(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના પ્રમુખ સુનેત્રા પવાર અને તેમના પુત્ર પાર્થે નવી દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલની તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હોવાની જાણકારી પાર્ટીના પ્રવક્તા દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મુલાકાત ગુરુવારે રાત્રે થઈ હતી.આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પાર્થ પવારે ગુરુવારે એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલ અને મહારાષ્ટ્ર એકમના વડા સુનીલ તટકરેને લક્ષ્ય બનાવતા અહેવાલોને ‘નિરાધાર અને કાલ્પનિક’ ગણાવ્યા હતા કે તેમણે 28 જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મૃત્યુ પછી પાર્ટી પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાર્થનું આ નિવેદન એવી અટકળો વચ્ચે આવ્યું છે કે સુનેત્રા પવાર પટેલ અને તટકરેથી નારાજ થઈ ગયા છે. એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારે ગયા અઠવાડિયે એવો દાવો કર્યો હતો કે સુનેત્રા પવારે 10 માર્ચે ચૂંટણી પંચને પત્ર લખીને પક્ષના પ્રમુખ તરીકે તેમની નિમણૂક અંગે જાણ કરી હતી અને કહ્યું હતું કે તેમના પતિ અજિત પવારના મૃત્યુ પછી પાર્ટી તરફથી મળેલા કોઈપણ અગાઉના સંદેશાને અવગણવો જોઈએ.રાજકીય સૂત્રો મુજબ, સુનેત્રા પવાર પટેલ અને તટકરેએ પાર્ટીના વડા તરીકે કાર્યભાર સંભાળતા પહેલા ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્ર અંગે આપેલી સ્પષ્ટતાથી સહમત ન હતા.
પટેલ અને તટકરેએ 16 ફેબ્રુઆરીએ ચૂંટણીપંચને પત્ર લખીને માહિતી આપી હતી કે પક્ષના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો છે અને કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલને તમામ સત્તાઓ આપવામાં આવી છે, રોહિત પવારે દાવો કર્યો હતો કે તેઓ પક્ષ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એનસીપીના પ્રવક્તા આનંદ પરાંજપેએ જણાવ્યું હતું કે સુનેત્રા પવાર, પાર્થ અને પટેલ ગુરુવારે રાત્રે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રફુલ પટેલના ઘરે તેમને મળ્યા હતા.પાર્થ તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે, ત્યારે એનસીપીએ તેમના નાના ભાઈ જય પવારને પાર્ટીની ‘એપેક્સ કમિટી’માં સામેલ કર્યા છે, જે રાજકારણમાં તેમનો ઔપચારિક પ્રવેશ દર્શાવે છે.31 જાન્યુઆરીએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારા સુનેત્રા પવારને 26 ફેબ્રુઆરીએ સર્વાનુમતે પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.