Sun Jun 21 2026

Logo

કવર સ્ટોરી:સ્ટૅન્ડ-અપ કૉમેડીના નામે જાહેરમાં ઉછાળવામાં આવે છે ગંદવાડ, છતાં સત્તાવાળા કેમ ચૂપ?

2026-06-14 09:23:00
Author: Vijay Vyas
Article Image

 

 

 

 છેલ્લા કેટલાક સમયથી હિંદુ સંસ્કૃતિ- પરંપરા વગેરે પર જ્ઞાન પિરસવાની મોસમ  પૂરબહારમાં ખિલી છે, પણ ઉઘાડે છોગે અશ્ર્લીલતાનો ગંદવાડ પિરસતી સ્ટેન્ડ અપ કોમેડી સામે કોઈ હિંદુવાદી ઉગ્રતાથી બોલતો કેમ નથી કે કેમ સત્તાવાળા એની વિરુદ્ધ કડક કાયદો ઘડતા નથી? જાહેર શોમાં મા-બહેનોની લાજ-શરમ રાખ્યા વગર આ સ્ટેન્ડ અપ કોમેડિયનો બેફામ બીભત્સ બોલે પછી બહુ ઊહાપોહ થાય તો સોશ્યલ મીડિયા પર ‘સોરી’ કહી દે એટલે વાર્તા પૂરી! 

 

- વિજય વ્યાસ

 

હમણાં જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેના કાર્યક્રમની ‘370 રૂપિયા કી બિરયાની’ની ક્લિપ વાયરલ થઈ તેમાં બબાલ મચી ગઈ છે. ગુડગાંવમાં રહેતા 22 વર્ષના હિમાંશુ જાંગરા નામના યુવકે એક યુવતીને 370 રૂપિયાની બિરયાની ખવડાવી તેના બદલામાં પોતે તેની સાથે બળજબરીથી લીધેલી શારીરિક છૂટની કથા જાણે બહુ મોટી બહાદુરી કરી હોય એ રીતે કરી. તેને સૌએ તાળીઓથી વધાવી લીધી અને મોરેએ તો જાંગરાને રોકડ ઈનામ આપીને પીઠ થાબડી.

 

મોરે અને જાંગરાની આ હરકતના પગલે સોશ્યલ મીડિયા પર લોકો તૂટી પડ્યાં છે. જાંગરાને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો જ્યારે મહારાષ્ટ્રમાં જાંગરા અને મોરે સામે કેસ નોંધાઈ ગયો. મહિલા પંચે પણ બંનેને નોટિસ ફટકારી છે. પગ નીચે રેલો આવ્યો એટલે બંનેએ માફી માગવાનું ને ક્લિપ હટાવી દેવાનું નાટક કર્યું, પણ એ પહેલાં તો આ નીચ હરકતનો વીડિયો વાયરલ થઈ ગયેલો તેથી થવાનું હતું એ નુકસાન થઈ જ ગયું છે.

 

આ વિવાદ ચાલતો જ હતો ત્યાં મોરેના જ શોમાં સેજલ પવાર નામની ડોક્ટર યુવતીએ કરેલી વાતની ક્લિપ વાયરલ થઈ. સેજલ મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં નોકરી કરે છે. સેજલના કહેવા પ્રમાણે, હોસ્પિટલમાં પુરૂષોના મૃતદેહો આવતા ત્યારે અમે તેમનાં ગુપ્તાંગોની સરખામણી કરીને મજા લેતાં. આ અંગે બબાલ થઈ પછી સેજલે પણ ક્લિપ હટાવીને માફી માગી લીધી. સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાની પોસ્ટ્સ દૂર કરીને પોતાના પ્રોફાઇલને થોડા સમય માટે ખાનગી રાખીને ફરી પબ્લિક કરી દીધો. બોલો...

 

સોશ્યલ મીડિયામાં ફરતી થયેલી પેલી ક્લિપની અધૂરી કથા પહેલાં જાણી લઈએ...  પ્રણિત મોરેના લાઇવ શોમાં હિમાંશુ જાંગરા નામના યુવકે પોતાનો કહેવાતો જાત-અનુભવ વર્ણવેલો. હિમાંશુના કહેવા પ્રમાણે, એક યુવતીને ડેટ પર લઈ ગયેલો ત્યારે 370 રૂપિયાની બિરયાની ખવડાવી હતી. ડિનર પત્યું પછી પોતે યુવતીને ઘરે છોડવાની ઓફર કરી. જાંગરાએ કોમેન્ટ કરી કે, મૈંને કહા કિ, 370 રૂપયે લગે હૈં, વસૂલ તો કરુંગા........જાંગરાના કહેવા પ્રમાણે, પોતે યુવતીને પાર્કમાં લઈ ગયો અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો, પણ છોકરીએ ઈનકાર કરી દીધો. પછી જાંગરાએ છોકરીને કિસ માટે દબાણ કર્યું ને સાથોસાથ પેલીનાં વસ્ત્રોની અંદર હાથ નાખ્યો.........

