સુરતઃ સુરતમાં ભાજપમાં મહિલા નેતાની પુત્રવધૂ નિધિ રાજપૂતે પતિના લગ્નેત્તર સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ત્રણ દિવસ પહેલાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા નિધિ રાજપૂતે દોઢ પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી, જો કે તેના આપઘાત બાદ સાસરિયાઓ સ્યુસાઈડ નોટનો નાશ ન કરે એ માટે નિધિ રાજપૂતે સ્યુસાઈડ નોટ પોતાના અંડરગારમેન્ટ્સમાં છુપાવી હતી. મૃતક નિધિના લગ્ન હજુ 2 વર્ષ પહેલા જ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ પરિણીતાએ આવું અંતિમ પગલું ભરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સાસુ-વહુ વચ્ચે શું થઈ હતી વાતચીત
આપઘાત પહેલાં નિધિ અને તેની સાસુ વચ્ચે થયેલી અંતિમ વાતચીત સામે આવી છે, જેમાં તેણે પટનામાં રહેતાં તેનાં આંટી દ્વારા મળતા માનસિક ત્રાસ અને આપઘાત કરવાના દબાણ અંગે ગંભીર ખુલાસા કર્યા હતા. જે અનુસાર, નિધિએ તેની સાસુને જણાવ્યું હતું કે તે છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે માનસિક તકલીફમાં છે અને તેને સુસાઇડ કરવાના વિચારો આવી રહ્યા છે. નિધિએ મેસેજમાં સ્પષ્ટ લખ્યું હતું કે, પટનાથી તેના આંટીએ ફોન કરીને તેને કંઈક કરીને સુસાઇડ કરી લેવા માટે દબાણ કર્યું હતું. આંટીએ એવું પણ કહ્યું હતું કે 'તું મરી જઈશ તો દીકરાનો રસ્તો ક્લિયર થઈ જશે.'
આ ગંભીર વાતચીત દરમિયાન સાસુએ નિધિને મન શાંત રાખવા અને ભગવાનનું નામ લેવા સમજાવી હતી તેમજ 'હું 10 મિનિટમાં આવું છું' કહીને ધરપત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ચેટ બાદ નિધિએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ ચેટ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા પારિવારિક વિવાદ અને દુષ્પ્રેરણાની દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
ભાજપના મહિલા નેતા અને મૃતકના સાસુ શશી સિંઘના જણાવ્યા અનુસાર, તેઓ તેમની પુત્રવધૂ માટે ઢોસા લેવા બજાર ગયા હતા ત્યારે તેના પર નિધિનો કોલ આવ્યો હતો. નિધિએ પહેલીવાર પોતાને આપઘાત કરવાની ઈચ્છા થતી હોવાનું કહેતાં, સાસુએ તેને મન શાંત રાખવા અને ભગવાનનું નામ લેવા સમજાવી પોતે તરત ઘરે આવી રહ્યા હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, નિધિએ પુત્રના કોઈ પ્રેમ સંબંધ વિશે અગાઉ ક્યારેય તેમની સાથે વાત કરી નહોતી.
અંડરગારમેન્ટ્સમાં છૂપાવી હતી સુસાઈડ નોટ
નિધિએ આપઘાત કરતા પહેલી સુસાઈડ નોટ અંડરગારમેન્ટ્સમાં છૂપાવી હતી. સુસાઇડ નોટમાં નિધિએ તેના પતિના અન્ય મહિલા સાથેના ગેરકાયદેસર સંબંધો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. પતિના અન્ય સંબંધોના કારણે માનસિક ત્રાસ ભોગવી રહેલી નિધિએ આખરે કંટાળીને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા આ પત્રમાં નિધિએ પતિ સૌરભ પ્રત્યેના પોતાના બેહદ પ્રેમનો એકરાર કરતાં લખ્યું કે, હું સૌરભને અનહદ પ્રેમ કરું છું અને તેના વિના જીવી શકતી નથી, પરંતુ તેના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો હવે મારાથી સહન થતા નથી. પતિના આ સંબંધોને કારણે અસહ્ય માનસિક યાતના ભોગવતી નિધિએ આખરે અંતિમ પગલું ભરી લીધું હતું.