Sun Jul 26 2026

Logo

શેખર સુમન સાથે જોડાયેલા ફિલ્મ મેકર પર EDના દરોડા, જાણો કારણો

2026-07-10 19:46:39
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/મુંબઈઃ અભિનેતા શેખર સુમન સાથે જોડાયેલા મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા અને તેમની કંપની સામે અઘોષિત વિદેશી સંપત્તિ રાખવા અને અન્ય કથિત ગેરરીતિઓના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફઇએમએ) હેઠળ તપાસ શરૂ કરી છે.

કેન્દ્રીય એજન્સીએ મુંબઈમાં એફઇએમએ હેઠળ કલાની ઇમ્પેક્સ લિમિટેડ અને તેના ડિરેક્ટર ધર્મેશ સાંગાણી સામે તપાસ શરુ કરી છે. સાંગાણી  સુમન દ્વારા પ્રમોટ કરાયેલી ફિલ્મ એકેડેમીના સહ-સ્થાપક છે.

અધિકારીઓએ આક્ષેપ કર્યો હતો કે તપાસ દરમિયાન સંગાણીએ બિલ્ડિંગના 13 મા માળેથી પોતાનો મોબાઈલ ફોન ફેંકી દીધો હતો, જે બાદમાં તપાસકર્તાઓને હાથ લાગ્યો હતો. પુરાવાનો નાશ કરવાના આરોપસર ઇડી એ આ ઘટના અંગે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની તપાસ સાંગાણી અને તેમની પેઢીની ભૂમિકા પૂરતી સીમિત છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ચોક્કસ વિદેશી ખરીદદારો પાસેથી નિકાસની રકમ વસૂલ કરવામાં આવી નહોતી અને કંપનીએ અધિકૃત ડીલર બેંક પાસેથી સમયનો વધારો મેળવ્યો ન હતો. તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન "અઘોષિત" વિદેશી સંપત્તિઓ અને બેંક ખાતાઓ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. 

અધિકારીઓએ દાવો કર્યો હતો કે અગાઉ સપ્ટેમ્બર 2016માં, યુકે બોર્ડર ફોર્સના અધિકારીઓએ સાંગાણી પાસેથી લગભગ 7.4 કિલો અઘોષિત સોનું જપ્ત કર્યું હતું. સાંગાણી અથવા તેમની કંપનીનો સંપર્ક થઈ શક્યો નથી. ફિલ્મ એકેડેમી તરફથી પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.