 

આવી એકદમ ગંદી અને હલકી કક્ષાની આ વાતો વાંચીને જ ચિતરી ચડે છે ત્યારે મોરેના ચાહકોએ જાંગરાને વધાવ્યો અને મોરેએ એને રોકડ ઇનામ પણ આપ્યું ! છિછરાપણાની તમામ હદ આ લોકોએ વટાવી ખાધી..

 

તાજેતરની આ બંને બહુ ગંભીર ઘટના છે ને આપણે ત્યાં ‘વાણી સ્વતંત્રતા’ના નામે આ સ્ટેન્ડ અપ કોમેડીવાળા  કેવો ગંદવાડ ઠલવાય છે તેનો આ વધુ એક પુરાવો છે. પ્રણિત મોરે અત્યારે છીંડે ચડેલો ચોર છે ને ભૂતકાળમાં બીજા પણ આવા ચોર છીંડે ચડી ચૂક્યા છે છતાં આ ગંદવાડ ઠાલવવાનું બંધ થતું નથી. શરમની વાત એ છે કે, આવી અશ્ર્લીલ વાતો જાહેરમાં ઠાલવ્યા પછી માફી માગવાના નાટક કરીને છટકી જાય છે. થોડો સમય ચૂપ રહે છે ને પછી ફરી પોતાની જાત બતાવીને એ જ ધંધા શરૂ કરી દે છે.

 

આ બધું બંધ કેમ નથી થતું એમને સજા કેમ નથી થતી, કારણ કે, આપણા શાસકો લોકોને સંસ્કાર ને સભ્યતાનાં ભાષણો ભરડે છે, પણ કોમેડીના નામે અશ્ર્લીલતા અને અસભ્યતા ફેલાવનારા આ નમૂનાઓેને પાઠ ભણાવવાને બદલે શાસકો પાણીમાં બેસી જાય છે.

 

ગયા વરસે ‘ઈન્ડિયા ગોટ લેટેન્ટ’ નામના શોમાં કહેવાતા કોમેડિયનોએ એક છોકરીને તેનાં માતા-પિતાના સેક્સ વિશે એકદમ ગંદા સવાલ  કર્યા હતા. આશિષ ચંચલાની, જસપ્રિત સિંઘ, અપૂર્વા મખિજા, રણવીર અલ્લાહાબાદિયા વગેરે કોમેડિયનોએ ત્યારે લાજશરમ નેવે મૂકીને તમામ હદો વટાવી દીધી પછી ભારે હોહા થઈ ગયેલી. આસામમાં કેસ થયો પછી બધાંએ માફી માગી, થોડોક સમય શો બંધ રહ્યો ને હવે પાછો શરૂ થવાનો છે. દોઢ વરસ થઈ ગયાં આ વાતને પણ એક પણ કોમેડિયન જેલમાં ગયો નથી. જેલની વાત છોડો પણ તેમનાં સ્ટેટમેન્ટ લઈને ચાર્જશીટ દાખલ કરવા સુધી પણ વાત પહોંચી નથી.

 

સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા અશ્ર્લીલતાના નગ્ન નાચ રોકવા માટે સરકાર દ્વારા કોઈ કાયદો બન્યો નથી કે નથી કોઈ સેન્સરશિપ લાદવામાં આવતી. શાસકની રાજ્ય સરકારો વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકાય તો સરકારને તરત તેને બ્લોક કરાવવાનું શૂરાતન ચડી જાય છે પણ અશ્ર્લીલતા પિરસતી ચેનલ કે એકાઉન્ટને બ્લોક નથી કરાતું. આનો અર્થ એ થયો કે સરકારને પોતાની ટીકા પસંદ નથી, બાકી અશ્ર્લીલતા કે ગંદી ગાળો સામે વાંધો નથી. !

 

આ વિરોધાભાસ જુવો ... ‘કોક્રોચ જનતા પાર્ટી’ દેશના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો તેનું એકાઉન્ટ બ્લોક કરવા સરકાર ‘એક્સ’ને ફરજ પાડે પણ અશ્ર્લીલતા પિરસતાં એકાઉન્ટને કંઈ નથી થતું. જાણીતા અભિનેતા કોમેડિયન વિર દાસે ‘ભારતમાં દિવસે નારીની પૂજા થાય છે ને રાત્રે તેના પર ગેંગ રેપ થાય છે...’ એવી કોમેન્ટ કરી ત્યારે તેને માફી માગવાની ફરજ પાડવામાં આવી પણ દરેક વાક્યમાં બબ્બે ગંદી ગાળો બોલનારા કોમેડિયનો બેરોકટોક શો કરે છે- ધૂમ કમાય છે ને ચાલતી પકડે છે. 

 

કોમેડિયન કોઈ મોટા માથાને લપેટી લે તો તેને ચૂપ કરવા કેસ ફટકારવામાં આવે. બસ, બાકી કોઈ નક્કર પગલાં તો નથી જ લેવાતાં. થોડા સમય પહેલાં સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા તો ભડકેલા શિવસૈનિકોએ મુંબઈમાં હોહા કરી મૂકેલી. કામરાનો એકાદ શો રદ કરવાની ફરજ પાડેલી ને કેસ પણ થયો પણ પછી બધું ટાઢુંબોળ. કામરા આજે છૂટ્ટો ફરે છે ને સ્ટેન્ડ અપ કોમેડીના નામે મનફાવે એવો બકવાસ કર્યા કરે છે. એ પહેલાં મુનાવર ફારૂકીએ અમિત શાહની મજાક ઉડાવી હતી તો મધ્ય પ્રદેશમાં મુનાવર સામે કેસ કરીને એને જેલભેગો કરી દેવામં આવ્યો . તેના થોડાક શો પણ રદ કરી થયા , પણ હવે મુનાવર મિયાં  પાછો એ જ પ્રકારની વાતો કર્યા કરે છે ને તેના શો પણ બેરોકટોક ચાલે છે.

 

આપણે ત્યાં છેલ્લાં કેટલાંક વરસોથી હિંદુ સંસ્કૃતિ, પરંપરા વગેરે પર જ્ઞાન પિરસવાની મોસમ પૂરબહારમાં ખિલી છે. ‘વેલેન્ટાઈન ડે હિંદુ સંસ્કૃતિની વિરુદ્ધ છે તો તેનો વિરોધ કરો, થર્ટી ફસ્ટની પાર્ટીઓ ભારતીય પરંપરાનો ભાગ નથી તેથી એ પાર્ટીઓમાં ઘૂસીને તોડફોડ કરો...’ જેવી ભાંગફોડ પ્રવૃત્તિ આ પૂરજોશમાં ચાલે છે, પણ અશ્ર્લીલતાનો ગંદવાડ પિરસતી સ્ટેન્ડ અપ કોમેડી સામે કોઈ હિંદુવાદી ઉગ્રતાથી બોલતો નથી કે આવા કાર્યક્રમોને રોકવા માટે કોઇ ઉધામા થતા નથી. એ સૌ ચૂપ છે.

 

આ ચૂપકીદીનું કારણ સમજવા જેવું છે. સ્ટેન્ડ અપ કોમેડીના મોટા ભાગના શો ફાઈવ સ્ટાર હોટલોમાં. હાઈ-ફાઈ ક્લબો કે કાફેમાં થાય છે. તેના માલિકો ધનિકો હોય કે પછી રાજકારણીઓ હોય છે. આ શોમાં આવનારા ને ગંદી ગાળો પર તાળીઓ પાડનારા મોટા ભાગે સારી કમાણી કરનારા યંગસ્ટર્સ હોય છે તેથી શોની મોંઘી ટિકિટો તો ખરીદે જ છે પણ ખાવા-પીવામાં પણ બેફામ ખર્ચા કરે છે. આ કમાણી પર તરાપ મરાય તો સીધા ઉપર ફોન જાય ને તેમના ઈશારે પોલીસ આવીને વિરોધ કરનારાંના ઢેકા ભાંગી નાંખે તેથી કોઈ વિરોધ કરવા આગળ આવતું નથી... આપણે નયા ભારતની વાત કરીએ છીએ પણ સ્ટેન્ડ અપ કોમેડીના આવા માહોલ વચ્ચે આ નયા ભારત કેવું છે-શું છે એ કળવું મુશ્કેલ છે.