Thu Jun 25 2026

Logo

સ્માર્ટફોનનું સિક્રેટ ફીચર: એક જ ફોનમાં ચાલશે બે અલગ-અલગ દુનિયા! તમારી પર્સનલ સ્પેસ હવે તમારી પોતાની જ રહેશે...

2026-06-25 15:09:52
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અતિ મહત્વનો હિસ્સો બની ગયો છે. ફોટો-વીડિયોથી લઈને પર્સનલ ચેટ અને બેંકિંગ જેવી અત્યંત ખાનગી વિગતો આપણા ફોનમાં સેવ હોય છે. ડિજિટલ યુગમાં જેટલો ફોન જરૂરી છે, તેટલી જ તેની પ્રાઇવસી (Privacy) પણ મહત્વની છે.

ઘણીવાર એવું બને છે કે આપણા મિત્રો, બાળકો કે સગા-સંબંધીઓ આપણી પાસે થોડીવાર માટે ફોન માંગે છે. તે સમયે પર્સનલ ડેટા કોઈ જોઈ ન લે તેની ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા સ્માર્ટફોનની અંદર જ એક એવું 'હિડન ફીચર' (ગુપ્ત ફીચર) છુપાયેલું છે, જેની મદદથી તમારો ફોન સામેવાળી વ્યક્તિને એકદમ નવો અને ખાલી દેખાશે, જ્યારે તમારા માટે બધું જ પહેલાં જેવું જ સેફ રહેશે!

સ્માર્ટફોનમાં એક જ સેટિંગથી બે અલગ-અલગ પ્રોફાઇલ (સ્પેસ) બનાવી શકાય છે. અલગ પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટથી ફોન અનલોક કરતાં જ આખો ફોન એકદમ નવો અને કોરો દેખાવા લાગશે. આ ફીચરને અલગ-અલગ કંપનીઓ પ્રાઈવેટ સ્પેસ, સેકન્ડ સ્પેસ કે હિડન પ્રોફાઈલ તરીકે ઓળખે છે. પર્સનલ ચેટ, બેંકિંગ એપ્સ અને ફોટોઝને અનધિકૃત લોકોથી બચાવવા માટે આ બેસ્ટ સેટિંગ છે.

શું છે આ ખાસ ફીચર?

આ ફીચરને અલગ-અલગ સ્માર્ટફોન કંપનીઓ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં જુદા-જુદા નામે આપે છે. શાઓમી, રેડમીના ફોનમાં તેને સેકન્ડ સ્પેસ કહે છે, સેમસંગમાં તે સિક્યોર ફોલ્ડર જેવું કામ કરે છે, જ્યારે લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝનમાં તે પ્રાઈવેટ સ્પેસ કે હિડન પ્રોફાઈલના નામે જોવા મળે છે. આ ફીચરનો મુખ્ય હેતુ તમારા જ ફોનની અંદર એક તદ્દન અલગ અને સુરક્ષિત સ્પેસ તૈયાર કરવાનો છે.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

આ ફીચરના કામ કરવાની પદ્ધતિ ખૂબ જ રસપ્રદ અને સ્માર્ટ છે. આ ફીચરમાં તમારે ફોન અનલોક કરવા માટે બે અલગ-અલગ પેટર્ન, પિન કે ફિંગરપ્રિન્ટ સેટ કરવાની હોય છે. ચાલો જાણીએ વિસ્તારથી...

મેઇન પ્રોફાઇલ: 

જ્યારે તમે તમારા પર્સનલ પાસવર્ડ કે ફિંગર પ્રિન્ટ્સથી ફોન ખોલશો, ત્યારે ફોન નોર્મલ ખુલશે અને તમારી બધી જ એપ્સ, ફોટોઝ અને ચેટ્સ જોવા મળશે.

ગેસ્ટ પ્રોફાઇલ: 

જો કોઈ ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર ફોન માંગે, તો તમારે ફોન લોક કરીને તમારા બીજા સેટ કરેલા પાસવર્ડ કે બીજી આંગળીના ફિંગરપ્રિન્ટથી અનલોક કરીને આપવાનો રહેશે. આ શોર્ટકટથી ફોન ખૂલતાની સાથે જ સામેવાળી વ્યક્તિને એવું જ લાગશે કે આ ફોન હજી હમણાં જ નવો ખરીદ્યો છે અને તેમાં કોઈ પર્સનલ ડેટા નથી!

યુઝર્સ માટે આ ફીચર કેમ વરદાનરૂપ છે?

ચિંતામુક્ત લોનિંગ: જ્યારે પણ કોઈને ફોન આપવો પડે, ત્યારે ગેસ્ટ પ્રોફાઇલ ઓન કરીને આપવાથી તમારી પર્સનલ વોટ્સએપ ચેટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ કે ગુગલ પે/ફોન પે જેવી બેંકિંગ એપ્સ કોઈ જોઈ શકશે નહીં.
બાળકોથી સેફ્ટી: જો ઘરમાં બાળકો ફોન લેતા હોય, તો આ સેકન્ડ સ્પેસમાં તમે માત્ર ગેમ્સ અને ભણવાની એપ્સ રાખીને ફોન આપી શકો છો, જેથી તેઓ ભૂલથી પણ તમારા ઓફિસના કામના ડેટા ડિલીટ ન કરી નાખે.
સ્માર્ટ સ્વિચિંગ: ફોન પાછો તમારા હાથમાં આવતા જ માત્ર એક સેકન્ડમાં તમારા મેઇન પાસવર્ડથી તમે જૂની પ્રોફાઇલમાં પાછા આવી શકો છો.

આ અદભુત ફીચર લગભગ તમામ આધુનિક એન્ડ્રોઇડ સ્માર્ટફોનના Settings -> Privacy -> Private Space/Second Space માં જઈને સરળતાથી એક્ટિવેટ કરી શકાય છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.