Wed Jul 29 2026

Logo

ઈંધણની અછત પર સરકાર સત્ય બોલે: સંજય રાઉતનો મોદી સરકાર પર પ્રહાર

2026-03-16 19:27:04
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દેશમાં ઇંધણના સંકટ મુદ્દે વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરી ટીકા કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રમાં યુબીટી (શિવસેના)ના સાંસદ સંજય રાઉતે સરકાર પર નિશાન તાક્યું હતું. 

'મારી તેમને એક વિનંતી છે કે જૂઠું ન બોલો. તેઓ અથવા ભાજપના નેતાઓ જૂઠું બોલી રહ્યા છે. તમે લોકોને વિશ્વાસમાં લઈને જણાવો કે સાચી પરિસ્થિતિ શું છે. તમે કયા આધારે કહી રહ્યા છો કે એક મહિનો ચાલે તેટલું ઈંધણ છે અને ગેસ કે ઈંધણની અછત નહીં સર્જાય?

અખાતના દેશોમાં તેલના તમામ કુવાઓમાં આગ લાગી છે. ગઈકાલે ઈરાનના ખર્ગ નામના ટાપુ પર બોમ્બ ફેંકીને ઈંધણના કુવાઓ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ કહી રહ્યા છે કે મને ઈરાન પર બોમ્બ ફેંકવામાં મજા આવે છે, જે માણસને માણસો મારવામાં મજા આવે છે, તે માણસના રાષ્ટ્ર સાથે મોદીએ ગુલામીનો કરાર કર્યો છે. ઈંધણની અછત છે, ગેસની અછત છે, એ વાત સ્વીકારવી જોઈએ. મુંબઈ જેવા મોટા શહેરમાં ૪૦ ટકા હોટલ વ્યવસાય બંધ થઈ ગયો છે. કામદારો ગામડે પરત ફરી રહ્યા છે, તે વાત સ્વીકારવી જોઈએ', સંજય રાઉતે કહ્યું હતું.

વધુમાં રાઉતે કહ્યું કે, 'માત્ર મોદીના નામે ભજન કરીને અને ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈંધણની અછત કે યુદ્ધનો અંત નહીં આવે. એલપીજી ગેસ માટેની લાઈનો પણ બંધ નહીં થાય. ભાજપે એકવાર આત્મચિંતન કરીને આ વાત સમજી લેવી જોઈએ. 

કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં પ્રચાર કરવા માટે સમય છે, પરંતુ ગેસની અછત પર સર્વપક્ષીય નેતાઓની બેઠક બોલાવવા માટે તેમની પાસે સમય નથી." આ શબ્દોમાં સંજય રાઉતે ટીકા કરી હતી.