સુરતઃ શહેરની એક રેસ્ટોરેન્ટમાંથી કાઠિયાવાડી પરિવાર પનીરનું શાક મંગાવ્યું હતું. જે ખાધા બાદ ફૂડ સમગ્ર પરિવારને પોઈઝનિંગ થયું હતું. જેમાં માત્ર 5 વર્ષની દીકરીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
શું છે સમગ્ર મામલો
15 ઓગસ્ટની રાત્રે સુરતના વરાછામાં રહેતા કાઠિયાવાડી અશોકભાઈ કળસરિયા પરિવારે શીતલ રેસ્ટોરેન્ટમાંથીબે પંજાબી શાક મંગાવીને ખાધા હતા. 16મી ઓગસ્ટના રોજ વહેલી સવારે અશોકભાઈ અને તેની એક દીકરીને પેટમાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. જેથી સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર લીધા બાદ પણ રાહત મળી નહતી. આ દરમિયાન બપોર સુધીમાં પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવા લાગી હતી.
પરિવારની તબિયત વધુ બિગડતાં તબીબોની સલાહથી તેમને તાત્કાલિક વરાછાની સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, 17મી ઓગસ્ટની રાત્રે હોસ્પિટલમાં 5 વર્ષની માસૂમ દીકરી મોત નીપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. હાલ અશોકભાઈ, તેનાં પત્ની અને તેની અન્ય બે મોટી પુત્રીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમના મેડિકલ રિપોર્ટમાં પણ ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ હતી.
ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ તથા SMCના ડો. ઉમરીગર જોડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઘટનાની વિગતવાર માહિતી મેળવીને જરૂરી તબીબી અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. તેમણે જિલ્લાના આરોગ્ય અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારના સભ્યોને યોગ્ય અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા પણ સૂચના આપી હતી. પરિવારના ચાર સભ્યોની હાલની તબિયત અંગે સદવિચાર હોસ્પિટલના ડોકટરો સાથે માહિતી મેળવી જરૂરી સારવારની વ્યવસ્થા જાળવવા જણાવ્યું હતું
ઉપરાંત આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુઃખદ ઘટનામાં ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. આરોગ્ય પ્રધાને રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો.