સુરતઃ મહિલાઓ સાથે વધી રહેલા અત્યાચાર વચ્ચે સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચાર વચ્ચે કોર્ટનો આ ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, આ કેસમાં આરોપી સામે 2023માં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં અત્યારે કોર્ટે તમામ પૂરાવાને અંતે ચુકાદો આપ્યો છે.
આરોપી સામે સપ્ટેમ્બર 2023માં ફરિયાદ નોંધાઈ હતી
વિગતે વાત કરવામાં આવે તો, સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે સપ્ટેમ્બર 2023માં ફરિયાદ નોંધવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ધોરણ 9માં ભણણી એ સગીરાએ આરોપી સામે આ કેસ નોંધાવ્યો હતો. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ઘરે બોલાવી અને શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટના મામલે 14 વર્ષીય સગીરાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોર્ટે આરોપીને દોષિત માની સજા ફટકારી છે.
સુરત પોલીસે માર્ચ 2025માં આરોપીની ધરપકડ કરી
પોલીસના જણાવ્યાં પ્રમાણે ગુનો આચર્યા બાદ આરોપી નાસતો ફરતો હતો. ફરિયાદ 2023માં નોંધાઈ હતી, આ ગુનામાં આરોપીની માર્ચ 2025માં ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો, પીડિતાનું નિવેદન, શાળાનું બોનાફાઈટ સર્ટી સાથે મેડિકલ પુરાવાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 20 વર્ષની સઘત કેદની સજા ફટકારી છે.
20 વર્ષની સખત કેદની સજા સાથે 50 રૂપિયાનો દંડ
સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી તેની સાથે 50 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જે રૂપિયા પીડિતાને આપવામાં માટે આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે સાથે કોર્ટે ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ-2019 પણ હુકમ કર્યો કે, પીડિતાને વધારાનું રૂપિયા ચાર લાખનું વળતર આપવામાં આવે!