મુંબઈઃ ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત લીગ 'ધ હન્ડ્રેડ' (The Hundred)ના પ્લેયર્સ ઓક્શન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર હોબાળો મચી ગયો છે. સનરાઈઝર્સ લીડ્સની માલિકી અધિકાર સન ગ્રુપની પાસે છે, જ્યારે તેની માલિકી ધરાવતી ફ્રેન્ચાઇઝી 'સનરાઇઝર્સ લીડ્સ' દ્વારા એક પાકિસ્તાની સ્પિનરને કરોડોની રકમમાં ખરીદવામાં આવતા ભારતીય ચાહકોમાં રોષ જોવા મળે છે. હવે આના મુદ્દે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને લિટલ માસ્ટર તરીકે ઓળખાતા સુનિલ ગાવસ્કરે કાવ્યા મારનની ટીકા કરતા અનેક સવાલો પૂછ્યા છે. ગાવસ્કરે કહ્યું કે સનરાઈઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનરને ખરીદવામાં આવ્યા પછી જે વિવાદ થયો એ વાસ્તવમાં ચોંકાવનારો છે.
સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને અંદાજે 2.34 કરોડ રૂપિયા (1.90 લાખ પાઉન્ડ)માં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઓક્શન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (IPL)ની સીઈઓ કાવ્યા મારન પણ હાજર હતી, જેના કારણે તે અત્યારે ટીકાકારોના નિશાને છે. આ નિર્ણય સામે સોશિયલ મીડિયા પર એટલો પ્રચંડ વિરોધ થયો હતો કે ટીમના સત્તાવાર 'X' એકાઉન્ટને પણ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ આઈપીએલમાં પ્રતિબંધિત છે, ત્યારે વિદેશી લીગમાં ભારતીય માલિકો તેમને શા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે?
ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે એક કોલમમાં લખ્યું છે કે જ્યારે કોઈ ભારતીય માલિક પાકિસ્તાની ખેલાડીને પૈસા ચૂકવે છે, ત્યારે તેનો મોટો હિસ્સો ટેક્સ તરીકે પાકિસ્તાન સરકાર પાસે જાય છે. ગાવસ્કરના મતે આ નાણાંનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અથવા હથિયારો ખરીદવા માટે થઈ શકે છે. ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, શું એક નાનકડી ટુર્નામેન્ટ જીતવી એ ભારતીય સૈનિકો અને નાગરિકોના જીવ કરતા વધુ મહત્વની છે?
ગાવસ્કરે 2008ના મુંબઈ હુમલાથી લઈને 2019ના પુલવામા અને 2025ના તાજેતરના પહલગામ હુમલા સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કરીને ભારતીય માલિકોને આયનો બતાવ્યો છે. તેમણે નોંધ્યું કે ટીમના કોચ ડેનિયલ વિટોરી કદાચ ભારતની આ સંવેદનશીલતાને ન સમજી શકે, પરંતુ ભારતીય માલિકોએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈતું હતું.
વિટોરીએ તો એવો પણ ખુલાસો કર્યો હતો કે તેઓ અન્ય એક પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકને પણ ટીમમાં લેવા ઈચ્છતા હતા. હાલમાં આ વિવાદને કારણે ક્રિકેટ જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે.