નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં ચાલવાના અધિકારને બંધારણ હેઠળ મૌલિક અધિકાર જાહેર કર્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ફૂટપાથ પર ચાલવાનો અધિકાર રોડ પર વાહનોની અવર જવર કરતાં પણ મહત્વનો છે.
રસ્તો અસ્તિત્વમાં હોય તો રાહદારીઓ માટે ફૂટપાથ જરૂરી
સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર આ અધિકાર બંધારણના આર્ટિકલ 19(1)(d) (દેશમાં ગમે ત્યાં ફરવાની સ્વતંત્રતા ) અને આર્ટિકલ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ ઉપરાંત બેન્ચે જણાવ્યું કે કે જો કોઈ રસ્તો અસ્તિત્વમાં હોય, તો રાહદારીઓ માટે ફૂટપાથનું સીમાંકન અને જાળવણી સુનિશ્ચિત કરવાની અમલમાં મૂકી શકાય તેવી ફરજ છે.
પાંચ વર્ષના બાળકના મૃત્યુ સબંધી કેસ
ઉલ્લેખનીય છે કે, આ ચુકાદો મોટર અકસ્માત વળતર કેસ સાથે સંબંધિત છે. જેમાં પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. તેના પિતા તેને સવારે 9 વાગ્યે શાળાએ લઈ જઈ રહ્યા હતા ત્યારે એક ટેન્કર લોરીએ તેને પાછળથી ટક્કર મારી હતી. જેનાથી તેની કમર અને શરીરના નીચેના ભાગ કચડાઇ ગયા હતા. તેમજ બાળકનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. તેમજ આ સ્થળે કોઈ ફૂટપાથ કે રાહદારી ક્રોસિંગ નહોતું.
સીમાંકિત ફૂટપાથ પર ચાલવાના અધિકારના ભંગ બદલ વળતરનો અધિકાર
આ ઉપરાંત બેન્ચે જણાવ્યું હતું કે સીમાંકિત ફૂટપાથ પર ચાલવાના અધિકારના ઉલ્લંઘનના કિસ્સામાં નાગરિકોને વળતર અને વળતર માટે જવાબદાર અધિકારીઓ સામે બંધારણીય અને કાનૂનના ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. આ અધિકાર મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ઉપલબ્ધ જોગવાઇથી અલગ છે.
બાળકના પિતાને ચૂકવવાપાત્ર વળતર વધાર્યું
જેમાં સુપ્રીમ કોર્ટે બાળકના પિતાને ચૂકવવાપાત્ર વળતર વધારીને રૂપિયા 11,44,628 કર્યું અને તે બે મહિનાની અંદર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે હાઇકોર્ટના આદેશને રદ કર્યો જેમાં મૂળ વળતરની રકમ ઘટાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.