબતમાં થતા હોય છે એવા) તેમની વચ્ચે કોઈ શાબ્દિક પ્રહારો નથી થયા, પણ એક હળવી શાબ્દિક ટક્કર જરૂર થઈ. આ ટક્કર સીધી નથી, પણ પત્રકારોના માધ્યમ મારફત થઈ છે.
ન્યૂ ઝીલૅન્ડના સુકાની મિચલ સૅન્ટનરે (SANTNER) પત્રકાર પરિષદમાં એવું કહ્યું હતું કે `જો અમારી ટીમ ભારતને 220 રનની આસપાસ સીમિત રાખશે તો મુકાબલો બરાબરીનો કહેવાશે. જો અમદાવાદના મેદાનની પિચ શનિવાર રાત્રે હતી એવી ફ્લૅટ હશે તો ભારતને અમે 250ને બદલે 220 રન સુધી મર્યાદિત રાખીશું જેને લીધે અમે સારી સ્થિતિમાં આવી જઈશું.'
PTI
જોકે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ના મતે અમદાવાદમાં આ ફાઇનલ માટે ફ્રેશ પિચ મળી છે. એક પત્રકારે સૂર્યાને સૅન્ટનરના નિવેદન વિશે પૂછ્યું તો તેણે હસતાં કહ્યું, `તે જૂઠ્ઠું બોલે છે. અમે ધાર્યા કરતાં સારી બૅટિંગ કરીશું અને એમાં કોઈ કસર બાકી નહીં રહે. અમે 225થી 250 રન બનાવીશું તો સારી વાત છે, પણ ક્યારેક બનતું હોય છે કે પિચ અલગ હોય છે એટલે એ અનુસાર રમવું પડે છે.'
સૂર્યાએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે `કેટલા રન કરવાના છે એ ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં બેસીને નક્કી નથી કરતી હોતી. આટલા રન કરવા એ અમે અગાઉથી નથી વિચારતા હોતા. પિચ કેવી છે એના પર આધાર રહે છે.'