Sun Jun 21 2026

Logo

ટૅક વ્યૂહ:આપણા સ્માર્ટ ફોન પર કબજો બીજાનો?! ... તો આપણને આની ખબર કેમ પડે?

2026-06-14 10:26:00
Author: Viral Rathod
Article Image

 

 



 

- વિરલ રાઠોડ



 

 ડિજિટલ યુગમાં આપણો સ્માર્ટ ફોન આપણી સુરક્ષા છે તો ક્યારેક એ જોખમ પણ ઊભું કરી દે છે. જીવનશૈલીનો ભાગ છે એમ કહેવા કરતાં જરૂરિયાત છે એ કહેવું વધારે યોગ્ય છે. ફોન ખોવાયો એના સમાચાર એટલા નથી બનતા જેટલા ફોન થકી ફ્રોડના બની રહ્યા છે. સમયાંતરે ડિજિટલ ફ્રોડ કે ડિજિટલ અરેસ્ટથી કરોડો રૂપિયા સાયબર ગઠિયો ખંખેરી ગયો એવા સમાચાર છાપે ચડે છે, પણ સ્માર્ટ ફોન હેક થઈ જાય તો? સ્માર્ટ ફોન હેક થઈ ગયો એવી ખબર કેવી રીતે પડે? ઈનકેસ ફોન હેક થઈ જાય ત્યારે સૌથી પહેલા શું કરવું જોઈએ? આજે આ વિષય પર વિગતવાર વાત કરીએ અને સમજીને એલર્ટ રહીએ.

 

સ્માર્ટ ફોનનો ઉપયોગ સૌ કોઈ કરે છે પણ એનું ઓબઝર્વેશન ભાગ્યે જ કોઈ કરતું હશે, કારણ કે સ્પીડના જમાનામાં વેઈટ કરવાનો સમય નથી. એટલે ઝટપટ એક્સેસ, ઝડપટ કામ. સૌથી પહેલા તો જ્યારે ફોન હેક થાય કે બીજા વ્યક્તિના હાથમાં એનો કંટ્રોલ જાય તો ફોન ધીમો પડી જાય અને કોઈ ચોક્કસ એક એપ્લિકેશન ચોંટવા લાગે છે. અર્થાત્ જે એપ્લિકેશન પર ક્લિક કર્યું હોય એ ખુલતા વાર લાગે, ક્લિક કર્યા બાદ લાંબા સમય સુધી તે રીસપોન્ડ ન કરે. સ્વિચઓફ કર્યા બાદ ફોન શરૂ થવામાં લાંબો સમય જાય. (હા, ફોનમાં વધારે પડતો ડેટા હોય ત્યારે પણ આવું બને, પણ એ સમયે હેક થયો હોય એવું ન માનવું), ફોન રીઝોલ્યુશન ઓટોમેટિક વધઘટ થવા લાગે. આવું થાય ત્યારે કોઈ ચોક્કસ વાયરસ કે માલવેર ફોન એપ્સ અને ઑપરેટિંગ સિસ્ટમની પાછળ કામ કરવા લાગે છે. બેટરી ઝડપથી વગર યુઝ કર્યે વપરાઈ જતી હોય તો ચેતજો. કોઈ એવી એપ્લિકેશન છે જે સ્ક્રિન પર દેખાતી નથી, પણ ઑપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરે છે, જે બીજી બધી એપ્સમાંથી ડેટા મેળવીને કંઈ સળી કરે છે. આના કારણે આપણી બેટરી વગર વપરાશે ઓછી થઈ જાય છે. આવું થાય ત્યારે સમજવું કે નક્કી કંઈક ડખો છે.

