સુરતના કડોદરામાં ભાજપમાં વગદાર નેતા શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે પતિના લગ્નેત્તર સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આપઘાત પહેલા નિધિ રાજપૂતે દોઢ પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી, જો કે તેના આપઘાત બાદ સાસરિયાઓ સ્યુસાઈડ નોટનો નાશ ન કરે એ માટે નિધિ રાજપૂતે સ્યુસાઈડ નોટ પોતાના અંડરવેરમાં છુપાવી દીધી હતી.આ સ્યુસાઈડ નોટમાં નિધિ રાજપૂતે પતિના પ્રેમ અને બેવફાઈની દર્દનાક કહાની લખી છે. મૃતક નિધિના લગ્ન હજુ 2 વર્ષ પહેલા જ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ પરિણીતાએ આવું અંતિમ પગલું ભરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પતિના અન્ય મહિલા સાથેના સબંધોનો ઉલ્લેખ
મળેલી સુસાઇડ નોટમાં નિધિએ તેના પતિના અન્ય મહિલા સાથેના ગેરકાયદેસર સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ) હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પતિના અન્ય સંબંધોના કારણે માનસિક ત્રાસ ભોગવી રહેલી નિધિએ આખરે કંટાળીને પોતાનો જીવ ટૂંકાવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે.
'સૌરભના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોનો ઉલ્લેખ'
પરિણીતા નિધિ રાજપૂતે આપઘાત પૂર્વે લખેલી દોઢ પાનાની સ્યુસાઈડ નોટમાં તેના તૂટેલા દિલની આક્રંદ સ્પષ્ટ દેખાય છે. હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા આ પત્રમાં નિધિએ પતિ સૌરભ પ્રત્યેના પોતાના બેહદ પ્રેમનો એકરાર કરતાં લખ્યું છે કે, "હું સૌરભને અનહદ પ્રેમ કરું છું અને તેના વિના જીવી શકતી નથી, પરંતુ તેના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો હવે મારાથી સહન થતા નથી." પતિના આ સંબંધોને કારણે અસહ્ય માનસિક યાતના ભોગવતી નિધિએ આખરે અંતિમ પગલું ભરી લીધું હતું.
પોલીસે નોટ કબજે કરી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પીએમ કરનાર ડોક્ટરો પાસેથી પોલીસે સુસાઇડ નોટ કાયદેસર રીતે કબ્જે કરી છે. સુસાઇડ નોટના આધારે પોલીસે આગળની ગંભીર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને પરિણીતાને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ સંબંધિત લોકો સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
મોબાઇલ સહિત વસ્તુઓની તપાસ
પરિવાર તરફથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નોટને સુરક્ષિત રાખવાના હેતુથી તેને કપડાંમાં છુપાવવામાં આવી હોઈ શકે છે. જોકે આ અંગેની ચોક્કસ હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. કડોદરા સ્યુસાઇડ કેસમાં સુસાઇડ નોટ ઉપરાંત પરિવારજનોના નિવેદન, મોબાઇલ સહિતના ઉપલબ્ધ પુરાવા અને અન્ય સંબંધિત પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.