મુંબઈ: અયોધ્યાના રામ મંદિરના ચઢાવાને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ચઢાવાની ચોરીનો મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. જોકે, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે ચોરીનો પર્દાફાશ ટ્રસ્ટે જ કર્યો હતો અને સમગ્ર મામલાની તપાસ માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને પણ ટ્રસ્ટે જ ફરિયાદ કરી હતી. ટ્રસ્ટે દાવો કર્યો છે કે ગેરરીતિમાં સંડોવાયેલા કેટલાક કર્મચારીઓ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાથે જોડાયેલા હતા.
ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે જણાવ્યું કે 21 માર્ચ, 2026ના મંદિરના 208 સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરતી બાદ ચઢાવાની રકમમાંથી પૈસા કાઢતા આઠ કર્મચારી ઝડપાયા હતા. તેમની સામે એફઆઈઆર નોંધાઈ, ધરપકડ કરવામાં આવી અને જેલ મોકલવામાં આવ્યા ત્યાર બાદ વધુ તપાસમાં કુલ 45 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ કેટલાક આરોપીઓના રાજકીય સંબંધો પણ સામે આવ્યા છે.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ માત્ર ચઢાવાની ચોરી જ નહીં, પરંતુ કેટલાક કર્મચારીઓ મંદિર બહારના ફૂલ વેચનારાઓ અને અન્ય લોકો સાથે મળીને ભક્તો પાસેથી 100થી 500 રૂપિયા લઈ ઝડપી અથવા વી.આઈ.પી. દર્શનની ગેરકાયદે વ્યવસ્થા પણ કરતા હતા. કર્મચારીઓના બેંક ખાતા અને ગૂગલ પે ટ્રાન્ઝેક્શનની તપાસમાં પણ આવા વ્યવહારોના પુરાવા મળ્યા હતા, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
સદા સરવણકરે જણાવ્યું કે અગાઉ દર અઠવાડિયે મંદિરમાં નોંધાતો ચઢાવો અંદાજે 40થી 50 લાખ રૂપિયા હતો, જે હવે વધીને 90થી 98 લાખ રૂપિયા અને કેટલીક વખત એક કરોડ રૂપિયાથી વધુ નોંધાઈ રહ્યો છે. ટ્રસ્ટના અંદાજ મુજબ અગાઉ ચઢાવાની રકમમાં ગેરરીતિને કારણે દર વર્ષે આશરે 18 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોઈ શકે છે. ટ્રસ્ટનું કહેવું છે કે દલાલોના નેટવર્ક પર લગામ અને વહીવટી સુધારાઓ બાદ ચઢાવાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
ટ્રસ્ટી રાહુલ લોઢેએ જણાવ્યું કે સમગ્ર મામલે એસીબીની તપાસ ચાલુ છે અને સીઆઈડી તપાસની પણ માંગ કરવામાં આવશે. ઉપરાંત, વર્ષ 2019માં તત્કાલીન ટ્રસ્ટ અધ્યક્ષ આદેશ બાંદેકરના કાર્યકાળ દરમિયાન શિવભોજન યોજના માટે ટ્રસ્ટમાંથી આપવામાં આવેલા 10 કરોડ રૂપિયાના ઉપયોગની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રાજ્યના કાયદા અને ન્યાય વિભાગે સમગ્ર મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે, જે મુખ્ય પ્રધાન અને બંને ઉપ મુખ્ય પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ સમગ્ર મામલે રાજ ઠાકરેએ નિષ્પક્ષ તપાસની માગણી કરી છે, જ્યારે છગન ભુજબળ અને કોંગ્રેસે પણ સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરીને હકીકતો જાહેર કરવાની માંગ કરી છે. બીજી તરફ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે સમગ્ર મામલાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગેરરીતિનો પર્દાફાશ, આરોપીઓ સામે કાર્યવાહી અને તપાસની શરૂઆત ટ્રસ્ટે જ કરી હતી.