 

મોબાઈલ ફોનમાં ઘણી એવી એપ્લિકેશન હોય છે જેનો ઉપયોગ દૈનિક ધોરણે થતો નથી, પણ ડાઉનલોડ કરેલી પડી હોય છે. આવી એપ્લિકેશનમાં ભાગ્યે જ કોઈ અપડેટ આવતી હોય છે. આવી એપ્લિકેશનની અચાનક નોટિફિકેશન આવે કે એનો લોગો અચાનક બદલે તો પહેલા પ્લેસ્ટોરમાં જઈને એ એપ્લિકેશન ચેક કરજો. અપડેટ કરવાના બદલે એનું ડિસ્ક્રિપ્શન વાંચજો. ડાયરેક્ટ અપડેટ પર ક્લિક કર્યું તો સમજો ડિજિટલ આફતને નોતરૂ આપ્યું. આ સિવાય જે તે એપ્લિકેશનના નામ કે લોગોને મળતી આવતી એપ્લિકેશન જે ડાઉનલોડ કરી જ નથી અને સ્ક્રિન પર દેખાય તો બી એલર્ટ. આવી એપ્સ પર ક્લિક કર્યા વગર જ અનઈન્સ્ટોલ કરી શકાય છે.

 

અચાનક કોઈ નવી એપ તમારી જાણ બહાર ડાઉનલોડ થઈને તમારી નજરે ચઢે તો સમજવું કે, એ ફોન હેક થયાનો સંકેત છે. તમારી જાણ બાહર કોઈ તો છે જે ફોનનો એક્સેસ કરીને એપ્સ ડાઉનલોડ કરીને વોચ રાખે છે. અચાનક ઈન્ટરનેટનો વપરાશ વધી જાય અને ડેટાપેક નક્કી કરેલા સમય કરતા પહેલા જ પૂરો થઈ જાય તો સમજવું કોઈ માલવેર માહિતીને ચોરી રહ્યું છે, જેની જાણ આપણને નથી. આવું ત્યારે જ થાય છે જ્યારે કોઈ એપ્લિકેશન રિમોટથી (દૂરની જગ્યાએથી) ઑપરેટ થતી હોય અને તેનો પહેલો ટાર્ગેટ ઈન્ટરનેટ ડેટા હોય. ખાસ કરીને ફ્રી વાયફાઈ ઝોનમાં આવું વારંવાર બનતું હોય છે. મોટાભાગના કેસમાં ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે જે તે વેબસાઈટ સિવાય કોઈ જાહેરાત આપમેળે પ્લે થતી નથી. ઉપરાંત કેટલીક એવી પણ વેબસાઈટ હોય છે જેમાં કોઈ જાહેરાત જ હોતી નથી, જેમ કે, ટિકિટ કે ફ્લાઈટ બુકિગની સાઈટ. અમુક વિષય સંબંધી સાઈટ કરતા જાહેરાત અલગ પડે તો સમજવું કે દાળમાં કંઈક કાળું છે.

 

બ્રાઉઝર ખોલો અને સટાસટ જાહેરાતના પોપઅપ ખુલવા માંડે, જેને બંધ કરતા નાકે દમ આવી જાય ત્યારે સમજવું કે ફોન હેક થયો છે અને આ એક સાયબર હુમલો બની શકે છે. કોઈપણ બ્રાઉઝર બંધ હોય છતાં આવા પોપ આવવા માંડે ત્યારે પણ ચેતી જવું. ફોન હેક થયો હોય એવું લાગે તો ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દો, આનાથી ઈન્ટરનેટ બંધ થશે છતાં ફોન ચાલુ રહેશે. આનાથી ડેટા ચોરી અટકશે. હેકિંગ માટે ઈન્ટરનેટ ચાલુ હોવું જરૂરી છે. શંકાસ્પદ એપ્લિેશન અનઈન્સ્ટોલ કરી દો. તમામ સોશ્યલ મીડિયાના પાસવર્ડ બદલી દો,  પ્રીમિયમ એન્ટિ વાયરલથી ફોન સ્કેન કરો, ઈન્ટરનેટ બંધ કરીને કરવાથી ઝડપથી ખ્યાલ આવશે. ફોનમાં જે પ્રોફાઈલ ચાલુ હોય તે લોગઆઉટ કરી ને ફોન સ્વિચ ઓફ કરી દો. આખરી ઉપાય, ફોન ફોર્મેટ કરી દો.

 

આઉટ ઓફ બોક્સ

 

ચેટજીપીટી ઑપન અઈં કંપનીની પ્રોડક્ટ છે પણ આની પાછળ માઈક્રોસોફ્ટ કંપનીનું રોકાણ છે. અઈં ઈમેજ બનાવવા આ ટુલ્સ સૌથી વધુ 

એક્યુરેટ છે.