થાણે: થાણે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો કરવાના આરોપનો સામનો કરી રહેલા શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે અને અન્ય ચાર જણ વિરુદ્ધ પોલીસે આરોપનામું દાખલ કર્યું હતું. 6 જુલાઇએ બનેલી આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો.
કલ્યાણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં બુધવારે દાખલ કરાયેલા આરોપનામામાં સહ-આરોપીઓ તરીકે રમેશ પવાર, પ્રમોદ નિકમ, અક્ષય કારાન્ડે અને સાધના કારાન્ડેનાં નામ છે. કલ્યાણ-ડોંબિવલી પાલિકાના નગરસેવક રમેશ મ્હાત્રે તથા અન્ય આરોપીઓ 6 જુલાઇએ શાસ્ત્રી નગર હોસ્પિટલમાં ભેગા થયા હતા અને મહિલા દર્દીની સારવારમાં વિલંબ અંગે થયેલી દલીલ બાદ ડોક્ટરો પર હુમલો કર્યો હતો.
આરોપનામામાં ડોક્ટર, નર્સ, હોસ્પિટલનો સ્ટાફ અને સીસીટીવી નેટવર્ક કોન્ટ્રેક્ટર્સ સહિતના મુખ્ય સાક્ષીદારોનાં નિવેદનો અને પુરાવાનો સમાવેશ છે. શરૂઆતમાં કલ્યાણની કોર્ટમાંથી મ્હાત્રેને જામીન મળ્યા હતા, જેની સામે જનતા અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તરફથી ભારે વિરોધ કરાયો હતો, જેને કારણે મહારાષ્ટ્ર વ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. આની નોંધ લેતાં બોમ્બે હાઇ કોર્ટે મ્હાત્રેના જામીન રદ કર્યા હતા અને હુમલાને ‘મેડિકલ સિસ્ટમ’ પર હુમલો ગણાવ્યો હતો.
હાઇ કોર્ટે મ્હાત્રેને 24 કલાકમાં આત્મસમર્પણ કરવાના નિર્દેશ આપ્યા હતા. મ્હાત્રેને ત્યાર બાદ કલ્યાણની આધારવાડી જેલમાં મોકલી અપાયો હતો, જ્યાં તેણે 20 દિવસ ગાળ્યા હતા. હાઇ કોર્ટે 7 ઑગસ્ટે મ્હાત્રેને આકરી શરતો હેઠળ જામીન આપ્યા હતા. કોર્ટના આદેશ અનુસાર મ્હાત્રે અને ત્રણ પુરુષ સહ-આરોપી ગોવામાં અંજુના ખાતે રિસોર્ટમાં ગયા હતા. હાઇ કોર્ટે નિદેશ આપ્યા હતા કે મ્હાત્રા અને સહ-આરોપીઓ સામે કોર્ટ દ્વારા આરોપો ઘડવામાં આવે તે પછી તેમને મહારાષ્ટ્રમાં ફરીથી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. (પીટીઆઇ)