Wed Jun 10 2026

Logo

ગુજરાતી સિનિયર સિટીઝન સાથે 7.71 કરોડનું સાયબર ફ્રોડના કેસમાં સુરતના બે પકડાયા

2026-04-04 20:17:44
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે મલાડના ગુજરાતી સિનિયર સિટીઝન સાથે 7.71 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કરવાના કેસમાં સંડોવાયેલા સુરતના બે યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ નીલેશ દિનેશભાઈ પરમાર અને અફસર અખ્તર ખાન તરીકે થઈ હતી. સુરતમાં રહેતા બન્ને આરોપીએ સાયબર ઠગોને બૅન્ક ખાતાં પૂરાં પાડ્યાં હતાં અને એ ખાતાંમાં લાખો રૂપિયા ટ્રાન્સફર થયા હતા, એવું તપાસમાં જણાયું હતું.

મલાડમાં રહેતા તેમ જ પેન્ટ્સ અને કોટિંગ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ધરાવતા 63 વર્ષના વેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર નવેમ્બર, 2025ના રોજ ફરિયાદીને શૅર ટ્રેડિંગ સંબંધી એક મેસેજ આવ્યો હતો. પછી નયના નામની યુવતીએ ફોન કરી તેમની કંપનીના ઑનલાઈન પ્લૅટફોર્મની માહિતી આપી હતી. આ પ્લૅટફોર્મના માધ્યમથી શૅર ટ્રેડિંગમાં રોકાણ કરવા પર ઊંચા વળતરની ખાતરી યુવતીએ આપી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે વેપારીના મોબાઈલ ફોન પર એક લિંક મોકલવામાં આવી હતી. આ લિંક પર વેપારીની વ્યક્તિગત માહિતી અને બૅન્ક ખાતાની વિગતો ભરવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં વેપારનું ટ્રેડિંગ એકાઉન્ટ ઑપન કરવામાં આવ્યું હતું. કયા શૅર્સમાં રોકાણ કરવા પર કેટલું વળતર મળશે, એની માહિતી આપી વેપારીને લલચાવ્યો હતો.

કહેવાય છે કે શરૂઆતમાં રોકાણ પરનો નફો વેપારીના બૅન્ક ખાતામાં જમા થયો હતો, જેને પગલે વેપારીનો વિશ્ર્વાસ બેસી ગયો હતો. બાદમાં નવેમ્બર, 2025થી જાન્યુઆરી, 2026 સુધીમાં વેપારીએ વિવિધ શૅર્સમાં રોકાણ માટે 7.71 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આની સામે 38 કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું વેપારીને દેખાડવામાં આવ્યું હતું.

નફામાંથી 50 લાખ રૂપિયા કઢાવવાની તૈયારી વેપારીએ દાખવી હતી, પરંતુ રૂપિયા કઢાવી શક્યા નહોતા. આ અંગે નયનાનો સંપર્ક સાધવામાં આવતાં ટૅક્સની રકમ પહેલાં ભરવાનું વેપારીને કહેવામાં આવ્યું હતું. વેપારીએ રકમ ભરવાનો ઇનકાર કરતાં નયના સહિત અન્યોનો સંપર્ક તૂટી ગયો હતો. આખરે પોતે છેતરાયા હોવાનું જણાતાં વેપારીએ ચોથી ફેબ્રુઆરીએ સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે નૉર્થ રિજન સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વૉટ્સઍપ ચૅટ્સ, બૅન્ક ખાતાંની વિગતો અને ટ્રેડિંગ એકાઉન્ટની માહિતીને આધારે પોલીસે સુરતના બન્ને આરોપીને પકડી પાડ્યા હતા.