શ્વેતા જોષી અંતાણી
શાળામાં આજે ‘સ્ટોરી ટેલિંગ ઍક્ટિવિટી’ ચાલી રહી હતી. કોઈ હેરી પોટર વિશે બોલતું હતું, કોઈ પ્રેરણાત્મક વાર્તા કહેતું તો કોઈ માત્ર પૉઇન્ટ્સ મેળવવા ગૂગલથી તૈયાર કરેલી સ્પીચ વાંચી રહ્યું હતું. જોકે ક્લાસની છેલ્લી બેન્ચ પર શાંતિથી બેસેલી આરોહી જ્યારે સ્ટેજ પર ગઈ ત્યારે એના હાથમાં એક પુસ્તક હતું
મટિલ્ડા : મૂઢમતિ માતા-પિતાની જ્ઞાનવતી દીકરી
‘આ માત્ર વાર્તા નથી.’ આરોહીએ શરૂઆત કરી. ક્લાસમાં થોડી શાંતિ છવાઈ ગઈ. મટિલ્ડા એક એવી છોકરી જે પોતાના જ ઘરમાં અજાણી હતી. અત્યંત ચબરાક, ચાલાક, હોશિયાર એવી એ છોકરી મૂર્ખાઓ વચ્ચે ફસાય ગયેલી. મમ્મી-પપ્પા અને મોટો ભાઈ ત્રણેય બુદ્ધિના લઠ્ઠ. મટિલ્ડા ને પુસ્તકો ગમતાં. એ વાંચતી રહેતી ત્યારે ઘરમાં પેલા ત્રણેય મોટા અવાજે ટીવી જોતાં. એ વધુ વિચારતી, કારણ ઘરમાં અન્ય કોઈ પાસે વિચારવા યોગ્ય દિમાગ નહોતું. એ આસપાસના લોકો કરતાં અલગ હતી. અને કદાચ આ કારણસર જ સતત અવગણના ભોગવતી.....
આ બોલતાં-બોલતાં આરોહીની અંદરથી જાણે અવાજ સ્ફૂર્યો. એ માત્ર પુસ્તકની વાર્તા નહોતી કહી રહી. એ પોતે મટિલ્ડામાં ઓતપ્રોત થઈ ઉઠેલી.
‘મટિલ્ડા’ નામનો અર્થ વૉરિયર કે યોદ્ધા એવો થાય છે અને અહીં મટિલ્ડા માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કરવી પડતી મહેનત કોઈ યુદ્ધથી સહેજ પણ ઊણી ઊતરે એવી હતી નહીં.
મટિલ્ડા એક ઉત્કૃષ્ટ બુદ્ધિ પ્રતિભા ધરાવતી છોકરી છે જે સાઈકો કાયનેટિક એબિલિટી ધરાવે છે એટલે કે પોતાના મનની આંતરિક ઇન્દ્રિય શક્તિઓની મદદ દ્વારા એ બાહ્ય પરિસ્થિતિઓ પર નિયંત્રણ રાખી શકે છે. આના કારણે એ અન્યો કરતાં અનોખી તરી આવે છે. મટિલ્ડા પિતા હેરી, માતા જીન્ની અને મોટા ભાઈ માઇકલ સાથે રહે છે. કોઈ અગમ્ય કારણોસર આ ત્રણેય દ્વારા મટિલ્ડાની સતત અવગણના અને ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. જાણે મટિલ્ડા એ ઘરમાં રહેતી જ નથી, એમના પરિવારની સભ્ય જ નથી એ પ્રકારનું વર્તન એની સાથે દરરોજ કરવામાં આવે છે.
મટિલ્ડા જોકે એ બધા કરતાં એકદમ સ્વસ્થ, સ્માર્ટ અને સ્વતંત્ર છે. એ પોતાની એકલતાનો સથવારો પુસ્તકોને બનાવે છે. પુસ્તકોની કાલ્પનિક દુનિયા એને પોતાના વાસ્તવિક જગતની એકલતા, માતા પિતા-ભાઈના ધિક્કાર તેમજ મૂર્ખ ભાઈથી દૂર રાખે છે. પુસ્તક લેવાના પૈસા નથી એટલે પબ્લિક લાઇબ્રેરીનો ઉપયોગ કરતી મટિલ્ડા અતિ હોશિયાર છે એવું માનવાને બદલે ‘એનામાં બુદ્ધિનો છાંટો નથી. એની પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ કરવો અનાવશ્યક છે’ એવું માનતા એના સાવ ઘનચક્કર જેવાં મા-બાપ એને સારું ભણતર આપવા રાજી નથી.
છેવટે સ્કૂલની એક ઋજુ, સંવેદનશીલ શિક્ષિકા એવી મિસ હનીના સ્વરૂપમાં મટિલ્ડાને એક મા, બહેન, મિત્ર, શિક્ષક અને પરિવાર કઈ રીતે મળી ગયાં એ આખી સફરની વાર્તા આ પુસ્તકમાં છે...
‘દરેક સ્કૂલમાં આવી કેટલીક છોકરીઓ હોય છે,’ આરોહીએ આગળ ચલાવ્યું : ‘જે બહુ બોલતી નથી. જેને ધરાર એકલા બેસવું પડે છે. જેને પુસ્તકો સંગાથે શાંતિ મળે છે. જે હંમેશાં અન્યો કરતાં અલગ તરી આવે છે.અને ઘણીવાર સમાજ આવી છોકરીઓને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે એમને બદલવાનો પ્રયત્ન કરે છે. એવું કહીને કે ‘થોડી નૉર્મલ રહેતાં શીખ, આખો દિવસ શું વિચાર્યા કરે છે? તારે હવે વધારે સ્માર્ટ બનવાની જરૂર નથી.’ આવાં વાક્યો ઘણી ટીનએજ છોકરીઓ રોજ સાંભળતી હોય છે.
લેખક રોલ્ડ ડ્હેલે સર્જેલું ‘મટિલ્ડા’નું પાત્ર આપણી વચ્ચે રહેલી આવી છોકરીઓનો અવાજ છે જે અંદરથી ખૂબ સમજદાર, લાગણીશીલ અને અલગ છે, પરંતુ સતત પોતાની આવડતને છુપાવતાં શીખી રહી છે. આરોહીએ પોતાની વાત પૂરી કરતાં ઉમેર્યું:
‘મટિલ્ડાએ મને શીખવ્યું કે અલગ હોવું ખોટું નથી. આપણે જેવા છીએ એવા જ રહેવું એ ક્યારેક જીવનની સૌથી મોટી બહાદુરી હોય છે.’
થોડી ક્ષણ માટે આખો ક્લાસ શાંત રહ્યો. કદાચ પહેલીવાર કોઈએ માર્ક્સ, મેકઅપ કે મોટિવેશન સિવાય એમના જેવી કોઈ છોકરીની અંદર ઊભરાતી લાગણીઓની દુનિયા વિશે વાત કરી હતી.
ટીનએજ એક એવી ઉંમર છે જ્યાં દરેક વ્યક્તિ સ્વીકાર શોધી રહી હોય છે. ખાસ કરીને છોકરીઓ. ઘણીવાર લોકો એમને જેવી જોવા માગે છે એવું બનવામાં પોતાની સાચી ઓળખ ગુમાવી દેતી હોય છે. કોઈ પોતાની બુદ્ધિક્ષમતા છુપાવે તો કોઈ લાગણીઓ. કોઈ પોતાની શાંતિ તો કોઈ આવડત, પરંતુ ‘મટિલ્ડા’ જેવી વાર્તાઓ યાદ અપાવી જાય કે દુનિયાને ગમવા માટે જાતને બદલવી જરૂરી નથી. જો તમને પુસ્તકો ગમે છે તો ગમવા દો.
જો તમે વધુ સંવેદનાઓ અનુભવો છો તો અનુભવવા દો.
જો તમારું મન અન્યો કરતાં અલગ વિચારે છે તો વિચારવા દો....
કારણ કે દરેક વ્યક્તિ ભીડ માટે નથી બની હોતી.
ક્લાસ પૂરો થયા પછી આરોહી પોતાની બેન્ચ પર આવીને શાંતિથી બેસી ગઈ, પરંતુ આ વખતે એ એકલી નહોતી. એની બાજુમાં એક છોકરી ધીમેથી બોલી, ‘મારે પણ એ પુસ્તક વાંચવું છે.’
કદાચ કેટલીક વાર્તાઓનો જાદુ એ જ હોય છે.
એ લોકોનું જીવન નથી બદલતી, પરંતુ લોકોને પોતાની જાત સુધી પાછા ફરવામાં મદદ કરે છે.