Fri Aug 14 2026

Logo

જમ્મુ-કાશ્મીરના સાંબામાં 3 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા સર્ચ, ગ્રામ્ય વિસ્તાર કોર્ડન

2026-04-05 15:56:14
Author: Mumbai Samachar Team
Article Image

સાંબાઃ જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના એક ગામમાં ત્રણ વ્યક્તિઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે. ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારથી આ ગામ ખૂબ નજીક છે. ત્રણ વ્યક્તિઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા સૈન્ય ટુકડી એલર્ટ થઈ ગઈ હતી.ત્રણ વ્યક્તિઓ સાંબા પાસેના એક ગામમાં હોવાના ચોક્કસ ઈનપુટ સૈન્ય ટુકડીને મળ્યા હતા. 

સર્ચ ઑપરેશન શરૂ
સૈન્ય ટુકડીને ઈનપુટ મળતા જ સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.  દરૂઇ વિસ્તારના બેધખડ્ડના એક સ્થાનિક એવી માહિતી આપી હતી કે, સુકાઈ ચૂકેલા એક નાળા પાસે ત્રણ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. એમની હિલચાલ શંકાસ્પદ દેખાતી હતી. ત્રણમાંથી એક વ્યક્તિ પાસે ભારે વજનવાળું બેગ હતું. સૈન્યના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર એમની પાસે કોઈ પ્રકારના હથિયાર જોવા મળ્યા નથી પણ તે શંકાસ્પદ આતંકી તરીકે ગણી શકાય. જમ્મુ કાશ્મીર SOGએ સૈન્ય અને પેરા ફોર્સની મદદથી સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. 

સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં સર્ચ
માત્ર બોર્ડર વિસ્તારમાં જ નહીં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જોકે સ્થાનિકોને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિને કોઈ પ્રકારને શરણ ન આપવાની સૈન્યએ કડક સૂચના આપી હતી. અજાણ્યા વ્યક્તિથી દૂર રહેવા સૂચના આપી હતી. સાંબામાં રાત્રીના સમયે આ ત્રણ વ્યક્તિઓની હિલચાલ જોવા મળી હતી. 

મોડી રાતનો મામલો
ત્રણ વ્યક્તિઓ મોડી રાત્રે સ્થાનિકને નજરે ચડ્યા હતા. જેની સૂચના સૈન્ય અધિકારીને આપવામાં આવી હતી. હાલ આ વિસ્તારને સૈન્ય ટુકડીએ કોર્ડન કરી રાખ્યો છે. ત્રણ વ્યક્તિ અહીંયાથી કઈ તરફ ગયા અને કેવી રીતે અહીં સુધી પહોંચ્યા એ અંગે કોઈ ઈનપુટ નથી. આ મુદ્દે સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી છે. આ ત્રણ શંકાસ્પદ વ્યક્તિ કોણ છે અન કેવા દેખાઈ રહ્યા છે એ દિશામાં તપાસ ચાલું છે. સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે, મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો નાઈટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. આ પહેલા શંકાસ્પદ ડ્રોન અને હથિયારની હેરાફેરીના ઈનપુટ પર સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું.