Thu Jun 18 2026

Logo

સ્મૃતિએ વૉલ્વાર્ટના હાથમાંથી નંબર-વન રૅન્ક આંચકી લીધી, બન્ને પ્લેયર વારા કાઢે છે

DUBAI   2026-03-03 19:03:35
Author: Ajay Motiwala
Article Image

દુબઈઃ ઇરાનના હુમલાનો ભોગ બનેલા દુબઈમાં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા વન-ડે ફૉર્મેટના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ ભારતીય ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (SMRITI MANDHANA) ફરી એક વખત બૅટર્સમાં વર્લ્ડ નંબર-વન (NUMBER ONE) થઈ ગઈ છે. તેણે સાઉથ આફ્રિકાની લૉરા વૉલ્વાર્ટને પાછળ રાખીને આ સર્વોચ્ચ ક્રમ ફરી હાંસલ કરી લીધો છે.

સ્મૃતિના 790 અને લૉરાના 782 પૉઇન્ટ

29 વર્ષીય સ્મૃતિ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં 58 રન અને 31 રન એમ બે સાધારણ ઇનિંગ્સ રમી હતી. જોકે એ બે ઇનિંગ્સની મદદથી તેના રેટિંગ પૉઇન્ટ 790 થઈ ગયા છે જે લૉરા (782 પૉઇન્ટ)ને ઓળંગવા માટે પૂરતા હતા. ભારતે ઑસ્ટ્રેલિયા સામેની એ શ્રેણી 0-3થી ગુમાવી હતી.

હવે નંબર-વન થવાનો લૉરાનો વારો

ખરેખર તો સ્મૃતિ અને લૉરા આ બન્ને ઓપનર થોડા સમયથી એકમેકના કબજામાંથી નંબર-વનની રૅન્ક આંચકી રહી છે. હવે માર્ચ-એપ્રિલમાં સાઉથ આફ્રિકાની ન્યૂ ઝીલૅન્ડ સામે જે વન-ડે સિરીઝ રમાશે એમાં સારું પર્ફોર્મ કરીને તે સ્મૃતિ પાસેથી નંબર-વન રૅન્ક પાછી લઈ શકશે. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર પણ હવે ટૉપ-ટેનમાં છે. તે નવમા સ્થાને છે. તે 13મા નંબર પરથી ચાર ક્રમની છલાંગ લગાવીને નવમા નંબર પર આવી ગઈ છે અને તેના નામે 652 પૉઇન્ટ છે.

બોલિંગમાં સૉફીએ ચાર વર્ષે પહેલો નંબર ગુમાવ્યો

બોલિંગમાં ઑસ્ટ્રેલિયાની ભારતીય મૂળની બોલર અલાના કિંગ નવી નંબર-વન થઈ ગઈ છે. તેણે ઇંગ્લૅન્ડની સ્પિનર સૉફી એકલ્સ્ટનનું સ્થાન લીધું છે. સૉફીએ લગભગ ચાર વર્ષે મોખરાની રૅન્ક ગુમાવી છે. સ્પિનર અલાના કિંગના મમ્મી અને પપ્પા મૂળ તમિળનાડુના ચેન્નઈ શહેરના છે.