Thu Jun 18 2026

Logo

સૂર્યકુમાર યાદવે કહ્યું ટવેન્ટી-20માં ફાવટ આવી ગઈ પણ ટેસ્ટ તો....

2026-03-16 19:06:33
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવનું કહેવું છે કે તે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે. તેને વન-ડે ક્રિકેટ અનુકુળ આવી રહ્યું નથી પરંતુ ટી-20 તેની તાકાત છે કારણ કે તેમાં તેની ફાવટ આવી ગઈ છે." 

એક ઇન્ટરવ્યૂમાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે તે હવે ટી-20 ક્રિકેટમાં માસ્ટર થઈ ગયો છે અને તેમાં રમવામાં સરળતા અનુભવે છે. એક કલાક લાંબી વાતચીત દરમિયાન સૂર્યકુમાર ભારતને વર્લ્ડ કપમાં શાનદાર સફળતા અપાવ્યા પછી એકદમ હળવા અને ખુશ જોવા મળ્યો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટ ન રમવા પરની પોતાની નિરાશા વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

સૂર્યકુમારે સ્મિત સાથે યાદ અપાવ્યું કે તેણે ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તે ફક્ત એક જ ઇનિંગ રમી શક્યો હતો. સૂર્યકમારે કહ્યું હતું કે "તમારા ભાગ્યમાં જે લખ્યું હોય છે તે તમને મળે છે. મેં પણ રેડ બોલ ક્રિકેટથી રમવાની શરૂઆત કરી હતી અને 10-12 વર્ષ સુધી રણજી ટ્રોફી રમી હતી. હું મુંબઈમાં ઘણું બધું રેડ-બોલ ક્રિકેટ રમ્યો છું કારણ કે જો તમે મુંબઈમાં મોટા થયા છો તો તમે લાલ બોલથી શરૂઆત કરો છો, તેથી બધું લાલ બોલની આસપાસ ફરે છે.

તેણે કહ્યું હતું કે "પરંતુ ધીમે ધીમે જ્યારે અમે વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાની શરૂઆત કરી તો મને તે ખૂબ પસંદ આવવા લાગ્યું. તે પછી મને આ ફોર્મેટ (ટી-20)માં રસ પડ્યો. મેં વન-ડે (50 ઓવરના ક્રિકેટ) માં પણ સારું રમવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ બહુ હાંસલ કરી શક્યો નહીં." ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, "ટી-20 ક્રિકેટમાં જે રીતે બધુ ચાલી રહ્યું છે તે જોતા મને તેમાં ખૂબ ફાવટ આવી ગઈ છે"

જ્યારે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે શું તેને તક મળશે તો ટેસ્ટ ક્રિકેટ રમવાનું પસંદ કરશે, ત્યારે તેણે સ્પષ્ટપણે જવાબ આપ્યો હતો કે મને ખૂબ આનંદ થશે કારણ કે જેમ મેં જણાવ્યું કે મેં 2010-11 થી 2020 સુધી ઘણું બધું રેડ-બોલ ક્રિકેટ રમ્યો છું. રેડ બોલ સાથે રમવાના દસ વર્ષ ખૂબ લાંબો સમય છે. મને આ ફોર્મેટ ખૂબ જ પસંદ હતું. સ્વાભાવિક રીતે, જો તક મળશે તો કોણ ટેસ્ટ ક્રિકેટ રમવા માંગશે નહીં?"

જોકે 35 વર્ષની ઉંમરે સૂર્યકુમાર માટે ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું લગભગ અશક્ય છે. તેણે એકમાત્ર ટેસ્ટ 2013માં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી જ્યારે તેણે એક ઇનિંગમાં આઠ રન કર્યા હતા. તે જ વર્ષે તેણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી જેમાં 28 બોલમાં 18 રન કર્યા હતા. જોકે ફાઈનલમાં ભારત હારી ગયું હતું અને સૂર્યકુમાર ફરી ક્યારેય આ ફોર્મેટમાં રમ્યો નથી.

જ્યારે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે શું વન-ડેનું કોઈ ભવિષ્ય નથી ત્યારે તેણે કહ્યું કે મને લાગે છે કે મેં જે અનુભવ કર્યો છે અને નજીકથી જોયું છે તેના આધારે વન-ડે ક્રિકેટ એક એવું ફોર્મેટ છે જ્યાં તમારે ત્રણ અલગ અલગ રીતે બેટિંગ કરવી પડે છે. ક્યારેક જો તમે શરૂઆતમાં બેટિંગ કરવા જાવ છો. જો વિકેટો વહેલી પડી જાય છે તો તમારે ટેસ્ટ ક્રિકેટની જેમ બેટિંગ કરવી પડે છે. 

પછી તમારે વન-ડેની જેમ સારા સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવી પડે છે અને ટી-20ની જેમ ઇનિંગ્સની છેલ્લી ઓવરોમાં બેટિંગ કરવી પડે છે. તેથી તે એક એવું ફોર્મેટ છે જે હું ક્યારેય સમજી શક્યો નથી. મેં તેને રમવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, પરંતુ તે એક પડકારજનક ફોર્મેટ છે."

સૂર્યકુમારે 2023 વન-ડે વર્લ્ડ કપ દરમિયાનની તૈયારીઓ અને માહોલને પણ યાદ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે હું 2023 વન-ડે વર્લ્ડ કપ માટે ટીમ સાથે હતો અને તેમાં રમ્યો હતો ત્યારે તે ફોર્મેટનું વાતાવરણ, ફાઇનલ પહેલાની તૈયારીઓ 2026 અને 2024 ટી-20 વર્લ્ડ કપમાં રમાયેલી મેચોથી સંપૂર્ણપણે અલગ હતી. એટલા માટે તેનું આકર્ષણ અલગ છે. વન-ડે ક્રિકેટની પણ પોતાનું અલગ આકર્ષણ છે. ટી-20 તો તેનાથી પણ અલગ છે.